રોહિતની રૂપિયા 3.1 કરોડવાળી લમ્બોર્ગિની પર કેમ 264ની નંબર પ્લેટ છે?
મુંબઈ: રોહિત શર્મા ભારત વતી હવે માત્ર ટેસ્ટ અને વન-ડે ફૉર્મેટમાં જ રમતો જોવા મળશે અને દર વર્ષની આઇપીએલમાં તો ખરો જ. આનો અર્થ એ થયો કે વર્ષ દરમ્યાન તેને પરિવાર સાથે રહેવાનો તેમ જ અંગત જીવન માણવાનો વધુ સમય મળશે. જૂનના ટી-20 વર્લ્ડ કપ પછી ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં તે ન રમવાનો હોવાથી તેણે એ પખવાડિયામાં આરામ કર્યો હતો અને અત્યારે એક મહિનાના બ્રેક પર છે. ખાસ વાત એ છે કે મેન ઇન બ્લ્યૂના કૅપ્ટને બે વર્ષ પહેલાં 3.10 કરોડ રૂપિયામાં બ્લ્યૂ રંગની જે લંબોર્ગિની ખરીદી હતી એ ચલાવવાનો તેને ભાગ્યે જ સમય મળે છે. તાજેતરમાં તેણે મુંબઈમાં એ કાર ડ્રાઇવ કરી અને એ કારનો નંબર હતો…0264.
કોઈકને નવાઈ લાગશે કે કેમ આ જ નંબર-પ્લેટ તેણે પસંદ કરી હશે. તો જણાવી દઈએ કે વન-ડે ક્રિકેટમાં 264 રન સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે અને એ રોહિત શર્માના નામે છે. હવે તમે સમજી ગયા હશો કેમ તેણે આ જ નંબર-પ્લેટ પસંદ કરી!
રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર વિશ્ર્વનો એકમાત્ર બૅટર છે અને એમાં 264 રન તેનો હાઇએસ્ટ સ્કોર છે. તેણે એ 264 રન એક દાયકા પહેલાં શ્રીલંકા સામેની વન-ડેમાં બનાવ્યા હતા.
રોહિતે લંબોર્ગિની ડ્રાઇવ કરતી વખતે ટીમ ઇન્ડિયાનો પ્રૅક્ટિસ-ડ્રેસ પહેર્યો હતો.
જેમ ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને નીતનવી બાઇક ખરીદવાનો શોખ છે એમ વર્તમાન સુકાની રોહિત શર્માને કારનો કાફલો મોટો કરવાનો શોખ છે. મર્સિડીઝ-બેન્ઝ એસ-ક્લાસ તેના ગૅરેજમાં આવેલી લેટેસ્ટ કાર છે. વિશ્ર્વની શ્રેષ્ઠ લક્ઝરી કારમાં ગણાતી આ જર્મન કાર તેણે તાજેતરમાં જ ખરીદી હતી.
રોહિત છેલ્લે શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં રમ્યો હતો. એ શ્રેણીમાં તેણે બે હાફ સેન્ચુરીની મદદથી 157 રન બનાવ્યા હતા અને તેના એ 157 રન સિરીઝમાં હાઈએસ્ટ હતા. જોકે ભારત 0-2થી સિરીઝ હારી ગયું હતું. જોકે તે વન-ડેના રૅન્કિંગમાં નંબર-ટૂ થઈ ગયો છે.