અવકાશમાં ISROની વધુ એક સફળતા, EOS-08નું સફળ પ્રક્ષેપણ, જાણો આ મિશન વિષે
બેંગલુરુ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ અંતરીક્ષમાં વધુ એક સફળતા મેળવી છે, આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી SSLV-D3 રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ રોકેટની મદદથી એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરવામાં આવ્યો છે.
SSLV-D3/EOS-08 મિશનની ત્રીજી અને અંતિમ વિકાસલક્ષી ફ્લાઈટ આજે સવારે 9:17 વાગ્યે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી. SSLV-D3-EOS-08 મિશન આ વર્ષનું ISROનું ત્રીજું મિશન છે. આ મિશન સાથે SSLV વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. સ્પેસ એજન્સીના વડા એસ સોમનાથે SSLVનો વિકાસ પૂર્ણ જાહેર કર્યો છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય પ્રધાન જિતેન્દ્ર સિંહે SSLV-D3/EOS-08 મિશનના સફળ પ્રક્ષેપણ માટે ISRO ટીમની પ્રશંસા કરી છે. X પરની એક પોસ્ટમાં જિતેન્દ્ર સિંહે લખ્યું કે “SSLV-D3/EOS-08 મિશનના સફળ પ્રક્ષેપણ માટે ISROની ટીમને અભિનંદન. PM નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા પ્રોત્સાહન સાથે, ટીમ ISRO એક પછી એક શ્રેણીબદ્ધ રીતે સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહી છે.”
જાન્યુઆરીમાં PSLV-C58/XpoSat અને ફેબ્રુઆરીમાં GSLV-F14/INSAT-3DS મિશનના સફળ પ્રક્ષેપણ પછી આજનું મિશન ISRO માટે આ વર્ષનું ત્રીજું મિશન હતું. ISROએ જણાવ્યું હતું કે SSLV-D3-EOS08 મિશન – પ્રક્ષેપણ પહેલા સાડા છ કલાકનું કાઉન્ટડાઉન IST 02.47 કલાકે શરૂ થયું હતું.
SSLV-D3/EOS-08 Mission:
— ISRO (@isro) August 15, 2024
Six-and-a-half-hour countdown leading to the launch commenced at 02:47 hrs IST pic.twitter.com/XXy7GmWvaC
SSLV રોકેટ ISROના સૌથી નાનું લોન્ચ વિહિકલ છે, જેની ઉંચાઈ લગભગ 34 મીટર છે. અગાઉ 15 ઓગસ્ટના રોજ સવારે 9.17 વાગ્યે પ્રક્ષેપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાદમાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી 16 ઓગસ્ટે સવારે 9:19 વાગ્યે શિફ્ટ કરવામાં આવ્યું આવ્યું હતું.
ISROએ જણાવ્યું હતું કે SSLV-D3-EOS-08 મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય માઇક્રોસેટેલાઇટ ડિઝાઇન અને વિકાસ કરવાનો છે.
આ અવકાશયાનનું મિશન એક વર્ષનું છે. તેનું વજન આશરે 175.5 કિગ્રા છે. તે લગભગ 420 વોટ પાવર જનરેટ કરે છે. ISROએ જણાવ્યું હતું કે SSLV-D3/IBL-358 લોન્ચ વ્હીકલ સાથે સેટેલાઇટ ઇન્ટરફેસ છે. પ્રથમ પેલોડ EOIR મિડ-વેવ IR (MIR) અને લોન્ગ-વેવ IR (LWIR) બેન્ડમાં દિવસ અને રાત બંનેમાં ઈમેજ કેપ્ચર કરવા બનાવવામાં આવેલું છે. તેનો ઉપયોગ ઉપગ્રહ-આધારિત મોનિટરિંગ, ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય દેખરેખ, ફાયર ડિટેકશન, જ્વાળામુખી ગતિવિધિ માટે થશે.
બીજું GNSS-R પેલોડ, દરિયાની સપાટીના પવનનું વિશ્લેષણ, જમીનની ભેજનું મૂલ્યાંકન, હિમાલયના પ્રદેશમાં ક્રાયોસ્ફિયર અભ્યાસ, પૂરની શોધ અને આંતરિક જળાશયની શોધ માટે રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે.