અંબાજીમાં ગબ્બર પર સતત બીજા દિવસે રીંછ દેખાયુ, ભક્તોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા
અંબાજીઃ ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે રીંછ દેખાવાની ઘટના બની છે. એક દિવસ પહેલા રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતુ જોવા મળ્યું હતું, ત્યારે ગત રાત્રે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતુ જોવા મળ્યું છે.
પરિક્રમા માર્ગ પોલપચા ખાતે સતત બીજા દિવસે રીંછ દેખાયું:
ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંછ સતત બીજા દિવસે જોવા મળ્યું છે. જેનો વીડિયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે. ગઈકાલે 10 નંબરના મંદિર પાસે પરિક્રમા માર્ગ પર રીંછ જોવા મળ્યું હતું, ત્યારે આજે સતત બીજા દિવસે મંદિર નંબર 17 પાસે રીંછ જોવા મળ્યુ છે.
પરિક્રમા કરતા માં ના ભક્તોની સુરક્ષા સામે સવાલ:
ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે સતત છેલ્લા બે દિવસથી રીંછ જોવા મળતા હવે પરિક્રમા કરવા માટે આવી રહેલા માઈ ભક્તોની સુરક્ષા સામે સવાલો ઉભા ઉઠ્યા છે. આજે પોલપચા ખાતે મંદિર નંબર 17 ખાતે રીંછ જોવા મળ્યુ હતુ. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રીંછ વસવાટ કરે છે.