ટોપ ન્યૂઝનેશનલ

‘મજબુરી નહીં, પણ મજબૂતી માટે રીફોર્મ કરીએ છીએ’ વડા પ્રધાન મોદીનું લાલ કિલ્લા પરથી દેશને સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાના પ્રાચીર પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો. તેઓ સતત 11મી વખત રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે.

રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે, વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ અસંખ્ય ‘સ્વતંત્રતા પ્રેમીઓ’ને શ્રદ્ધાંજલિ આપવાનો છે જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. આ દેશ તેમનો ઋણી છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે દેશના 40 કરોડ લોકોએ વિશ્વની મહાસત્તાને ઉખાડી નાખી. આપણા પૂર્વજોનું લોહી આપણા શરીરમાં છે. આજે આપણે 140 કરોડ નાગરિક છીએ. જો આપણે દૃઢ નિશ્ચય સાથે આગળ વધીએ તો આપણે દરેક પડકારને પાર કરી શકીશું અને વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરી શકીશું. તેમણે કહ્યું કે જો 40 કરોડ લોકો આઝાદીનું સપનું સાકાર કરી શકે છે, તો મારા નાગરિકો અને 140 કરોડના દેશના મારા પરિવારના સભ્યો સાથે આવે તો પડકારો ગમે તે હોય, આપણે સમૃદ્ધ ભારત બનાવી શકીએ છીએ. 2047નું વિકસિત ભારત બનાવી શકે છે.

વડા પ્રધાને સંબોધનમાં કહ્યું કે પ્રિય દેશવાસીઓ, આ વર્ષે અને છેલ્લા કેટલાક વર્ષોમાં કુદરતી આફતોમાં ઘણા લોકોએ પોતાના પરિવાર ગુમાવ્યા છે. મિલકત ગુમાવી છે. રાષ્ટ્રીય તિજોરીને નુકસાન થયું છે. આજે હું તે બધા પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને તેમને ખાતરી આપું છું કે સંકટની આ ઘડીમાં દેશ તેમની સાથે છે.

તેમણે કહ્યું કે કોરોના સંકટને ભૂલી શકાય નહીં. આ તે દેશ છે જ્યાં હુમલા કર્યા બાદ આતંકવાદીઓ ચાલ્યા જતા હતા, જ્યારે આજે દેશની સેના સર્જિકલ સ્ટ્રાઈક કરે છે. સેના જ્યારે હવાઈ હુમલો કરે છે ત્યારે યુવાનોની છાતી ગર્વથી ભરાઈ જાય છે. આ એવી બાબતો છે જે દેશવાસીઓના હૃદયને ગર્વથી ભરી દે છે.

પીએમ મોદીએ કહ્યું, “અમે વિકસિત ભારત 2047 માટે દેશવાસીઓ પાસેથી સૂચનો માંગ્યા હતા. અમને મળેલા ઘણા સૂચનો આપણા નાગરિકોના સપના અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. કેટલાક લોકોએ ભારતને કૌશલ્યની રાજધાની બનાવવાનું સૂચન કર્યું, તો કેટલાક લોકોએ કહ્યું કે ભારતને ઉત્પાદન કેન્દ્રો બનાવવું જોઈએ અને દેશ આત્મનિર્ભર બનવો જોઈએ, ગ્રીનફિલ્ડ શહેરો બનાવવા જોઈએ, ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવું જોઈએ, આ દેશના લોકોના મોટા સપના છે તેથી આ આપણા આત્મવિશ્વાસને નવી ઊંચાઈએ લઈ જાય છે અને આપણે વધુ સંકલ્પબદ્ધ બનીએ છીએ.”

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ત્રણ કરોડ પરિવારોને નળનું પાણી મળી રહ્યું છે. જલ જીવન મિશન હેઠળ 12 કરોડ પરિવારોને નળનું પાણી મળી રહ્યું છે. 15 કરોડ પરિવારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ગરીબો, દલિતો, પીડિત, આદિવાસી ભાઈ-બહેનો આ સુવિધાના અભાવમાં જીવતા હતા.

રાષ્ટ્રને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે લોકોના સપના પૂરા ન હતા થયા. જ્યારે અમને જવાબદારી મળી ત્યારે અમે મોટા સુધારા કર્યા. અમે પરિવર્તન માટે રિફોર્મ પસંદ કર્યો. અમે માત્ર તાળીઓ પાડવા માટે સુધારા નથી લાવતા. અમે મજબૂરીમાં સુધારા નથી કરી રહ્યા, પરંતુ દેશને મજબૂત કરવા માટે. અમે રાજકારણ ખાતર સુધારા કરતા નથી. અમારો એક જ ઉદ્દેશ્ય છે અને તે છે નેશન ફર્સ્ટ, એટલે કે રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ. અમે આ સંકલ્પ સાથે પગલાં લઈએ છીએ કે મારું ભારત મહાન બને.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button