પિતા બર્થ સર્ટિફિકેટ બનાવડાવી રહ્યા હતા, અને ઇઝરાયલે જોડિયા બાળકોને મારી નાખ્યા, ગાઝાના પિતાની વેદના
ઇઝરાયલી આર્મીના સતત હુમલા અને બ્લોકેડને કારણે ગાઝામાં માનવીય સંકટ (Humanitarian crisis in Gaza) ઉભું થયું છે. યુનાઈટેડ નેશન્સ (United nations)ની ચેતવણીને અવગણીને ઇઝરાયલ સતત નાગરીકોની હત્યા કરી રહ્યું છે, જેમાં મોટા ભાગે બાળકોનો સમાવેશ થાય છે. એવામાં ગાઝામાં ચાર દિવસ પહેલા જન્મેલા જોડિયા બાળકોનું ઈઝરાયેલના હુમલામાં મોત થયું છે.
અહેવાલ મુજબ બાળકોના પિતા બર્થ સર્ટિફિકેટ બનાવડાવવા સરકારી કચેરીએ પહોંચ્યા હતા. બાળકોના નામ અસાર અને એસલ રાખવામાં આવ્યા હતા. ત્યારે તેના પિતા અબુ અલ-કુમસાનને પડોશીઓ તરફથી ફોન આવ્યો કે તેના ઘર પર બોમ્બ પડ્યો છે. આ હુમલામાં બાળકોની માતા અને દાદીનું પણ મોત થયું હતું.
એક અહેવાલ મુજબ, બાળકોના પિતા અબુ અલ-કુમસાને કહ્યું કે તેઓ કલ્પના કરી શકતા નથી કે શું થયું. તેમણે કહ્યું, “મને ખબર નથી કે શું થયું. મને કહેવામાં આવ્યું છે કે તે એક શેલ હતો જે ઘર પર પડ્યો હતો. મારી પાસે ઉજવણી કરવાનો પણ સમય ન રહ્યો.” ગાઝાના હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે અત્યાર સુધીમાં આવા તાજા જન્મેલા 115 બાળકો માર્યા ગયા છે.
અહેવાલ મુજબ ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષના શરૂઆતના અઠવાડિયામાં પરિવારે પોતાનું ઘર છોડી દીધું હતું કારણ કે ઇઝરાયેલે ગાઝા શહેર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. પરીવાલ હાલમાં ગાઝા પટ્ટીના મધ્ય ભાગમાં રહેતો હતો. અબુ અલ-કુમસાનને ત્યાં 4 દિવસ પહેલા જ જોડિયા બાળકોને જન્મ થયો હતો. બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે તે સરકારી કચેરીમાં ગયો હતો. તે બર્થ સર્ટિફિકેટની પ્રક્રિયા ચાલુ હતી, ત્યારે તેને તેના ઘર પર ઈઝરાયેલના હુમલાની માહિતી મળી.