નેશનલ

‘હું પણ હળતાળમાં જોડાઇશ…’ TMCના સાંસદે રેસિડેન્ટ ડોક્ટરના વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું

કોલકાતાની મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા(Kolkata Rape and murder case)ના મામલે દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર ધીમી તાપસના આરોપ લગાવવામાં આવી રહ્યા છે, એવામાં એક સાંસદે મોટી જાહેરાત કરી છે. TMCના રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે (Sukhendu Sekhar Roy) કહ્યું છે કે તેઓ પણ ડૉક્ટરોની હડતાળમાં સામેલ થવાના છે.

સુખેન્દુની જાહેરાત મુજબ તેઓ આજે બુધવારે હડતાળ પર ઉતરેલા તબીબો સાથે જોડાશે. સુખેન્દુએ કહ્યું, ‘હું પ્રદર્શનકારીઓ સાથે જોડાવાનો છું. કારણ કે લાખો બંગાળી પરિવારોની જેમ મારી પણ એક પુત્રી અને એક નાની પૌત્રી છે. આપણે આ સમયે અવાજ ઉઠાવવો જોઈએ. મહિલાઓ સામે ક્રૂરતા બહુ થઇ ગઈ.

ટીએમસી સાંસદ સુખેન્દુ શેખરે કહ્યું, ‘ગમે તે થાય, ચાલો આપણે બધા સાથે મળીને આ ઘટનાનો વિરોધ કરીએ. આરજી કાર હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની બળાત્કાર અને ઘાતકી હત્યા કરવામાં આવી. એ લોકો કોણ છે? હવે સીબીઆઈ તપાસ કરશે. સારું મને સીબીઆઈમાં વિશ્વાસ નથી. તેઓ મૂર્ખ છે. હજુ સત્ય બહાર આવવાનું બાકી છે. હેવાનોને બચાવવાના પ્રયાસો કેમ થઈ રહ્યા છે? આ અપરાધ માટે જે પણ જવાબદાર છે તેને ફાંસીની સજા થવી જોઈએ.’
9 ઓગસ્ટના રોજ, કોલકાતાની આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો. ત્યારથી રેસિડેન્ટ ડોક્ટરો આ કેસમાં પીડિતાને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે. સરકારી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરના 31 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર પર 8 ઓગસ્ટની રાત્રે બળત્કાર ગુજારવામાં આવ્યો અને તેણી હત્યા કરવામાં આવી હતી.

ડૉક્ટરોની સંસ્થા ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA)ના ડૉક્ટરોનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર ડૉક્ટરો માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાગુ નહીં કરે ત્યાં સુધી તેમનું આંદોલન સમાપ્ત થશે નહીં. આંદોલનને કારણે ઓપીડી સહિતની અનેક સેવાઓ પ્રભાવિત થઈ રહી છે. જો કે, રેસીડેન્ટ ડોકટરોના સંગઠન ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA)એ તેની હડતાળ પાછી ખેંચી લીધી છે. દરમિયાન હવે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button