દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે મળેલા માદક પદાર્થની તપાસમાં લેવાશે કચ્છ પોલીસની મદદ
ભુજ: કચ્છ-સૌરાષ્ટ્રના વિવિધ કાંઠાઓ અને ટાપુઓ પરથી મળી રહેલા માદક પદાર્થો મળવાનો સિલસિલો હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચ્યો છે અને ત્યાંના વિવિધ કાંઠાઓ પર બિનવારસી હાલતમાં ડ્રગ્સના પડીકાં મળી રહ્યા છે. બે દિવસ અગાઉ વલસાડના ઉદવાડામાંથી ચરસના ૪૧ અને સુરતના દરિયાકિનારેથી ૩ પેકેટ મળી આવ્યા હતા, જ્યારે આજે નવસારીના દરિયાકાંઠેથી આ જથ્થો મળી આવ્યો હતો.
સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને વલસાડ પોલીસને મળેલાં નધણિયાતાં પેકેટ પર અંગ્રેજી અને ઉર્દુમાં લખાણ જોવા મળતાં આ ડ્રગ્સ કચ્છના કાંઠે મળતાં રહેતાં અફઘાની ચરસ હોવાનું બહાર આવ્યું છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળી આવવાના આ પ્રથમ બનાવ છે. ભૂતકાળમાં કચ્છ અને દ્વારકાના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં અનેક વખત ડ્રગ્સ મળી આવ્યા છે જેથી તપાસ કામગીરીમાં વલસાડ પોલીસે કચ્છ પોલીસની મદદ લીધી છે.
આ પણ વાંચો : કચ્છમાં નહીં, હવે ગુજરાતના આ સમુદ્રી શહેરમાં મળ્યા બિનવારસુ ડ્રગ્સ પેકેટ્સ
દરમ્યાન, ગુજરાતની પાકિસ્તાનને અડકીને આવેલી જળસીમામાંથી વીતેલા બેથી ત્રણ વર્ષમાં બ્રાન્ડેડ કોફીના પેકેટમાં ચરસના ચોસલા બિનવારસુ હાલતમાં શા માટે અને ક્યાંથી તણાઈને અહીં આવી રહ્યા છે તે અંગે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લા છ વર્ષમાં કચ્છના ક્રીક વિસ્તારમાંથી સરેરાશ દર અઠવાડિયે એક પેકેટ પકડાયું છે. અગાઉ પાકિસ્તાનીઓ આવા પેકેટ સાદા પ્લાસ્ટિકના પેકેટમાં મોકલતા હતા, પણ હવે પ્રીમિયમ કોફીના પેકેટમાં ચરસના ચોસલા મૂકીને દરિયામાં લાવી રહ્યા છે . ગુજરાતમાં ચરસની ખપત કમનશીબે વધી છે અને મુખ્યત્વે આ ચરસ શુદ્ધ હોય છે, જે મુંબઈ, દિલ્હી, કોલકાતા અને બેંગ્લોર જેવા મોટાં અને આધુનિક શહેરોમાં મોકલાય છે.
પ્રીમિયમ બ્રાન્ડની કોફીના પેકેટમાં ચરસ મળે છે, એ બ્રાન્ડની એક કપ કોફી મોટા શહેરોના કોફી હાઉસમાં ૭૫૦થી ૮૦૦ રૂપિયામાં મળે છે, આ કોફીની બ્રાન્ડ ભારતીય નથી, વિદેશની છે અને એના પેકીંગની કોપી કરી છે, યુવાનોમાં આ કોફીનો ક્રેઝ પણ વધુ છે, ત્યારે આવી પ્રીમિયમ બ્રાન્ડની કોફીના સીલબંધ પેકેટમાં ચરસના ચોસલા રાખવામાં આવ્યા હોય તો તપાસ દરમ્યાન પ્રીમિયમ કોફીની બ્રાન્ડ જોઈને એને ખોલે નહિ. કારણકે આ કોફીનું પેકેટ ૧૦૦૦૦ રૂપિયાનું હોય છે, આ સંજોગોમાં આવી બ્રાન્ડેડ કંપનીના પેકેટમાં ચરસના ચોસલા મૂકી હેરાફેરી કરવી સરળ બને છે. રાજધાની દિલ્હીમાં અને મુંબઈ અને બેંગ્લોરમાં માદક પદાર્થોની ખપત વધુ છે એટલે ડ્રગ્સ પેડલરોએ ગુજરાતના સમુદ્ર કાંઠાને ઉપયોગ વધાર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.