મેટિની

કૃષ્ણા શાહ: ગુણિયલ ગ્લોબલ ગુજરાતી !

ડ્રેસ-સર્કલ -સંજય છેલ

જુહુના દરિયા કિનારે, સી ફેસિંગ ફ્લેટમાં ૭૫ વર્ષનો એક માણસ ઇંદિરા ગાંધીનાં જીવન પર ફિલ્મ બનાવવા માટે દિવસ-રાત સ્ક્રીપ્ટ લખે છે. મિત્રોને સંભળાવે છે. એ સેમ્પલ શૂટિંગ કરીને ઇંદિરા પર બનનારી ફિલ્મની શો-રીલ તૈયાર કરે છે.

બોલીવૂડના સ્ટાર્સનો વર્ષો સુધી પીછો કરે છે, પત્રો લખે છે, એસ.એમ.એસ. કરે છે, શો-રીલ બનાવે છે… પણ એ સ્વપ્ન ૧૩ ઓક્ટોબર- ર૦૧૩ના રોજ સાકાર થયા વિનાં અમેરિકાની એક હોસ્પિટલમાં ખતમ થઈ જાય છે. હંમેશાને માટે!

કૃષ્ણા શાહ નામનો એક ગુજરાતી લેખક-દિગ્દર્શક લાંબી બીમારી બાદ લોસ એંજલિસમાં સવારે ત્રણ વાગે ગુજરી જાય છે અને પાછળ મૂકતો જાય છે, અનેક સ્ક્રિપ્ટસ, અનેક ફિલ્મોનાં પ્લાન્સ, અનેક સપનાંઓ…

તમને થશે કે કોણ છે આ કૃષ્ણા શાહ?

સામાન્ય રીતે આ લેખ શ્રેણિમાં મોટાં સ્ટાર કે જાણીતી હસ્તીઓ વિશે જ મેં લખ્યું છે… પણ પછી થયું કે ગુજરાતી વાચકોને જો હું માત્ર ઝગમગતાં સ્ટાર દેખાડયાં કરું અને આપણાં ઘરદીવડાં નહીં દેખાડું તો આવી તક ફરી ક્યારે મળશે? તો ચાલો, આજે મળાવું એક આંતરરાષ્ટ્રિય ગુજરાતી ફિલ્મ મેકર કૃષ્ણા શાહ સાથે…

કૃષ્ણા શાહ એટલે મુંબઇની આંતર કોલેજ નાટ્ય સ્પર્ધામાંથી બહાર આવેલ અભિનેતા-નિર્દેશક. કાંતિ મડિયા, પ્રવીણ જોશી, સંજીવ કુમાર જેવા કલાકારોના સમકાલીન. છેક ૧૯૬૩માં મુંબઈથી અમેરિકા જઈને કૃષ્ણા શાહે બ્રોડવેમાં નાટકો કરીને અને હોલિવૂડમાં ફિલ્મો બનાવી નામ કાઢ્યું. ૧૯૫૮માં એમણે મુંબઇની પ્રતિષ્ઠીત નાટ્ય સંસ્થાં આઈ.એન.ટી. માટે એમણે એક નાટક નિર્દેશિત કરેલું ‘કદમ મિલા કે ચલો’.
એ નાટક એ સમયે બોક્સઓફિસ પર સફળ થયું… આ સુપરહિટ ગુજરાતી નાટક પછી એણે તરત જ વિદેશમાં જઈ વધુ અભ્યાસ કર્યો- અમેરિકાના બ્રોડવે થિયેટરમાં સોપ્રાનો’ જેવું યશસ્વી નાટક અંગ્રેજીમાં એ સમયે લખ્યું અને ડિરેક્ટ કર્યું. એમનું ‘બ્લડ નોટ’ જેવું એમનું નાટક છ મહિના સતત ચાલ્યું. રવીન્દ્રનાથ ટાગોરનાં નાટકને અંગ્રેજીમાં ભજવ્યું અને નાટકો માટેનો મશહૂર ‘ઓબી એવોર્ડ’ મળ્યો. આ બધું ગુજરાતી કલાકારે છેક ૬૩-૬૪માં કર્યું જ્યારે બ્રોડવે કે હોલિવૂડમાં એક પણ ભારતીયનું જરા અમથું પણ સ્થાન નહોતું! ઈ-મેલ, ઇન્ટરનેટ, ફેક્સ, મોબાઈલ વગેરે જ્યારે અસ્તિત્વમાં નહોતાં ત્યારે હોલિવૂડમાં પગપેસારો કરવો કેટલું અઘરું કામ હશે એની કલ્પના પણ નથી કરી શકાતી. કૃષ્ણા શાહની ભાષા પરની અદ્ભૂત પકડ, અંગ્રેજી સાહિત્ય-નાટકની સમજ અને સતત મહેનત કરતા રહેવાના જુસ્સાને લીધે એ ગ્લોબલ ગુજરાતી કે ભારતીય બન્યા , પણ આજે કૃષ્ણા શાહને ભારતમાં લોકો માત્ર ‘શાલીમાર’ નામની ફિલ્મને લીધે જ લોકો ઓળખે છે એ દુ:ખની વાત છે. ધર્મેન્દ્ર, ઝીનત અને હોલિવૂડ સ્ટાર રેકસ હેરિસનને ચમકાવતી સ્ટાઈલાઈઝડ ફિલ્મ ‘શાલીમાર’ બહુ સફળ નહોતી, કારણ કે એ ફિલ્મ સમયથી ખૂબ ખૂબ આગળ હતી. એમાં હોલિવૂડ કેમેરામેને સૂટ કરેલ સ્ટંટનાં દૃશ્યો, સ્લીક એડિટિંગ વગેરે એવું તો અદ્ભૂત રીતે મોર્ડન હતું કે હોલિવૂડના પિક્સરોની યાદ અપાવે અને હા , એ જ ‘શાલીમાર’ ફિલ્મમાં હીરાની ચોરીનું એક દૃશ્ય , જેમાં ચેસબોર્ડ જેવી કાળી-ધોળી ટાઇલ્સવાળા ઓરડામાં ,અદ્દલ એવા જ ચેક્સવાળાં કપડા અને મેકઅપમાં ચોર અંદર ઘૂસીને ચોરી કરે છે જેથી કેમેરામાં પકડાઇ ના શકે એટલું દૃશ્ય એટલું સુંદર હતું કે હમણાંની ‘ધૂમ’ ફિલ્મમાં પણ એની બેઠ્ઠી કોપી કરવામાં આવેલી .

કૃષ્ણા શાહ અદ્ભુત વક્તા હતાં, ફાંકડું ગુજરાતી અને અંગ્રજી બોલતાં … ફિલ્મ લેખન વિશે માસ્ટર અને માસ્તર બેઉ હતાં..અને એથી વધારે અગત્યની વાત એ હતી કે તે ખૂબ ઝિંદાદિલ આદમી હતાં. એમના જુહુનાં ફ્લેટમાં મિત્રોને બોલાવીને અવારનાવાર ‘બિરયાની અને બિયરની પાર્ટી ’ આપતાં – પોતાની આગામી ફિલ્મોનાં પ્લાન વિશે ચર્ચા કરતા અને નવા નવા પ્રોજેક્ટ ઊભા કરવાના મનસૂબા ઘડતાં જ રહેતાં. અફસોસ કે હોલિવૂડથી આવેલા સોફિસ્ટિકેટેડ કૃષ્ણા શાહ ‘બોલિવૂડ’ની દલદલમાં અટવાઈ ગયા. ફિલ્મો બનાવી ના શક્યા. એ ડ્રીમર હતા. એમની સ્ક્રિપ્ટ સેલ્યુલોઈડ પર પહોંચે એના સપનાં જોતા, પણ સપનાં સપનાં જ રહી ગયાં.

મારી સાથે એક ફિલ્મ બનાવવાનો પ્લાન કરેલો, મને સાઇનિંગ અમાઉન્ટની રકમ પણ આપેલી . એમનો એક વિદેશી ફાઇનાન્સર હતો, જે વૈશ્વિક મંદીને કારણે પાણીમાં બેસી ગયેલો. મેં એમને પૈસા પાછાં આપવાની વાત કરી ત્યારે એમણે કહેલું હું જન્મે જ વાણિયો છું… ચિંતા ના કર આવી દરિયાદિલી બહુ ઓછા ગુજરાતી નિર્માતાઓમાં મેં જોઇ છે!

જોકે, આપણાં ગુજરાતીઓ માટે ગર્વની વાત એ છે કે ૧૯૭૨માં કૃષ્ણા શાહે એક અફલાતૂન અંગ્રેજી ફિલ્મ બનાવેલી: ‘રાઈવલ્સ’ એટલે કે પ્રતિસ્પર્ધીઓ. ફિલ્મમાં એક કમાલનો સાઈકોલોજીકલ ડ્રામા હતો. કૃષ્ણાએ લખેલી અને ડિરેક્ટ કરેલી આ ફિલ્મને પુષ્કળ એવોર્ડ્ઝ મળેલા. એક નાનું બાળક ડિવોર્સી મા સાથે ખૂબ ઈમોશનલી નજીક છે. મા જુવાન છે એટલે એની લાઈફમાં એક પ્રેમી આવે છે. બાળક માટે એ પ્રેમી એનો દુશ્મન, એનો પ્રતિસ્પર્ધી છે. અને પછી એ બાળક માનાં પ્રેમીની હત્યા કરવાનાં પ્લાન ઘડે છે. ‘રાઈવલ્સ’ ઉપરાંત ‘રિવર નિગર્સ’ પણ ખૂબ એવોર્ડ્ઝ જીતેલી ફિલ્મ હતી. છેક ૧૯૮૫માં ‘હાર્ડ રોક ઝોંબી’
નામની હોરર કોમેડી બનાવેલી, જે આજેય કલ્ટ ફિલ્મ છે. અફસોસ કે આપણા ગુજરાતી મીડિયાએ કદી આવા આપણા પોતાના હીરોને પૂરતું સન્માન ના આપ્યું. હોલિવૂડમાં શેખર કપૂર, મીરા નાયર કે અશોક અમૃતરાજ હજી પહોંચ્યાં, પણ જ્યારે આ બધાય ત્યાં નહોતાં ત્યારે કૃષ્ણા શાહે ત્યાં ઝંડા ખોંસેલા. ઓસ્કાર એવોર્ડની એકેડેમીમાં સ્થાન પામનાર પ્રથમ ગુજરાતી- ભારતીય હતા!

‘માસ્ક’ જેવી ફિલ્મનો સુપરસ્ટાર જીમ કેરી પણ કૃષ્ણા શાહની કંપનીથી પહેલી વાર લોંચ થયેલો-એ વાત ભારતીય મીડિયાને પણ ખબર નથી. હંમણાં છેલ્લે છેલ્લે નાગેશ કુકનુરની પહેલી ફિલ્મ ‘હૈદ્રાબાદ બ્લ્યુઝ’ એમણે રિલીઝ કરાવેલી.

કૃષ્ણા શાહ સાથે અંગત દોસ્તી હતી. કૃષ્ણા શાહ, ખૂબ અભ્યાસુ ઉત્સાહી માણસ અને સાંજોની સાંજો સિનેમા પર બોલી શકે. ગુજરાતી
રંગભૂમિના મહારથીઓ કાંતિ મડિયા અને પ્રવીણ જોષીના એ સમકાલિન હતા એટલે ગુજરાતી રંગભૂમિની વાતો પણ કરે, હોલીવૂડની વાતો પણ કરે અને ‘મુવી મુઘલ’ નામની કંપની ચલાવે.

દેશ-વિદેશની એમની ફિલ્મો માટે નિર્માતાઓ લઈ આવે… ખૂબ ખૂબ ફિલ્મો કરવાની એમની ઈચ્છા હતી. લોસ એન્જલિસ અને મુંબઈ વચ્ચે સતત આવ-જા કરતાં કરતાં એમનાં છેલ્લાં ૧૦ વર્ષ મુંબઇમાં ફિલ્મ બનાવવાનાં સંઘર્ષમાં વેડફાઈ ગયાં એ વાત દર્દ અપાવે છે. માણસ તો એક દિવસ મરવાનો જ છે, પણ કૃષ્ણા શાહ જ્યારે જીવતા હતા ત્યારે એમની સાથે એમનાં અધૂરા સપનાંઓને મેં નજીકથી જોયાં છે. એમની છટપટાહટ, કશુંક કરવાની તાલાવેલીને દર વખતે ભાંગતી જોઈ છે અને ફરીથી એ ભાંગેલી ઇચ્છાશક્તિનાં ભુક્કામાંથી એમને ફરી ફરી ઊભા થતાં પણ જોયા છે.

કૃષ્ણા શાહની ‘બૈજુ બાવરા’ નામની એમની ઐૈતિહાસિક ફિલ્મની સ્ક્રિપ્ટ હોલીવૂડની કોઈ કંપનીએ ખૂબ મોટી રકમ આપીને ખરીદેલી. એ માટે ફરી એક વાર એમણે પાર્ટી કરી. સપનાઓ ઉજવ્યાં. એ પાર્ટીમાં લગભગ મારી જ ઉમ્મરનો એક છોકરો એક ખૂણામાં શાંત બેઠો હતો. મેં થોડી પૂછપરછ કરી તો ખબર પડી કે એ કૃષ્ણા શાહનો ૪૫ વર્ષનો દીકરો હતો. એની આંખોમાં એક છટપટાહટ હતી.. કોઈકે મને કહ્યું ડિપ્રેશનનો શિકાર છે. કૃષ્ણા શાહની યહૂદી પત્ની અમેરિકામાં હતી. કૃષ્ણા શાહ અહીં ફિલ્મો બનાવવા ૭૫ વર્ષની ઉંમરે પ્રયત્નોમાં દિનરાત ઝઝૂમતાં હતા ! અને નવાઈની વાત તો એ લાગે કે સતત નિરાશા વચ્ચે ઝઝૂમીને પણ કૃષ્ણા શાહ ‘મોટીવેશનલ ગુરૂ’ બનીને અનેક સેમિનારોમાં સ્પીચ આપતાં, નવા લોકોને માર્ગદર્શન આપતા, ધગશ પેદા કરી દેનારાં ઊર્જાપૂર્ણ ભાષણો આપતાં … અને એમનો પોતાનો જ દીકરો ગંભીર હતાશાનો શિકાર હતો…

એ ઘણીવાર મને કહેતાં કે સલમાન જેવા સ્ટારને કહે કે મારી સાથે ફિલ્મ કરે! કૃષ્ણા શાહ, બહુ પોલિશ્ડ, ક્લાસી જેંટલમેન હતાં . એપોઇંટમેંટ લેવી પત્રો કે મેઇલ પર સ્ક્રિપ્ટસ્ મોકલવી એ બધી એમની હોલિવૂડની સ્ટાઇલ હતી. આપણાં મગરૂર ફિલ્મ સ્ટારના મેકરૂમ બહાર લાઇન લગાડીને બેસવું એમના સ્વભાવમાં નહોતું… આ બધામાં કૃષ્ણા શાહે લખેલી અનેક સ્ક્રીપ્ટો આમ ને આમ પડી રહી. ક્યારેય પડદાં સુધી તો ઠીક, પણ સ્ટુડિયો કે કેમેરા સુધી પહોંચી નહિં!

કૃષ્ણાજી ખૂબ રસિક માણસ હતા. શયદા અને સૈફ પાલનપુરીની શૈલીમાં ગઝલો-નઝમો લખતા, મુશાયરાનો શોખ હતો. શુદ્ધ ગુજરાતી બોલતા અને ફાંકડુ અંગ્રેજી બોલતા-લખતાં… કૃષ્ણા શાહ, ગુજરાતી રંગભૂમિથી નીકળીને બ્રોડવે-હોલિવૂડ સુધી પહોંચેલા એક સાચા ગ્લોબલ ગુજરાતી હતા. કૃષ્ણા શાહે ‘શાલીમાર’ પછી ‘સિનેમા સિનેમા’ જેવી એક્સપેરિમેન્ટલ ફિલ્મ પણ કરેલી. ‘રામાયણ’ પર એનિમેશન ફિલ્મ બનાવેલી… કૃષ્ણાએ હજી ઘણું કરવાનું બાકી હતું, પણ એ બધું એમની સાથે જતું રહ્યું..

ગુજરાતીઓ મોટે ભાગે સાધુ- સંત કે નેતા- અભિનેતા કે પૈસાપાત્ર ઉદ્યોગપતિઓને જ માન આપે છે એ કૃષ્ણા શાહના કેસમાં તો ફરી એક વાર સાબિત થયું .. કૃષ્ણા શાહને ગુજરાતી મીડિયા- અખબારવાળાં જોઇતી
અંજલિ પણ ના આપી શક્યાં ! એક ગ્લોબલ ગુણિયલ ગુજરાતી હંમેશ માટે ભૂલાઇ ગયો ! માટે જ આજે એમની ફિલ્મ ‘શાલીમાર’નું કિશોર કુમાર ના અવાજમાં , આ.ડી બર્મનની તર્જમાં ગવાયેલું એક સુપરહિટ ગીત યાદ આવે છે:

‘હમ બેવફા હરગીઝ ના થે, પર હમ વફા કર ના સકે!’
કૃષ્ણા શાહ, ઈન્ડિયન્સ પણ સાવ બેવફા નથી પણ હા, આપણો ગુજરાતી સમાજ તમને યોગ્ય સમયે યોગ્ય માત્રામાં આદર આપી ન શક્યો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button