સુરત

જરા બચકે ! નકલી IPS બનીને ફરતા અધિકારીની સુરતથી ધરપકડ

સુરત: તહેવાર ટાણે નકલી ખાદ્ય સામગ્રી મળી આવતી હોય છે પરંતુ આ સમયે સુરતમાંથી નકલી આઇપીએસ અધિકારી ઝડપાયો છે. નકલી આઇપીએસ બનીને ફરતો આરોપી ગુજરાત સરકારની હસ્તકની હોટલોમાં ભાગીદારી આપવાના નામે લોકો સાથે ઠગાઇ કરતો હતો અને આમાં જ તેણે બિલ્ડર અને રેસ્ટોરન્ટના માલિકના 31 લાખ પડાવ્યા હતા. કામરેજ પોલીસે આરોપી પ્રદીપ પટેલની ધરપકડ કરી લીધી છે અને કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કામરેજ પોલીસે નકલી IPS પ્રદીપ બલદેવ પટેલની ધરપકડ કરી છે. તેની સામે અત્યાર સુધીમાં બે કેસ નોંધાયા છે. પોલીસે આરોપીના 5 દિવસના પોલીસ રિમાન્ડ પર કોર્ટ પાસેથી મંજૂર કરાવ્યા છે. પ્રદીપ બલદેવ પટેલ IPS ઓફિસર હોવાનું જણાવી લોકોને છેતરતો હતો. ગાંધીનગરની પાસીંગ વળી સફેદ રંગની ઈનોવા કારમાં તે જતો હતો, જેના કારણે લોકો તેની જાળમાં ફસાઈ જતા હતા. તેની અદબ એક સાચા IPS ઓફિસરથી ઓછો નહોતો.

આ પણ વાંચો : ગાંધીધામ સાયબર ફ્રોડમાં એક મહિલા આરોપીની ધરપકડ: કોર્ટે આપ્યા રિમાન્ડ

પોલીસે જણાવ્યું હતું કે પ્રદીપે મહારાષ્ટ્રના સાંગલીમાં રહેતા સમીર નામના વેપારીને સુરતના કામરેજ વિસ્તારમાં હાઈવે પર ગુજરાત ટુરિઝમ હોટેલ બનાવવામાં આવી રહી છે, જેમાં તેને 30 ટકા હિસ્સો આપવાના બહાને છેતર્યો હતો. તેણે આ માટે રૂ.25 લાખની છેતરપિંડી કરી હતી. તે પૈસા પરત કરવામાં આનાકાની કરતો હતો. સમીરને પ્રદીપ પર શંકા જતાં તેણે સુરતની કામરેજ પોલીસનો સંપર્ક કર્યો હતો.

સુરત ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી આર. આર. સરવૈયાએ ​​જણાવ્યું હતું કે સુરતમાંથી પકડાયેલ નકલી આઈપીએસ અધિકારી ગુજરાત સરકારની હોટલોમાં ભાગીદારીના નામે છેતરપિંડી કરતો હતો. સાંગલી મહારાષ્ટ્રના રહેવાસી સમીરે સુરત ગ્રામ્ય પોલીસના કામરેજ પોલીસ સ્ટેશનમાં પ્રદીપ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

સમીરે FIRમાં જણાવ્યું છે કે પ્રદીપે તેની પાસેથી 25 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીએ બીજા ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હોય તેવી પણ આશંકા સેવાએ રહી છે. કામરેજ વિસ્તારમાં રહેતા કૌશિક ગજેરા પાસેથી પણ ગુજરાત ટુરીઝમ હોટલમાં ભાગીદારીના નામે રૂ. 20 લાખ 50 હજારની ઉચાપત કરવામાં આવી હતી. કૌશિકે પણ આ મુદ્દે ફરિયાદ નોંધાવ્યો છે. આ આરોપીની છેતરપિંડીનો ભોગ બનેલા વધુ લોકો છે, જેઓ પોલીસનો સંપર્ક કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button