લાડકી બહેન યોજના પર મહત્વનું અપડેટ, પ્રથમ હપ્તો….
મહારાષ્ટ્રના નાણાપ્રધાન અજિત પવારે રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રમાં ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન’ યોજનાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળશે. એટલે કે મહિલાઓના બેંક ખાતામાં દર વર્ષે 18,000 રૂપિયા જમા થશે.
અગાઉ એવી માહિતી આવી હતી કે રક્ષાબંધનના દિવસે રાજ્ય સરકારે લાભાર્થી મહિલાઓના ખાતામાં 3000 રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે, પણ હવે જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર 17 ઑગસ્ટના રોજ એટલે કે શનિવારે જ લાભાર્થી મહિલાઓના ખાતામાં પૈસા જમા કરશે. મહિલાઓના ખાતામાં બે મહિનાના હપ્તા એટલે કે 3000 રૂપિયા એકસાથે જમા થશે.
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મહિલાઓ માટે મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજના જાહેર કરી છએ. હાલમાં તો આ યોજનાની બધે ચર્ચા ચાલી રહી છે. આ યોજનામાં લાભાર્થી મહિલાઓને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો પ્રથમ હપ્તો શનિવારે એટલે કે 17 ઑગસ્ટે લાભાર્થી મહિલાઓના ખાતામાં જમા થશે. આ હપ્તો જમા કરાવવા માટે હવે માત્ર 3 દિવસનો જ સમય બાકી છે. આ યોજનાનો હેતુ જરૂરિયાતમંદ મહિલાઓને તેમનું ઘર ચલાવવા પૈસા મળે એ સુનિશ્ચિત કરવાનો છે.
મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજનાનો લાભ મેળવવા માટે, અરજદાર મહિલાઓના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. પરંતુ, એવી ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે જે મહિલાઓએ અરજી કરી છે તેમના બેંક ખાતાઓ આધાર કાર્ડ સાથે લિંક નથી. આ યોજના હેઠળ 1 કરોડ 35 લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, પરંતુ લાયક લાભાર્થીઓમાંથી, લગભગ 2.7 લાખ લાભાર્થીઓએ તેમના મહિલા બેંક ખાતાઓ સાથે તેમના આધાર નંબર લિંક કર્યા નથી. મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ દરેક જિલ્લામાં આ લાભાર્થીઓના બેંક ખાતા સાથે આધાર નંબર લિંક કરવા માટે વિશેષ અભિયાન ચલાવવાનો અને કોઈ પણ લાભાર્થી યોજનાથી વંચિત ન રહે એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.
દરમિયાન એમ પણ જાણવા મળ્યું છે કે મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન યોજના માટે 31 ઓગસ્ટ સુધીની સમયમર્યાદા અંતિમ નથી, પરંતુ અરજી પ્રક્રિયા સતત ચાલુ રહેશે. 31 ઓગસ્ટ પછી આવેલા પાત્ર લાભાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે.
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એવા સમયે આ યોજના જાહેર કરવામાં આવી હોવાથી વિરોધ પક્ષોને પ્રહારો કરવાનો મોકો મળી ગયો છે કે ચૂંટણીમાં લાભ ખાટવા માટે આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.