સોના-ચાંદીમાં સામસામા રાહ : ચાંદીમાં ₹734નો ઉછાળો, સોનામાં ₹403ની પીછેહછ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત થવાના આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઊંચા મથાળેથી ટકેલું અને વાયદાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહના ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી કામકાજો પાંખાં હતા, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા, જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૨થી ૪૦૩નો ઘટાડો આવ્યો હતો અને ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ ભાવ કિલોદીઠ રૂ. ૭૩૪ વધી આવ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સ્વાતંત્ર્ય દિનની જાહેર રજા હોવાથી સત્તાવાર ધોરણે સ્થાનિક બજાર બંધ રહ્યા બાદ આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતાં ખાસ કરીને સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૨ ઘટીને રૂ. ૭૦,૧૦૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૦૩ ઘટીને રૂ. ૭૦,૩૯૦ના મથાળે રહ્યા હતા. જોકે, .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૩૪ના ઉછાળા સાથે રૂ. ૮૧,૬૫૫ના મથાળે રહ્યા હતા.
ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતની શક્યતા ઉજળી બની હોવા છતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં તેજી થાક ખાઈ રહી હોય તેમ હાજરમાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૪૫૭.૧૪ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા, જ્યારે વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ૨૪૯૪.૪૦ ડૉલર તથા ચાંદીના ભાવ ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૮.૧૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં સોનામાં સલામતી માટેની માગના અભાવ વચ્ચે તેજી રૂંધાઈ રહી છે તેમ છતાં વ્યાજદરમાં કપાત વાસ્તવિકતામાં પરિણમશે ત્યારે ભાવ ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની સપાટી આંબી જશે, એમ કેસીએમ ટ્રેડના વિશ્ર્લેષક ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે ૨૫૦૦ ડૉલરની સપાટીએ ભાવ પહોંચવા માટે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈ જરૂરી છે. જોકે, તાજેતરના અમેરિકાના આર્થિક ડેટાઓને ધ્યાનમાં લઈએ તો મંદીની શક્યતા દૂર થઈ હોય તેમ જણાય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૭૫ ટકા અને ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૨૫ ટકા શક્યતા જોઈ રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે વ્યાજદરમાં કપાત અથવા તો નીચા વ્યાજદરના સંજોગોમાં સામાન્યપણે રોકાણકારોની વ્યાજની ઊપજ ન આપતી સોના, ચાંદી અને પ્લેટિનમ જેવી કિંમતી ધાતુઓમાં લેવાલી નીકળતી હોય છે.