અમેરિકાનાં ફુગાવાની જાહેરાત પૂર્વે સોના-ચાંદીમાં ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ગત જુલાઈ મહિનાના ફુગાવાની થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સોના–ચાંદીના ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હોવાના નિર્દેશ છતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૩૮નો અને સોનાના ભાવમાં રૂ. ૧૩નો સુધારો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લે-વેચના અભાવ રહ્યો હતો, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૩૮ વધીને રૂ. ૮૦,૭૪૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સાવચેતીના અભિગમને કારણે સ્ટોકિસ્ટો અને રોકાણકારો નવી લેવાલીથી દૂર રહ્યા હતા, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી માગ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩ના સાધારણ સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૦,૧૭૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૦,૪૫૭ના મથાળે રહ્યા હતા.
આ પણ વાંચો : સોનામાં ₹ ૫૫૪નો ચમકારો, ચાંદી ₹ ૪૨૨નો ઘટાડો
આજે લંડન ખાતે સત્રના આરંભમાં અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે રોકાણકારોના સાવચેતીના વલણને કારણે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ૨૪૬૦.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ૨૫૦૦.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૭.૭૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગઈકાલે અમેરિકાના જુલાઈ મહિનાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સમાં બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ. જો આજે મોડી સાંજે જાહેર થનારા જુલાઈ મહિનાના ફુગાવામાં માસાનુમાસ ધોરણે ૦.૨ ટકાની વૃદ્ધિ સાથે ફુગાવો ૩.૨ ટકા આસપાસ રહેવાનો બજાર વર્તુળો અંદાજ મૂકી રહ્યા છે. વધુમાં આવતીકાલે(ગુરુવારે) જાહેર થનારા અમેરિકાના રિટેલ વેચાણના ડેટા પર પણ બજારની નજર રહેશે.
આજે જાહેર થનારા ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી તો સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૨૩૦૦ ડૉલર સુધી પહોંચી શકે છે, પરંતુ લાંબાગાળે અમેરિકન અર્થતંત્રમાં વૃદ્ધિ ધીમી પડતાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં નોંધપાત્ર ઘટાડો કરે તેમ હોવાથી સોનામાં તેજીનું વલણ જોવા મળે તેવી શક્યતા કેપિટલ ડૉટ કૉમનાં વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ વ્યક્ત કરી હતી.
વધુમાં ગઈકાલે એટલાન્ટ ફેડનાં પ્રમુખ રાફેલ બોસ્ટિકે જણાવ્યું હતું અમે વ્યાજદરમાં ઘટાડા માટે વધુ સકારાત્મક ડેટાની રાહ જોઈ રહ્યા છીએ. જોકે, આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો આગામી સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૫૪ ટકા શક્યતા દર્શાવાઈ રહી હતી.