યુરો ચૅમ્પિયનશિપના સ્ટાર ટીનેજ ફૂટબોલરના પિતા પર હુમલો
બાર્સેલોના: તાજેતરમાં રમાયેલી યુરો-2024 નામની ફૂટબૉલ ચૅમ્પિયનશિપના સૌથી યુવાન ખેલાડી અને સર્વશ્રેષ્ઠ યુવા ફૂટબોલરનો અવૉર્ડ જીતનાર 17 વર્ષના સ્પૅનિશ ખેલાડી લેમિન યમાલના પિતા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ‘મૉનિર નાસરોઇ આ હુમલા પછી ગંભીર હાલતમાં હતા. બે-ત્રણ જણને આ બનાવને પગલે અટકમાં લેવામાં આવ્યા છે.’
સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું હતું કે ‘મૉનિર તેમના ડૉગીને લઈને એક રોડની ફૂટપાથ પર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર કેટલાક શખસોના જૂથે તેમની સાથે દલીલો કરી હતી અને પછી તેમના પર હુમલો કર્યો હતો.’
યમાલ બાર્સેલોના પ્રોફેશનલ ફૂટબૉલમાં તેમ જ સ્પેન વતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમનારો સૌથી યુવાન ફૂટબોલર છે. તે લા લિગામાં તેમ જ સ્પૅનિશ કપમાં તેમ જ સ્પેનમાં ગોલ કરનારો યંગેસ્ટ ખેલાડી પણ બન્યો હતો.
યમાલના પિતા પર હુમલો થયો હોવાની ઘટનાના સમાચાર વાઇરલ થઈ ગયા હતા અને યમાલને સાથી ખેલાડીઓ તેમ જ મિત્રો તરફથી નૈતિક ટેકો આપવાની તૈયારી બતાવાઈ હતી.