‘વિરાર કરતા ચંદ્ર પર જવું સસ્તું…’: કયા પ્રકલ્પ માટે જયંત પાટીલે સરકારની કરી ટીકા
મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય વાતાવરણ તપી રહ્યું છે. સત્તાધારીઓ અને વિરોધ પક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલુ છે જ્યારે ચૂંટણી માટેની જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં મળેલા સારા પ્રતિસાદને કારણે વિપક્ષનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.
મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષોનો મેળાવડો આજે મુંબઈના ષણમુખાનંદ સભાગૃહમાં યોજાયો હતો, જેમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, બાળાસાહેબ થોરાત, જયંત પાટીલ, સુપ્રિયા સુળે, આદિત્ય ઠાકરે, જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. આ મેળવડામાં જયંત પાટીલે મોદી સરકાર અને ભાજપની જોરદાર ટીકા કરી હતી.
આ દરમિયાન જયંત પાટીલે અલિબાગથી વિરાર સુધીના કોરિડોર પ્રકલ્પનો ઉલ્લેખ કર્યો અને કહ્યું હતું કે અલિબાગથી વસઇ-વિરાર સુધી પહોંચવા માટે ૯૬ કિલોમીટરનો કોરિડોર બાંધવામાં આવનાર છે, જેના માટે રૂ. ૨૦,૦૦૦ કરોડનો અંદાજિત ખર્ચ થવાનો છે. રૂ. ૨૬,૦૦૦ના ટેન્ડર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક કિલોમીટરનો ખર્ચ રૂ. ૨૭૩ કરોડ થશે. પૃથ્વીથી ૩,૮૫,૦૦૦ કિલોમીટરના અંતરે ચંદ્ર છે. નાના પટોલેને ખબર હશે કે ચંદ્ર ક્યાં છે, એમ પાટીલે જણાવતા બધા લોકો ખડખડાટ હસી પડ્યા હતા.
આ પણ વાંચો: મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીની વાટાઘાટો શરૂ
‘ચંદ્ર પર ચંદ્રયાન ફક્ત રૂ. ૬૦૦ કરોડમાં પહોંચ્યું, પણ અલિબાગથી વસઇ-વિરાર સુધી રસ્તો જવાનો છે અને ફક્ત ત્રણ કિલોમીટર પણ આગળ જઇએ તો રૂ. ૬૦૦ કરોડ પૂરા થઇ જશે’, એમ તેમણે ટોણો માર્યો હતો.
આ સિવાય તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર ડરપોક સરકાર છે. તેમને ચૂંટણીનો ભય લાગે છે. તેમની ઓક્ટોબરમાં ચૂંટણી યોજવાની હિંમત નથી. તેથી દિવાળી બાદ જ ચૂંટણી યોજવામાં આવશે. પંદરથી ૨૦ નવેમ્બર દરમિયાન ચૂંટણી યોજવામાં આવે એવો અંદાજ છે. તે પહેલા તેમની ચૂંટણી યોજવાની હિંમત નથી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
(પીટીઆઇ)