ઉજ્જૈન બળાત્કાર કાંડ: આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો કર્યો પ્રયાસ…
ઉજ્જૈન: ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી સાથે આચરવામાં આવેલી ક્રૂરતાનો કેસમાં એક મહત્વની માહિતી સામે આવી રહી છે. મળી રહેલી માહિતી પ્રમાણે બાળકી પર બળાત્કાર કરનાર આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો અને તેને પગમાં ઈજા થઈ હતી. તેને પકડવાનો પ્રયાસ કરનારા બે પોલીસને પણ ઈજા પહોંચી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
આ ઘટના અંગે એવું કહેવાઈ રહ્યું છે કે આરોપીને પોલીસ ઘટના સ્થળે ઘટનાક્રમ જાણવા માટે લઈ ગઈ હતી એ સમયે તેણે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હાલમાં આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને અહીં તેની સારવાર કરવામાં આવી રહી છે.
પોલીસથી બચવાનો પ્રયાસ કરતી વખતે છાપરા પરથી કૂદકો માર્યો હતો અને એને કારણે તેને હાથ અને પગમાં ઈજા થઈ હતી. આરોપીને પકડવાના પ્રયાસમાં બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઈજાગ્રસ્તોને માધવ નગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓમાં પ્રતીક યાદવ અને સુનીલનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકી પર બળાત્કારની ઘટનાને કારણે દેશમાં ખળભળાટ મચી ગયો છે. પીડિતાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે કલાકો સુધી નગ્ન અવસ્થામાં જોવા મળી રહી છે અને તેણે અનેક લોકો પાસે મદદ પણ માંગી પરંતુ કોઈએ તેની મદદ કરી નહોતી અને તેને તેના હાલ પર છોડી દીધી હતી.
પોલીસને પીડિતા મુરલીપુરા વિસ્તારના રસ્તાના કિનારે લોહીથી લથબથ હાલતમાં મળી આવી હતી. ડોકટરોએ તેણી પર બળાત્કાર થયો હોવાનું જણાવ્યું હતું અને તેને ગંભીર હાલતમાં ઇન્દોર રીફર કરવામાં આવી હતી. જ્યાં હાલ તો તેની તબિયત સ્થિર હોવાનું કહેવાઈ રહ્યું છે.