ઈન્ટરવલ

એક કિલો સોનું પરત કરનારને ઠપકાપત્ર

લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય, તું મોં ધોવા નહતો ગયો, પણ આખે આખો નહાવા ગયો ને લક્ષ્મી બીજે ચાલી ગઇ!

વ્યંગ -ભરત વૈષ્ણવ

ચિરાગભાઇ,
ખુશ હશો. કેમ ન હો. ?સમાચારનો ખુમાર છવાયેલો હશે.
(જો કે ખુશીનો પ્યાલો જાતે ઢોળી દીધો છે!)
ખેર, અમને તો તમે ઓળખતા નહીં હો. હું ગિરધર ગરબડીયા, ઓનલી વન રિપોર્ટર ઓફ ‘બખડજંતર’ ચેનલ અને રાજુ રદી કેમેરામેન.

નવરાધૂપ ગિરધરભાઇ અને રાજુ રદીના રેવડી આશીર્વાદ. રેવડી આશીર્વાદ ફળશે તેવી બહુ આશા રાખવી નહીં. રેવડી આશીર્વાદ ભિખારીને તમે એક થી માંડીને દસ રૂપિયા આપો (સારું છે કે સરકારનું ધ્યાન ભિક્ષા પર ગયું નથી, નહીંતર તેને સેવા સેકટર ગણીને ગબ્બરસિંહ ટેકસ એટલે ૨૮% જીએસટી લગાવી દે.!)

ચિરાગ, તને બધા અભિનંદન આપતા હશે, તારી પ્રમાણિક્તા બિરદાવતા હશે. તને લોકો ચણાના ઝાડ પર ચડાવતા હશે. તને સ્વર્ગ એકાદ આંગળ છેટું લાગતું હશે. ભાઇ પ્રશંસા, કોને ન ગમે? ખુદાને ખુશામત પ્યારી હોય છે, તેવું કહેવાય છે. અરે, યાર તું તો માણસ છે. તને પણ વાહવાહીનો વાઇન ચડી ગયો હશે. પૃથ્વી પર અવતાર ધરી તે મહાન કાર્ય કર્યાનો અવર્ણનીય સંતોષ હશે. કેટલીય થનગનભૂષણ સંસ્થા તારું સન્માન કરવા થનગનતી હશે.એ બહાને એમને પબ્લિસિટી મળશે. એક ચાલીસ રૂપિયાના માત્ર એક હારથી સંસ્થાના સાડા તેત્રીસ હોદ્દેદારો તારું સન્માન કરશે. એકાદો મેડલ કે મેમેન્ટો આપશે. જેને બજારમાં વેચવા જઇએ તો અડધી ચા મળે તો અમને ફટ કહેજે.

બધો આ બધા વચ્ચે વાંક તારો છે. તું યાર, મધ્યમ વર્ગનો છે. મધ્યમ વર્ગનાં બાળકોના મનમાં મા-બાપ સંસ્કારો, નીતિ અનીતિ વગેરે ઠાંસી ઠાંસીને ભરી દે છે. જ્યારે છોકરો ઘરનું દ્વાર ઓળંગીને બહાર જાય ચોરી ચપાટી, ઠગાઈ, લુચ્ચાઈ, કૂડકપટ, લૂંટફાટ, ગાળાગાળી જુએ, અધર્મ જુએ તો પણ એના દિમાગમાં ભરેલ ભૂંસું જલદી નાશ પામતું નથી. પ્રમાણિકતાનું પૂંછડું છોડી શકાતું નથી અને એ અનીતિની અપ્સરાનો પાલવ પકડી દુનિયાભરના એશોઆરામ પામી શકાતા નથી.

ભગવાન છપ્પર ફાડીને દે એવું સાંભળ્યું છે. દરેક વખતે છાપરું ફાડીને આપ્યા પછી ચિત્રગુપ્તના ઓડિટના ખુલાસા કરીને મારો દીનાનાથ થાકી જાય છે. એટલે કદીમદી છાપરું ફાડ્યા વિના પણ જરૂરિયાતમંદને ન્યાલ કરે છે. જો બકા, તમે ટાટા બિરલાને ત્યાં જન્મ્યા નથી. તમે, સોના અગર ચાંદીના ચમચા સાથે જન્મ્યા નથી. તમે સોનાના ઘૂઘરે રમ્યા નથી. તારા મા- બાપ પણ સાધારણ પરિવારના સામાન્ય નાગરિક હશે તને ઋષિ સુનકની જેમ અમીર સસરા મળેલ નહીં હોય. તારા પગારમાંથી ઘરનું ગાડું માંડમાંડ ગબડતું હશે.

તને પૈસાની સખત જરૂર હશે. પૈસાદાર થવા પ્રાર્થના પણ કરી હશે. ગુજરાતમાં લોટરી પર પ્રતિબંધ છે, નહીંતર કેરળના રિક્ષા ડ્રાઇવર અનુપની જેમ લોટરીની ટિકિટ ખરીદી પચ્ચીસ કરોડ રૂપિયાનો માલિક બની શકે. તારા વદન પરથી તું વરલી મટકા રમી બે પાંદડે થાય
તેમ લાગતું નથી.તને ખંજર હુલાવી કે પોઇન્ટ બ્લેન્કથી ગોળી ચલાવીને કોકની ગેમ ફિનિશ કરવાની આવડત હોય તેવું લાગતું નથી. તું કોઇને ચૂનો ચોપડી લખપતિ થવાની ત્રેવડ ધરાવતો નથી. તું સાયબર ગબન કરવાની પાત્રતા ધરાવતો નથી.

ટૂંકમાં હાલના જમાનામાં પૈસાદાર થવાના એકપણ (અપ)લખણ ધરાવતો નથી. હમણા તારી જેમ ગ્રેજ્યુએટ માલિકની દીકરીએ કોઇના મળેલા પચ્ચીસ લાખ રૂપિયા મૂળમાલિકને પરત કરેલ!. આમ, તો અંગ્રેજીમાં કહેવાય છે તેમ આપણે ત્યાં પણ પીળું એટલું સોનું હોતું નથી તેમ કહેવાય છે. તમને ટોઇલેટમાંથી એક કિલો સોનાની ઇંટ મળી. તેને તરત જ સોની પાસે લઇ જવાની હોય. ચોવીસ કેરેટનું સોનું છે કે પિતળ છે તેની તપાસ કરાવવાની હોય.પછી સોનાની રોકડી કરી લેવાની હોય. પ્રમાણિક્તા-બ્રમાણિગતા માર્યા કરે!

લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય, એવી કહેવત છે. ચિરાગ, તું મોં ધોવા નહતો ગયો, પણ આખે આખો નહાવા ગયો અને લક્ષ્મી બીજે ચાલી ગઇ!
બોલો, ચિરાગભાઇ કોની ભૂલ? વાલિયો લૂંટારો ઘરે કુટુંબીજનોને પૂછવા ગયો હતો તેમ તમે પણ સોનું રાખવું કે ન રાખવા માટે કુટુંબીજનોનો અભિપ્રાય કેમ ન લીધો? દીકરો-દીકરી ભવિષ્યમાં તમારા નિર્ણયને સવાલના કઠેરામાં મુકશે ત્યારે તમે શું કરશો?

બીજા બધા અભિનંદન આપે છે. અમે તમને અભિનંદન
આપવા, પ્રશંસાની પુષ્પવૃષ્ટિ કે પોલ્સન લગાવવા પત્ર લખ્યો
નથી, પણ ઠપકો આપવા પત્ર લખ્યો છે. બકા, ઘરની સ્થિતિ
જોવી જોઇએ. પ્રમાણિક્તા ગઇ ધી-તેલ લેવા. એક કિલો સોનું તારી જિંદગી માલામાલ કરી દે તેમ હતું. તમે ચોરી કરી ન
હતી, ડકૈતી ડાલી નથી. પછી સોનું તારી પાસે રાખી ઐશ કરી શકાય.

પ્રમાણિકતાનું પૂંછડું પકડીને કોઇ પણ ધનાઢ્ય થઇ શકે? એનો જવાબ નકારાત્મક છે. ચિરાગ, તમે એક કિલો સોનું પરત કર્યું. બદલામાં શું મળ્યું? એક ચાંદીનો સિકકો? કેટલા ગ્રામનો તેનો ઉલ્લેખ નથી.એક કિલો સોનું પરત કરવામાં આવે તો સોનાનો સિક્કો કે આઉટટર્ન પ્રમોશન આપ્યું હોત તો પ્રમાણિક્તાની સાચી કદર કરી કહેવાત.

લિખિતંગ,
તમારા લાભચિંતક,
ગિરધરભાઇ અને રાજુ રદી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button