કોલકાતા બાદ હવે ઉત્તરાખંડમાં પણ નર્સની સાથે રેપ એન્ડ મર્ડર : આરોપીની રાજસ્થાનથી ધરપકડ
નૈનીતાલ: કોલકાતામાં 31 વર્ષીય પીજી ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને દેશભરમાં આક્રોશ છે. ત્યારે આ જ દરમિયાન ઉત્તરાખંડમાં પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહી 33 વર્ષની નર્સ સાથે કથિત રીતે બળાત્કાર કર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. 30 જુલાઈથી ગુમ થયેલ નર્સની પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમા આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉતરાખંડના નૈનીતાલના હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહેલી 33 વર્ષની નર્સ સાથે કથિત રીતે બળાત્કાર કર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પીડિત નર્સ નૈનીતાલની એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હતી. પીડિતા તેની 11 વર્ષની પુત્રી સાથે ઉધમ સિંહ નગર જિલ્લાના રૂદ્રપુરની બિલાસપુર કોલોનીમાં રહેતી હતી અને 30 જુલાઈના રોજ હોસ્પિટલમાંથી પરત ફરતી વખતે ગુમ થઈ ગઈ હતી. ગુમ થયેલી મહિલાનો મૃતદેહ 8મી ઓગસ્ટના રોજ યુપીના બિલાસપુર જિલ્લામાં હાડપિંજર હાલતમાં ઝાડીઓમાં પડેલો મળી આવ્યો હતો.
મૃતદેહ મળી આવ્યા બાદ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બળાત્કાર બાદ મહિલાનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ આદરી હતી. પોલીસે જણાવ્યું કે તપાસ દરમિયાન મહિલાનો ફોન રાજસ્થાનમાં હોવાની વિગતો મળી આવી હતી. આ ઘટના ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં બની હતી જ્યારે મહિલા નર્સ હોસ્પિટલમાંથી કામ પૂરું કરીને પોતાના ઘરે પરત ફરી રહી હતી. તમામ પ્રકારના ટેકનિકલ અને સીસીટીવી પુરાવાના આધારે જાણવા મળ્યું કે ધર્મેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ મહિલાનો પીછો કરી રહ્યો હતો. તેના આધારે પોલીસે રાજસ્થાનથી મજૂરી કામ કરતાં આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું કે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. ઘટનાની રાત્રે મહિલાએ પહેરેલા કપડાં પણ પોલીસે કબજે કર્યા છે. મોબાઈલ ફોન અને સિમ મળ્યા બાદ હત્યા પાછળનું કારણ જાણવાનું પોલીસને માટે ઘણું સરળ બની ગયું હતું.