વાદ પ્રતિવાદ

અલ્લાહ ભિતરના ભેદને બખૂબી જાણે છે

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

પવિત્ર કુરાનની સુરા ‘બલદ’ આયત પાંચમાં પ્રશ્ર્ન પુછાય છે કે, ‘શું માનવી એવું સમજે છે કે તેની પર કદાપી કોઈ કાબૂ મેળવી શકશે નહીં?’ આપણે ગયા અંકમાં આયત ચારમાં વાંચી ગયા કે ‘બેશક અમે માનવીને કષ્ટમાં પેદા કર્યો છે.’ માનવી આ પરિસ્થિતિમાં હોવા છતાં તે કેટલો બધો મિથ્યાભિમાનમાં રાચે છે, કે દુનિયામાં તે જે ઈચ્છે તે કરી શકશે અને કોઈ ઉચ્ચતર શક્તિ તેને પકડનાર નથી. શું તે એવું સમજે છે કે કોઈએ તેને જોયો નથી? વિવરણકારો કહે છે કે એ આયત અબુલ અશદ્ ઉસેદ બીન કલહ વિશે ઊતરી, કે જે એટલો બધો જોરાવર હતો કે તેના પગની નીચે મૂકેલું ચામડું ખેંચી કાઢવા ગમે તેટલા માણસો લગાવી દો. ચામડું ફાટી જઈને તેના ટુકડેટુકડા થઈ જશે, પરંતુ તેના પગની નીચેથી ચામડું કોઈ પણ ખેંચી જવામાં સફળ થશે નહીં.

એક કથન એવું છે કે એ આયત (આયત ૫) વલીદ બીન મુગીરા બાબત ઊતરી હતી. મતલબ એ છે કે એ કાફિર (ઈશ્ર્વરની હસ્તિને ન માનનાર) પોતાની તાકત પર અભિમાની બનીને મુસલમાનોને અશક્ત સમજી રહ્યો છે તે કયા ગુમાનમાં રાચી રહ્યો છે? શું તે શક્તિમાન અલ્લાહની કુદરતને જાણતો નથી? ધરતીકંપનો એક જ આંચકો, પવનનું એક જ તોફાન, નદીઓના પૂર આગળ માનવીનું શું ચાલે છે? કોમોની પાસેથી સત્તા છીનવી લેવામાં આવે છે. રાજાને ભિખારી બનાવી દેવામાં આવે છે, તો પછી માનવીના મગજમાં એ હવા ક્યાંથી ભરાઈ ગઈ કે તેની પર બીજા કોઈની સત્તા ચાલી શકતી નથી?

સુરા ‘બલદ’ની છઠ્ઠી આયતમાં કહ્યું કે, ‘અહલકતુ માલલ લુબદા’. અર્થાત્: મેં ઢગલાબંધ માલની હત્યા કરી નાખી.

સુજ્ઞ વાચકો! ‘અહલકતુ’ શબ્દ હલાક પરથી આવ્યો છે. અત્રે ‘માલને મેં હલાક કરી નાખ્યો’ એવું કહ્યું. માલને મેં વાપરી નાખ્યો એવું કહ્યું નથી. જો કહેવાનો અર્થ એવો હોત તો ‘અનફકતુ માલલલુબદા’ શબ્દો આવ્યા હોત. આ શબ્દો કહેનાર કહે છે, કે મેં મારા માલને લુટાવી દીધો, વેડફી નાખ્યો, હલાક (નષ્ટ) કરી નાખ્યો. પોતે કેટલો ધનિક છે તેનું ઘમંડ, અભિમાન બતાવવા માટે આવા તુચ્છ શબ્દો વાપર્યા. પરંતુ આ ધન કયા કામમાં વાપર્યું? પોતાની માલદારીના પ્રદર્શન માટે, મોટાઈના દેખાવ માટે ઉડાવ્યું હતું?

દીને ઈસ્લામના આગમન પહેલાં માલદારો પોતાની મોટાઈના કસીદા લખાવતા હતા. કવિ-શાયરોને માલદારીના ગુણગાવા ભારે ઈનામો-અકરામોથી નવાઝતા હતા, જુગારમાં ધનના ઢગલા હારી જતા, જુગારમાં જીતે ત્યારે ઊંટોને કાપીને મિજબાનીઓ કરતા, મિત્રોને જમાડતા, ગમે તે પ્રસંગ ઊભો કરીને બેહિસાબ માણસોને જમાડતા અને જાહેર આમંત્રણ આપી દેતા કે જેને આવવું હોય તે આવે અને મનભાવતું ભોજન આરોગે. પોતાના રહેઠાણો પર ચોવીસ કલાક લંગર ચલાવતા જેથી દૂર દૂર સુધી તેમની ખ્યાતિ ફેલાય. આ બધું તે યુગમાં, તેવા માણસની ઉદારતામાં ખપાવવામાં આવતું. તેથી અલ્લાહતઆલાએ ફરમાવ્યું કે, એ અભિમાની, ઘમંડી સમજતો નથી કે તેને અલ્લાહ તો જોઈ રહ્યો છે, કે કયા માર્ગોએ તેણે આ સંપત્તિ ભેગી કરી છે, પછી કયા કાર્યો પાછળ તેને વાપરી છે? તેણે આજે જલસા કર્યા તે કયા હેતુથી, કયા સ્વાર્થથી અને કેવા આશયથી કર્યા? આ ભિતરના ભેદને અલ્લાહ બખૂબી જાણે છે જ. તે શખસ શું એવું સમજે છે કે તે શખસના આવા અભિમાન રૂપી કાર્યોની કદર કરવામાં આવશે અને અલ્લાહતઆલા તેનાથી છેતરાઈ જશે?

આટલું કહીને અલ્લાહતઆલા પોતાની બક્ષેલી ને’મતો (ઈશ્ર્વરીય દેણગી)નું વર્ણન કરીને કહે છે કે, શું તેને અમે બે આંખો નથી આપી, જેથી તે જુએ છે? શું તેને અમે જીભ નથી આપી, જેનાથી તે બોલે છે? શું તેને અમે બે હોઠ નથી આપ્યા, જેને તે વિવિધ કામમાં લઈ રહ્યો છે? બંને હોઠથી મોઢું બંધ થઈ જાય છે અને માનવી સારો લાગે છે. હોઠથી બોલવામાં (વાણી) મદદ લેવાય છે.

અત્રે અલ્લાહતઆલાની દલીલ કેટલી જોરદાર છે, કે બંદાને આંખો આપી છે, તે માત્ર જોવા નથી આપી, પરંતુ અલ્લાહની નિશાનીઓ જે ચારે દિશામાં પથરાયેલી છે, તે જોઈને તેની પરથી બોધ લેવાનો છે. જીભ અને હોઠથી બોલવાના કામ ઉપરાંત પણ બીજાં અવયવોના ટેકાથી વધારાનાં કામો થઈ રહ્યાં છે. આટલા બયાન પછી અલ્લાહતઆલા ફરમાવે છે, ‘ફલક તહમલ અકબહ’ અર્થાત્: પરંતુ તે દુર્ગમ ખાઈમાંથી પસાર થવાની હિમ્મત કરી શક્યો નહીં. ‘અકબહ’ એવા મુશ્કેલ માર્ગને કહે છે, જે ઊંચાઈએ જવા માટે પર્વતોમાંથી પસાર થાય છે.

સુજ્ઞ વાચક મિત્રો આ અને તેની આગળ આવેલી આયત જોતાં જે અર્થ નીકળે છે, તે અત્યંત બોધદાયક હોઈ, લેખના આવતા અંકમાં વાંચીશું અને આપણા ઈલ્મોજ્ઞાનમાં વધારો કરીશું. ઈન્શાઅલ્લાહ. (ઈશ્ર્વરઈચ્છા આધિન)


નસીહત
દુર્ભાગી વ્યક્તિના હૃદયમાંથી દયા કાઢી લેવામાં આવે છે.
(હવાલો: મુસ્નદે અહમદ)
સાપ્તાહિક સંદેશ:
જેમ બિલાડી દૂધને જુએ છે, પરંતુ પોતાને માથે ઉગામાયેલી લાકડીને જોતી નથી તેમ કંજૂસ, લોભિયો માણસ ધનને જુએ છે પણ આપત્તિને જોતો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે