કોલકાતાના બનાવ પરથી ગુજરાત સરકારે ધડો લીધોઃ સરકારી મેડિકલ કૉલેજોમાં સુરક્ષા વધારી
અમદાવાદઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનોનો દેશભરમાં વિરોધ પણ થઈ રહ્યો છે. ભારત સરકાર દ્વારા એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મેડિકલ કોલેજમાં સિક્યોરિટી વધારવા માટે કોલેજોને પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના ચાર મોટા મહાનગરોમાં આવેલી મેડિકલ કોલેજોમાં તાલીમાર્થી ડોક્ટરોની સુરક્ષાને લઈને મેડિકલ કોલેજો એલર્ટ થઈ છે. જેમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ, રાજકોટ મેડિકલ કોલેજ, સુરત સિવિલ મેડિકલ કોલેજ, વડોદરાની સયાજી હોસ્પિટલની મેડિકલ કોલેજોમાં સુરક્ષાને લઈને પૂરતા સીસીટીવી કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે.
નેશનલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીના અનુસંધાને અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં મેડિકલ કોલેજમાં સંપૂર્ણ સિક્યોરિટી છે તથા પૂરતા સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે જે કોલેજના તમામ ખૂણામાં ચાંપતી નજર રાખે છે. 24 કલાક આ સીસીટીવી કેમેરા ચાલુ રહે છે. આથી હાલમાં વધારાની સિક્યોરિટીની જરૂરિયાત નથી.
આ પણ વાંચો : Kolkata rape case: વિરોધ કરનારા વિફર્યા, પોલીસકર્મીઓને પણ બનાવ્યા નિશાન
જ્યારે નેશનલ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીના ઉપલક્ષમાં GMERS મેડિકલ કોલેજના સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે મેડિકલ કોલેજમાં 32 જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે કોલેજના મેઇન ગેટથી લઈને મોટા મોટા એરિયા કવર કરે છે. જ્યારે હજુ પણ સિક્યોરિટીમાં વધારો કરવા માટે મેડિકલ કોલેજમાં સીસીટીવી કેમેરાનો ઉમેરો કરવામાં આવશે તથા હોસ્ટેલમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત કોલેજમાં તથા હોસ્ટેલમાં લાઇટિંગ પણ વધારી દેવામાં આવશે. આ ઉપરાંત જે સેન્સિટીવ એરિયા છે ત્યાં વધુ લાઇટિંગ કરીને સિક્યુરિટી ગાર્ડસ પણ તહેનાત કરી દેવામાં આવશે. વિદ્યાર્થી તથા રેસિડેન્ટ ડોક્ટર ઉપરાંત સ્ટાફની સિક્યોરિટીની પૂરતી કાળજી લેવામાં આવશે.
આ પણ વાંચો : કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ “ગેંગ રેપ” હોવાનો એક ડોક્ટરે કર્યો દાવો
રાજકોટની પંડિત દીન દયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ
રાજકોટની પંડિત દીન દયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની વિંગ અલગ અલગ છે. આ ઉપરાંત ઝેન્ડર હેરેસમેન્ટ કમિટી પણ ઉપલબ્ધ છે. જેમાં માત્ર વિદ્યાર્થી નહિ પરંતુ કોઈ પણ કર્મચારી પણ આવી પોતાની ફરિયાદ અથવા રજુઆત કરી શકે છે. 16મી ઓગસ્ટના રોજ મેડિકલ કોલેજ ખાતે ઝેન્ડર હેરેઝમેન્ટ કમિટીની દરેક વિભાગના HOD સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ કમિટી અંગે પૂરતું માર્ગદર્શન આપી પ્રચાર પ્રસાર તેમજ પ્રવૃત્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે એન્ટી રેગિંગ કમિટી અંગે પણ માહિતી તેમજ માર્ગદર્શન અંગે આ કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
સુરત સિવિલ મેડિકલ કોલેજમાં સુરક્ષામાં વધારો કરાશે
સુરત સિવિલ મેડિકલ કોલેજના સૂત્રોએ જણાવ્યું હતું કે મેડિકલ કમિશનની એડવાઈઝરી આવી ગઈ છે. એડવાઈઝરી પ્રમાણે સીસીટીવી અને તમામ આરોગ્ય કર્મીઓ અધિકારીઓની સુરક્ષા માટે સઘન કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત સિવિલ મેડિકલ કોલેજમાં તમામ સુરક્ષાની કામગીરી ચાલુ જ છે તેમાં વધારો કરવામાં આવશે. એડવાઈઝરી પ્રમાણે કોલેજમાં સુરક્ષા વ્યવસ્થા કરાશે. હાલ કુલ 600થી વધુ સીસીટીવી છે.
વડોદરાની સયાજીની મેડિકલ કોલેજમાં પૂરતી સુરક્ષા
વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલી મેડિકલ કોલેજના ડીનએ જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજમાં અગાઉથી જ ગાઈડલાઈન જાહેર કરેલી છે. હાલમાં કોઈ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી. હાલમાં યુજી અને પીજીના મળી કુલ 450 જેટલાં વિદ્યાર્થીઓ દર વર્ષે આવે છે. વિદ્યાર્થીઓની હોસ્ટેલ, લાઇબ્રેરી, સંકુલ સહિત અનેકસ્થળે 300થી વધુ સીસીટીવી કેમેરા હાલમાં લગાવેલા છે અને તે કાર્યરત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં ગુરુવારે રાત્રે 11:55 વાગ્યે દેશમાં ઘણી જગ્યાએ ‘રિક્લેમ ધ નાઈટ’ એટલે કે રાત પર નિયંત્રણ મેળવવા બાબતે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ પ્રદર્શનને આઝાદીની મધ્યરાત્રિમાં મહિલાઓની સ્વતંત્રતા માટેના પ્રદર્શનનું નામ આપવામાં આવ્યું હતું. કોલકાતામાં આયોજિત વિરોધ થોડી જ વારમાં હિંસક બની ગયો હતો