ખાંડમાં ₹ ૨૦નો સુધારો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તથા દેશાવરોની માગ જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૨૦થી ૩૬૭૦માં ટકેલા ધોરણે થયાના ઓવરનાઈટ અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ ખાસ કરીને સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે મિડિયમ ગ્રેડની ખાંડમાં માગ જળવાઈ રહી હોવા છતાં અમુક માલની ગુણવત્તા સારી આવી હોવાથી ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૨૦નો સુધારો આવ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી તેમ જ રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો જળવાઈ રહ્યો હતો. આજે હાજરમાં મુખ્યત્વે સ્મોલ ગ્રેડની ખાંડમાં રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતાં તેના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૫૦થી ૩૮૨૨માં થયા હતા.