પુરુષ

તમારી સ્વતંત્રતા: તમે કેટલા સજાગ?

મેલ મેટર્સ -અંકિત દેસાઈ

બંધારણીય સ્વતંત્રતા અને વ્યક્તિગત સ્વતંત્રતામાં આમ ઘણો ભેદ છે. દેશનું બંધારણ આપણને વ્યક્તિ તરીકે સ્વતંત્ર રહેવા માટે પણ અનેક અધિકારો આપે જ છે એટલે એ રીતે વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળ છેવટે બંધારણીય સ્વતંત્રતામાં ભળે ખરા. આમ છતાં, બંધારણીય સ્વતંત્રતા અને વ્યક્તિગત સ્વતંત્રતા એકબીજાથી નોખા તો છે, કારણ કે વ્યક્તિગત સ્વતંત્રતા આપણી પોતાની માનસિકતા અને આપણા પોતાના અભિગમ પર અત્યંત આધાર રાખતી હોય છે. એ આપણા પર છે કે સીત્તેર-એંસી વર્ષના આપણા આ પ્રવાસમાં આપણે આપણી મુક્તિ માણવી નહીં કે પછી કોઈની ઈચ્છાઓના પાંજરામાં જ જીવીનો જિંદગી પૂરી કરી નાખવી!

અહીં જે સ્વતંત્રતા હું ચર્ચી રહ્યો છું એ પામવું શાબ્દીક રીતે જેટલું સરળ છે એટલું દેખીતી રીતે નથી, કારણ કે કોઈની ઈચ્છાઓ અને કોઈની મરજીના પાંજરામાંથી મુક્ત થઈને પોતાની શરતે જીવવું એ ઘણો બધો સંઘર્ષ માગી લે છે. આ કારણે જ આ દુનિયામાં કરોડો લોકો જીવનના એક તબક્કે સપનાં જોવાનું કે ઈચ્છાઓ કરવાનું જ બંધ કરી દે છે, કારણ કે ક્યાં તો સાંસ્કૃતિક કારણોસર અથવા તો સામાજિક કારણોસર અથવા તો પારિવારિક કારણોસર કે પછી જીવનસાથીની પોતાની આગવી માન્યતાઓને કારણે માણસ પોતાના મનનું કે પોતાને ગમતું કરી શકતો નથી, જેને કારણે આજીવન એના મનમાં એક અસંતોષ ધૂંધવાતો રહે છે.

મજાની વાત તો એ છે કે કેટલાય કિસ્સામાં માણસ ચોક્કસપણે એ પણ નથી કહી શકતો કે એના મનમાં જે અસંતોષ છે અથવા તો મનમાં જે અધૂરપ છે એ એટલા માટે છે કે જીવનમાં એ એના મનનું નથી કરી શકતો. એ તો બસ દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે અને બીજાના કહ્યે જીવ્યા જ કરે છે એટલે એનું મન અને એની ભાવનાઓ જાણે ઓટો મોડ પર કામ કરતી થઈ જાય છે પછી એને સમજાય કેમ? કે એના સંતાપનું કારણ બીજું કંઈ નહીં, પરંતુ એનું પપેટ બની જવું છે ! અને જો કદાચ એને એ સમજાય પણ તો બહુ મોડું થઈ ગયું હોય છે કે જીવનમાં એણે બીજાનું ધાર્યું કે કહ્યું કરવામાં બહુ સમય વેડફી કાઢ્યો છે !

એટલે જ જીવનમાં બહુ વહેલાં એ સમજી જવાની જરૂર છે કે જીવન આપણે આપણી શરતે, આપણને ગમે છે એ રીતે જીવીએ છીએ કે નહીં? અલબત્ત, અહીં પણ ગાંધીજીએ કહેલી વાત અત્યંત અસરકારક રીતે લાગુ પડે છે કે દરેક સ્વતંત્રતાની પોતાની આગવી જવાબદારી હોય છે એટલે આપણને એ પણ સમજાવું જોઈએ કે આપણે જે ધારીએ છીએ કે જે આપણે ઈચ્છીએ છીએ એ પાછું બીજા માટે હાનિકારક હોવું ન જોઈએ, નહીંતર ગુલામીની સાંકળ અકબંધ જ રહેશે. ફરક માત્ર એટલો પડશે કે આપણા મનનું કરવામાં આપણે તો મુક્ત થઈ ગયા, પરંતુ આપણી મુક્તિ બીજા માટે ગુલામી થઈ ગઈ!

એટલે વેળાસર એ વિષયે પણ સમજણ કેળવી લેવી સારું. એ સમજાય પછી પોતાના મનનું કે પોતાના ગમતું કરવા માટે જો આર્થિક કે સામાજિક કે માનસિક સંઘર્ષ કરવો પડે તો એ પણ કરી લેવો, પરંતુ પ્રયત્ન હંમેશાં એ જ કરવો કે આપણે મુક્તપણે જીવી શકીએ અથવા તો આપણી આ જીવનયાત્રામાં આપણું ગમતું કરી શકીએ.

આપણે જો આટલું કરતા શીખી જઈશું તો આપણા જીવનમાં સંતોષ અને શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ જશે, કારણ કે આપણી આજની પીડાઓને પણ જો માઈક્રોસ્કોપમાં મૂકીને જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે આપણી એ પીડા આપણે આપણા અંતરાત્માને નહીં, પરંતુ બીજાને અનુસર્યા એને લઈને છે, પણ ભાઈ, બીજાને શું કામ અનુસરવું? આપણું જીવન છે તો આપણે આપણી શરતે કે આપણી માન્યતા મુજબ જ જીવવું જોઈએને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button