પુરુષ

આપણે ઑલિમ્પિક્સમાં જ કેમ પાણીમાં બેસી જઈએ છીએ?

એકેય ગોલ્ડ ન મળ્યો અને છ મેડલ માંડ-માંડ મળ્યા : પોણાચાર વર્ષ આપણે વિક્રમો રચીએ અને ઑલિમ્પિક ગેમ્સમાં થઈ જાય સુરસુરિયું

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી, અર્જુન બબુટા, લક્ષ્ય સેન

પુરુષોની બૅડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ચાર મહિના પહેલાં દસ અઠવાડિયાં સુધી મેન્સ ડબલ્સ બૅડમિન્ટનમાં નંબર-વનના સ્થાને રહીને નવો વિશ્ર્વવિક્રમ રચ્યો હતો. ત્રણ મહિના પહેલાં ભારતના શૂટર અર્જુન બબુટાએ ઍર રાઇફલની ઑલિમ્પિક સિલેક્શન ટ્રાયલમાં ૨૫૪.૦ના પૉઇન્ટ સાથે નવો વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો હતો. બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ૨૦૨૨માં કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમ જ છેલ્લાં પાંચ વર્ષમાં ઘણી મૅચોમાં વર્લ્ડ ચૅમ્પિયન સ્તરના સર્વોચ્ચ ખેલાડીઓને હરાવી ચૂક્યો છે.

આ બધુ બની જવા છતાં ભારતે દર વખતે ઑલિમ્પિક ગેમ્સમાંથી આંગળીને વેઢે ગણાય એટલા મેડલ સાથે પાછું આવવું પડે છે. આ વખતે પણ એવું જ બન્યું. ૧૧૭ ઍથ્લીટો-ખેલાડીઓનો મોટો કાફલો પૅરિસ ગયો હતો, પણ એમાંથી મોટા ભાગના સ્પર્ધકોએ નિરાશ કર્યા, જૂજ ઍથ્લીટ-પ્લેયરે મેડલ અપાવ્યા અને કેટલાક સ્પર્ધકો બ્રૉન્ઝ મેડલની લગોલગ આવીને ચૂકી ગયા.

સાત્વિક-ચિરાગની જોડી જરાક માટે બ્રૉન્ઝ મેડલ ચૂકી ગઈ, શૂટર અર્જુન પણ એકેય મેડલને નિશાન ન બનાવી શક્યો અને લક્ષ્ય સેને મોટી આશા અપાવ્યા પછી બ્રૉન્ઝ પણ ન જીતીને ભારતના કરોડો સ્પોર્ટ્સપ્રેમીઓને નિરાશ કરી દીધા.

ઑલિમ્પિક્સ દર ચાર વર્ષે યોજાય છે. ત્રણ વર્ષ અને અગિયાર મહિના દરમ્યાન ભારતીયો ઇનામો અને ટ્રોફીઓ મેળવતા હોય છે, પરંતુ ઑલિમ્પિક્સનો એક મહિનો ખરાબ જાય છે. આવું દાયકાઓથી બની રહ્યું છે.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આપણા ઍથ્લીટોને વિદેશમાં તાલીમ અપાવવા સહિત ટ્રેઇનિંગ પાછળ લાખો રૂપિયા ખર્ચે છે, ઍથ્લીટો તૈયારીઓ પણ સારી કરી લેતા હોય છે, પણ કોણ જાણે માનસિકતા જ એવી થઈ જાય છે કે ઑલિમ્પિક્સમાં તેઓ પાણીમાં બેસી જાય છે.

૭૦-પ્લસ દેશોવાળી કૉમનવેલ્થ ગેમ્સમાં તથા ૪૫ દેશોવાળી એશિયન ગેમ્સમાં ભારત મોટી સંખ્યામાં ચંદ્રકો જીતે છે, પરંતુ ૨૦૦-પ્લસ રાષ્ટ્રોવાળી ઑલિમ્પિક્સમાં આપણો ડંકો નથી વાગતો. ઉઝબેકિસ્તાન જેવો ભારત કરતાં ઘણો નાનો દેશ પૅરિસ ઑલિમ્પિક્સમાં આઠ ગોલ્ડ મેડલ જીતી ગયો, પણ ભારતના હાથમાં એકેય ગોલ્ડ ન આવ્યો. પાકિસ્તાનનું નામ પણ એક સુવર્ણચંદ્રક જીતનાર દેશ તરીકે મેડલના લિસ્ટમાં નોંધાયું, પરંતુ ભારતે (૧ સિલ્વર, પાંચ બ્રૉન્ઝ…કુલ છ મેડલ) સાથે છેક ૭૧મા નંબર પર રહેવું પડ્યું. અમેરિકા (૪૦ ગોલ્ડ, ૪૪ સિલ્વર, ૪૨ બ્રૉન્ઝ સહિત કુલ ૧૨૬ મેડલ) નંબર-વન અને ચીન (૪૦ ગોલ્ડ, ૨૭ સિલ્વર, ૨૪ બ્રૉન્ઝ સહિત કુલ ૯૧ મેડલ) નંબર-ટૂ પર રહ્યું હતું.

૧૪૦ કરોડની વસતીવાળા આપણા દેશની છાપ એવી છે જેમાં જો આપણે ઑલિમ્પિક્સનો મેડલ જીતીએ તો એ ચમત્કાર કહેવાય છે અને અન્ય દેશો માટે એ નવાઈનો વિષય બની જાય છે. શું એકલા નીરજ ચોપડાએ ઠેકો લીધો છે કે તેણે જ ફાઇનલમાં પહોંચીને ગોલ્ડ કે સિલ્વર મેડલ જીતવાનો? મહિલાઓ દર વખતે મેદાન મારી જાય છે. આ વખતે પણ શૂટર મનુ ભાકરે બે બ્રૉન્ઝ જીતીને ભારતની આબરૂ સાચવી, પણ પુરુષ ઍથ્લીટો-પ્લેયર્સમાં ભાગ્યે જ કોઈક સફળ થયા. શૂટર સરબજોત સિંહ, શૂટર સ્વપ્નિલ કુસાળે, રેસલર અમન સેહરાવત અને મેન્સ હૉકી ટીમે બ્રૉન્ઝ મેળવીને આશ્ર્વાસન ઇનામો અપાવ્યાં, પણ વિસ્તાર પ્રમાણે વિશ્ર્વમાં સાતમા નંબરે આવતો ભારત દેશ વિશ્ર્વના આ સૌથી મોટા રમતોત્સવમાં કેમ નિષ્ફળ જાય છે એ મોટી ચિંતાનો વિષય છે.

નિશાનબાજીમાં ભારતને ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ અપાવી ચૂકેલા અભિનવ બિન્દ્રાનું પૅરિસમાં ઑલિમ્પિક્સ વખતે બહુમાન કરવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘ભારતીયો કેમ ઑલિમ્પિક ગોલ્ડ મેડલ નથી જીતી શક્તા એ વિશે મારી પાસે કોઈ જ જવાબ નથી. મારી પાસે જો કોઈ સ્પષ્ટ જવાબ હોત તો મેં ભારતીયોને ઘણા ગોલ્ડ મેડલ અપાવી દીધા હોત. ઑલિમ્પિક ખૂબ જ કઠિન મંચ છે. એમાં આંતરિક ઉપરાંત બાહ્ય અપેક્ષા પણ પુષ્કળ હોય છે. આખા વિશ્ર્વનું ધ્યાન તમારા પર હોય છે. દરેક ઍથ્લીટ-ખેલાડીનું જીવન એવું સંતુલિત હોવું જોઈએ કે જે સ્ટ્રેસ, પ્રેશર તેમ જ પ્રચંડ અપેક્ષાઓનો સામનો કરી શકે. ઍથ્લીટને પાયાનું શિક્ષણ આપવાની સાથે-સાથે તેનામાં જે કૌશલ્ય છે એને ખીલવા દેવા માટે પૂરતી તાલીમ મળવી જરૂરી છે. હા, ઍથ્લીટની પોતાની મહેનત સર્વોપરી હોય છે. ઍથ્લીટો પાછળ પૈસાનો ખર્ચ જરૂર થવો જોઈએ, પરંતુ એ ક્યાં અને કેવી રીતે કરવો જોઈએ એ પણ જરૂરી બાબત છે.’

અભિનવ બિન્દ્રાએ વધુ રસપ્રદ અભિપ્રાયમાં કહ્યું, ‘ફક્ત પૈસાનો ખર્ચ જ મેડલ નહીં અપાવે. એ કોઈ મેડલ અપાવતું વેન્ડિંગ મશીન નથી. ઍથ્લીટે અથાક મહેનત પણ કરવી પડે અને પછી ભરપૂર સંકલ્પશક્તિ સાથે ઑલિમ્પિકના મંચ પર ઊતરવું પડે. તે છેક સુધી દૃઢતા જાળવી રાખે તો જ પૉડિયમ સુધી (સુવણર્ર્, રજત, કાંસ્ય ચંદ્રકના મંચ સુધી) પહોંચી શકે.

આ જ મહિનામાં પૅરિસમાં યોજાનારી દિવ્યાંગ ઍથ્લીટો માટેની પૅરાલિમ્પિક્સમાં ભારતે મોટી સંખ્યામાં મેડલ જીતશે એવી અપેક્ષા હવે રાખવી પડશે.

૨૦૨૮ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં જો ડબલ-ડિજિટમાં ચંદ્રકો લાવવા હોય તો આ વખતે મેડલ ચૂકી ગયેલા યુવાન સ્પર્ધકોએ અત્યારથી જ પોતાની ટૅલન્ટને વધુ ધારદાર બનાવવી પડશે અને ઑલિમ્પિક્સના સર્વોચ્ચ મંચ પર સ્પર્ધામાં ઊતરવાની ક્ષમતા ફરી કેળવવી પડશે. ૨૦૩૬માં ભારત પોતાને ત્યાં ઑલિમ્પિક ગેમ્સ રાખવા માગે છે. આશા રાખીએ આવનારા મહિનાઓમાં કેન્દ્ર સરકારને એનું યજમાનપદ મેળવવામાં સફળતા મળે અને ત્યાં સુધીમાં આપણા ઍથ્લીટો-ખેલાડીઓ સંખ્યાબંધ મેડલ જીતવાની ક્ષમતા હાંસલ કરી લે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button