મોદીના સ્વાતંત્ર્યદિન ભાષણની વિપક્ષે કરી ટીકા, કહ્યું આંબેડકરનું અપમાન કર્યું
નવી દિલ્હી: વિપક્ષે ગુરુવારે એવો આક્ષેપ કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાગલાવાદી એજેન્ડા ચલાવી રહ્યા છે. કૉંગ્રેસે તેમની કમ્યુનલ સિવિલ કોડ (કોમી નાગરી સંહિતા) ટિપ્પણીને ડો. બાબાસાહેબ આંબેડકરના ઘોર અપમાન સમાન ગણાવી હતી.
કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે લાલ કિલ્લા પર દુષ્કર્મ, તોફાન અને ઈતિહાસની બદનામીની મોદીની ક્ષમતા સંપૂર્ણ રીતે પ્રદર્શિત થઈ હતી.
મોદીએ એવી ટિપ્પણી કરી હતી કે ધર્મનિરપેક્ષ નાગરી સંહિતા સમયની જરૂરિયાત છે કારણ કે હાલના કાયદાઓ કોમી નાગરી સંહિતા અને ભેદભાવપૂર્ણ છે, તેને કારણે કૉંગ્રેસે તેમની ટીકા કરી હતી.
મોદીની નિંદા કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે, દુષ્કર્મ, તોફાન અને ઈતિહાસને બદનામ કરવાની પીએમની ક્ષમતાની કોઈ સીમા નથી. તે આજે લાલ કિલ્લા પરથી દેખાઈ આવી હતી.
અત્યાર સુધી આપણી પાસે ‘કોમી નાગરિક સંહિતા’ છે એમ કહેવું એ ડો. આંબેડકરનું ઘોર અપમાન છે, જેઓ હિંદુ પર્સનલ લોેમાં સુધારાના સૌથી મોટા ચેમ્પિયન હતા અને 1950ના દાયકાના મધ્ય સુધીમાં આ સુધારા વાસ્તવિકતા બની ગયા હતા. આ સુધારાઓનો આરએસએસ અને જનસંઘ દ્વારા ત્યારે પણ સખત વિરોધ કરવામાં આવ્યો હતો, એમ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું.
આ પણ વાંચો :Rahul Gandhiની બેઠકને મુદ્દે કોંગ્રેસે કહ્યું “રાજનાથસિંહ તમારાથી આ આશા નહોતી!”
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (સીપીઆઈ)ના જનરલ સેક્રેટરી ડી. રાજાએ કહ્યું હતું કે મોદીના સ્વતંત્રતા દિવસના ભાષણમાં દેશ સમક્ષ લોકોને એક કરવા અને પ્રેરણા આપવા માટે કોઈ મુદ્દો મૂકવામાં આવ્યો નથી.
રાજાએ કહ્યું હતું કે, તેમણે જે પણ વાત કરી તે આરએસએસના અશુભ, વિભાજનકારી એજન્ડા સાથે સુસંગત છે. વડાપ્રધાન 2047 વિશે બોલે છે, પરંતુ તેઓ રાષ્ટ્રની બહુમતી અને વિવિધતાના મુદ્દાઓને સંબોધવામાં નિષ્ફળ ગયા છે. તેઓ દેશ પર એકરૂપતા લાદવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમન (એનએફઆઈડબ્લ્યુ)ના જનરલ સેક્રેટરી અને સીપીઆઈ નેતા એની રાજાએ પણ મોદીની ટીકા કરી અને વન નેશન, વન ઈલેક્શનના વિચાર પર સવાલ ઉઠાવ્યા.
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતા મનોજ ઝાએ કહ્યું કે મોદીને હજુ એ સમજાયું નથી કે દેશમાં માત્ર એક જ વડાપ્રધાન છે અને જેમણે વિપક્ષને મત આપ્યો છે તેમની પાસે અલગ વડાપ્રધાન નથી.
જ્યારે પણ અમે તેની પાસેથી મોટા હૃદયની અપેક્ષા રાખીએ છીએ, અમે નિરાશ થયા છીએ. આ એક રાજકીય ભાષણ છે, એમ રાજ્યસભા સાંસદે કહ્યું હતું. (પીટીઆઈ)