મેટિની

ફી તેરી તૌબા તૌબા

સ્ટાર્સ પોતાની ફી ઘટાડે એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કેટલું જરૂરી છે? હિન્દી ફિલ્મ્સના મેકિંગ ખર્ચમાં મહત્વનો ફેરફાર

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કહાણી અને કમાણી બંને દૃષ્ટિએ સંઘર્ષ કરી રહી છે એ વાત હવે છૂપી નથી. દર્શકોને રિજનલ ફિલ્મ્સ, પાન ઇન્ડિયા ફિલ્મ્સ, હોલીવૂડ ફિલ્મ્સ અને ઓટીટી કોન્ટેન્ટમાં સારું મનોરંજન મળી રહે છે અને થિયેટર સુધી એમને જવાની હવે ઈચ્છા રહી નથી એ ફિલ્મ્સના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડાઓ સાફ દર્શાવે છે.

‘બડે મિયાં છોટે મિયાં’, ‘ઔરોં મેં કહાં દમ થા’ કે ‘સરફિરા’ જેવી મોટા સ્ટાર્સની મોટા બજેટવાળી ફિલ્મ્સમાં દર્શકો જરા પણ રસ ન લે એ આ મુદ્દાનું જ ઉદાહરણ છે અને આવા ઉદાહરણો અત્યારે ભારતીય સિનેમામાં વધી રહ્યા છે એ ચિંતાજનક સંકેત છે.

બોલીવૂડ કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ સ્થિતિ પર પહોંચી છે તેની પાછળ દર્શકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની માનસિકતાની સાથોસાથ વાર્તાને આર્ટ નહીં કોમર્સની
દૃષ્ટિએ જોઈને ફિલ્મને ફક્ત પ્રોજેક્ટ માનીને ચાલવાનો દૃષ્ટિકોણ ઉપરાંત બદલાતા પ્રવાહ સાથે ચાલી શકવા અક્ષમ મેકર્સ અને મલ્ટિપ્લેક્સ પર વધુ આધાર, ઈત્યાદિ જેવાં અનેક કારણ છે. એ સાથે સ્ટાર્સની ફી પણ એક મહત્ત્વનો મુદ્દો છે. તેનો આ સ્થિતિમાં કેવો અને કેટલો ફાળો છે અને એ માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે એ જાણવું અત્યંત રસપ્રદ છે.

એક રિપોર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ હવે એમની ફી ઓછી કરવા તૈયાર થયા છે. અમુક એ- લીસ્ટર્સ નવી ફિલ્મ્સ માટે અગાઉ જેટલી જ રકમનો આગ્રહ છોડી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા ઓછામાં ઓછી ૩૦% ફીનો ઘટાડો કરવા એ લોકો માન્યા છે એવા રિપોર્ટ છે, પણ આ ફી ઘટાડાની જરૂર શા માટે પડી? અને તેનાથી શું ફરક પડશે?

જરૂર તો એ માટે કે સ્ટાર્સ અને એમના સ્ટાફ પાછળ થતો ખર્ચ ફિલ્મના રોકાણનો એક મોટો હિસ્સો લઈ લે છે. ફિલ્મનું રોકાણ પ્રોડક્શન કરતાં સ્ટાર્સ પાછળ જાય એ અંતે ફિલ્મને મેકિંગની દૃષ્ટિએ કામ નથી આવતા અને અત્યારે જયારે ફિલ્મ્સ નથી ચાલી રહી ત્યારે જો એમાં ઘટાડો થાય તો ફિલ્મની મેકિંગ કોસ્ટ ઘટે અને અંતે નફો મેળવીને સફળતાની સંભાવના વધી શકે છે.

ફિલ્મ ક્રિટીક અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે હમણાં જ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે ‘સ્ટાર્સની ફી અને મૂવીના બજેટમાં મોટો ફેરફાર ઇન્ડસ્ટ્રીમાં શરૂ થઈ ચૂક્યો છે. અમુક સ્ટાર્સ પ્રોડક્શન સ્ટુડિયોઝના કહેવા પહેલાં જ પોતાની જાતે આ સુધારો કરી રહ્યા છે એ સરાહનીય છે. એ ઉપરાંત સ્ટુડિયોઝ પણ બની રહેલી અને બનવા જઈ
રહેલી ફિલ્મ્સના બજેટમાં જરૂરી બદલાવ કરી રહ્યા છે. ડિરેક્ટરની ફી, લોકેશન અને સ્ટાર્સના ખર્ચમાં ફેરફાર થઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં યોગ્ય દિશામાં પગલાંઓ લેવાઈ રહ્યા છે.’

વાયકોમ ૧૮ મોશન પિક્ચર્સના ભૂતપૂર્વ સીઓઓ અજિત અંધારેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘પહેલા દિવસે કોઈ પણ ફિલ્મને જે કલેક્શન મળે છે એ હકીકતે સ્ટાર્સની ફેસ વેલ્યૂ પર આધારિત હોય છે. તેમનાથી ફિલ્મને ઓપનિંગ મળે છે એમાં ના નહીં. પણ એ રીતે જોતા સ્ટાર્સની ફી એ ઓપનિંગ ડે કલેક્શન જેટલી જ હોવી જોઈએ, એથી વધુ નહીં અત્યારે તકલીફ એ છે કે સ્ટાર્સ એમની ફી ઓપનિંગ ડે કલેક્શનની ધારણાથી ક્યાંય વધુ માંગે છે. અમુક તો તેનાથી બમણી જ માંગે છે. આખરે નિર્માતાને સ્ટાર્સની ફી પાછી મેળળવી જ અઘરી પડી જાય છે.’

કોરોના મહામારી પછી દર્શકોને થિયેટર તરફ પાછા લાવવા માટે નિર્માતાઓએ ચોક્કસ જ સ્ટાર્સ પર આધાર રાખ્યો હતો, જેનો ફાયદો ઊઠાવીને સ્ટાર્સે પણ એમની ફીમાં વધારો કર્યો હતો. કરણ જોહરે કહ્યું હતું કે અમુક તો નવા એક્ટર્સ કે સ્ટાર્સે એમની ફીમાં ૧૦૦ ટકાનો વધારો કરી દીધો હતો અને અત્યારે તો જયારે ફિલ્મ્સની સફળતામાં ખૂબ મોટો ઘટાડો
થયો છે ત્યારે એ જ વધારેલી ફીમાં ઘટાડો કરવાની તાતી જરૂર છે. અને સ્ટાર્સ પછી ડિરેક્ટર્સની ફીમાં પણ ઘટાડો જરૂરી છે કે જેથી મેકિંગ અને પ્રોફિટમાં બેલેન્સ જળવાઈ
રહે. સફળતા અને નિષ્ફ્ળતાનું પણ બેલેન્સ જળવાઈ રહે.

ઉપરોકત રિપોર્ટ મુજબ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી ૨૦૧૫ આસપાસના સમયગાળાની સિસ્ટમ અપનાવવા પ્રેરાઈ છે. એ સમયમાં સરેરાશ ૩૦-૩૫ કરોડમાં ફિલ્મ્સ બનતી. અને ફિલ્મને દર્શકો તરફથી મધ્યમ આવકાર મળે તો પણ સારું કે નફાકારક કલેક્શન મેળવવાની શક્યતા રહેતી. અત્યારે નિર્માતાઓ એ જ મોડલને અપનાવવા માટે એક્ટર્સ અને સ્ટાર્સને કહી રહ્યા છે, જેથી ઇન્ડસ્ટ્રીને વધુ ડૂબતી બચાવી શકાય.
આખરે ફિલ્મ્સની સફળતાની યાદી લાંબી
હશે તો જ સ્ટાર્સને કામ અને જોઈતી ફી મળવાની ને! એટલે જ અત્યારે તો જેમણે નજીકના ભૂતકાળમાં સફળ ફિલ્મ્સ નથી
આપી એ સ્ટાર્સ એમનો ચાર્જ ઓછો કરવા દબાણમાં છે.

ફિલ્મનો ખર્ચ ઓછો કરવા માટે સ્ટાર્સની ફીને મહત્ત્વનો મુદ્દો બનાવવાનું કારણ એ પણ છે કે પહેલાંની સરખામણીએ હવે સ્ટાર્સ સાથે એમની ટીમનો મોટો કાફલો જોડાયેલો હોય છે અને એમની સરભરામાં પણ ફિલ્મને ફાયદા કરતાં નિર્માતાને નુકસાન વધુ જાય છે. ફરાહ ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે આ એકદમ જ વધારાનો અને બેમતલબનો ખર્ચ છે, જેને નિયંત્રણમાં લાવવો જ જોઈએ. કેમ કે એ ખર્ચ ફિલ્મમાં સ્ક્રિન પર ક્યાંય જ જોવા મળતો નથી.’

સ્ટાર્સ કે એક્ટર્સ સાથે અત્યારે સ્પોટ બોય, પર્સનલ સિક્યુરિટી પર્સન, સ્ટાયલિસ્ટ, હેર એન્ડ મેકઅપ ટીમ, શેફ, જીમ ટ્રેનર, મેનેજર, આસિસ્ટન્ટ, વગેરેનો મોટો રસાલો હોય છે. આ બધાનો રહેવા-જમવાનો અને અન્ય ખર્ચ નિર્માતાને જ ચૂકવવાનો રહે છે, નહીં કે એક્ટરે. માન્યામાં ન આવે, પણ
આ ટીમના ખર્ચ, વેનિટી વેન અને
સ્ટારની ફીને એક દિવસમાં મૂલવીએ તો નિર્માતાને એક દિવસ જ ૨૦ થી ૨૫ લાખનો પડે છે.

ગ્લેમર વર્લ્ડ ખરું, પણ જો ફિલ્મમેકિંગને જ ગ્લેમરમાં પલટાવીને ખર્ચ વધતો રહેશે તો એ ખર્ચ દર્શકો પાસેથી કાઢવો વધુ ને વધુ મુશ્કેલ બનતો રહેશે. આ વાત સ્ટાર્સે સમજવી જરૂરી છે. અને સારા સંકેત એ છે કે એ હવે સમજી રહ્યા છે, કેમ કે એમને પૈસા ચૂકવનાર નિર્માતાઓને સમજાઈ ગયું છે કે દર્શકો પાસે મનોરંજન માટે અત્યારે ઘણું છે અને એમને થિયેટર સુધી લાવવાનું કામ પહેલાં જેટલું
સરળ નથી રહ્યું. પણ જો સ્ટાર ફી અને
અન્ય ખર્ચમાં સુધારા થશે તો જ ઇન્ડસ્ટ્રી માટે અને નિર્માતાઓ માટે કામનું છે, કારણ કે આખરે તો નિર્માતા, સ્ટાર્સ, દર્શકો સૌ
માટે સારી અને સફળ ફિલ્મ્સ બનતી રહે એ જરૂરી છે!

લાસ્ટ શોટ
એ – લીસ્ટર્સ એમની ફી ઉપરાંત પ્રોફિટ શેરીંગમાં પણ હિસ્સો માગતા હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button