સચિન તેન્ડુલકરે અલગ અંદાજમાં દેશવાસીઓને આપી સ્વતંત્રતાની શુભકામના
નવી દિલ્હી: અંગ્રજોએ લગભગ 200 વર્ષ સુધી ભારત દેશ પર શાસન ચલાવ્યું, પોતાના કાનૂન લાગુ કર્યા અને લગાન (કરવેરા) વસૂલ કર્યા. જોકે વર્ષોના સંઘર્ષ બાદ અને અનેક શહીદોના બલિદાનો બાદ અંગ્રેજોએ ભારત છોડવું પડ્યું હતું અને 1947ની 15મી ઑગસ્ટે ભારતને આઝાદી મળતાં કરોડો ભારતીયોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. સ્વતંત્રતા પછીના 77 વર્ષમાં ભારતે ખેલકૂદ સહિત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. તાજેતરમાં જ ભારતે ટી-20 વર્લ્ડ કપમાં ટાઇટલ જીતી લીધું હતું અને આઝાદીના પર્વ પર ક્રિકેટિંગ-ગૉડ સચિન તેન્ડુલકરે અલગ અંદાજમાં દેશવાસીઓને આઝાદીની શુભકામના આપી છે. બીજા ઘણા ભારતીય ક્રિકેટરોએ પણ સોશિયલ મીડિયા પર ચાહકોને અને દેશવાસીઓને આઝાદી દિન નિમિત્તે શુભેચ્છા આપી છે.
સચિન તેન્ડુલકરે સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મ એક્સ (ટ્વિટર) પરની પોસ્ટમાં લખ્યું છે, ‘સ્પોર્ટ્સપર્સન માત્ર એ નથી કે જે ભારત વતી રમે છે. જે ભારતીય પ્રામાણિકતા, ઇમાનદારી અને નિષ્ઠાથી કામ કરે છે તે ટીમ ઇન્ડિયાનો મહત્વનો ખેલાડી છે. જ્યારે રાષ્ટ્રગીત વાગે ત્યારે સમજી લેવાનું કે એ તમારા માટે જ છે. હું જ્યારે પણ ભારત વતી રમવા મેદાન પર પહોંચતો હતો રાષ્ટ્રગીત વખતે હું જે મહેસૂસ કરતો હતો એ તમે પણ રાષ્ટ્રગીત સાંભળતી વખતે કરતા જ હશો. સર્વેને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામના.’
ક્રિકેટજગતના સૌથી શ્રીમંત બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી જય શાહે ટ્વીટમાં જણાવ્યું, ‘આપણે 78મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છીએ અને ચાલો, આ નિમિત્તે આપણે આપણા સ્વતંત્રતા સૈનિકોના બલિદાનને યાદ કરીએ અને તેમનું સન્માન કરીએ. આપણે તેમના એ મૂલ્યોને યાદ કરીએ જે મૂલ્યો આપણને એક રાષ્ટ્રના રૂપમાં બાંધીને રાખે છે. આપણે બધા માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાના આદર્શોને કાયમ અપનાવતા રહીશું. જય હિંદ.’
આ પણ વાંચો : વડા પ્રધાન મોદી પેરીસ ઓલમ્પિકના એથ્લેટ્સને મળ્યા, મનુએ પિસ્તોલ અને શ્રીજેશે જર્સી ભેટ આપી
તાજેતરમાં પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતને હૉકીનો બ્રૉન્ઝ મેડલ અપાવીને પાછા આવેલા અને નિવૃત્તિ જાહેર કરનાર ગોલકીપર પીઆર શ્રીજેશે એક્સ પરના ટ્વીટમાં લખ્યું છે, ‘સૌને યાદગાર સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભકામના. દેશભક્તિની ભાવના આપ સૌના હૃદયને ગર્વથી ગદગદ કરી મૂકે એવી શુભેચ્છા.