આમચી મુંબઈ

મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવ્યો એક કોલ, કોલરે કહ્યું કે…

મુંબઈ: અનંત ચતુર્થીને ધ્યાનમાં લઈને આખા શહેરમાં કડક બંદોબસ્ત છે. આવી પરીસ્થિતિમાં મુંબઈ પોલીસને આવેલા એક કોલને પગલે આખું તંત્ર દોડતું થઈ ગયું હતું. મુંબઈ પોલીસને આવેલા એક કોલમાં ફોન કરનારે એવું જણાવ્યું હતું કે કેટલાક પાકિસ્તાની માછીમારો મુંબઈમાં આવ્યા છે. જોકે તપાસ બાદ ફોન કરનારે ખોટી માહિતી આપી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પણ આરોપીએ આ અગાઉ પણ આવા જ કોલ કર્યા હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર અનંત ચતુર્થીના આગલા દિવસે એટલે કે બુધવારે સાંજે આશરે 5.30 વાગ્યે એક વ્યક્તિએ મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને મુંબઈમાં એક પાકિસ્તાની માછીમાર આવ્યો છે. ફોન કરનારે પોલીસને સિદ્ધાર્થ નગર, ગોરેગાંવ પશ્ચિમનું સરનામું આપ્યું હતું. ગણેશોત્સવને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. એટલું જ નહીં આ અંગે ક્રાઈમ બ્રાંચ, એન્ટી ટેરરિઝમ સ્ક્વોડને પણ જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસને પણ આ બાબતની માહિતી આપવામાં આવી હતી.


દરમિયાન તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું કે આરોપીએ આપેલી માહિતી સદંતર ખોટી હતી અને તેણે આ અગાઉ પણ 2022માં આરોપીએ 110 કંટ્રોલ રૂમને આ જ પ્રકારની ખોટી માહિતી આપતો ફોન કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસ દ્વારા અનંત ચતુર્થીના દિવસે વિસર્જન નિમિત્તે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


શહેરમાં ગણેશોત્સવ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે, પોલીસે મોટા સાર્વજનિક ગણેશ મંડળો, વિસર્જન સ્થળો, ભીડવાળા સ્થળો, બજારો અને સંવેદનશીલ સ્થળોએ સીસીટીવી કેમેરા, વોચ ટાવરની મદદથી સાદા વસ્ત્રોમાં પેટ્રોલીંગ કરી ચાંપતી નજર રાખી છે. 8 એડિશનલ પોલીસ કમિશનર, 25 ડેપ્યુટી કમિશનર, 45 મદદનીશ પોલીસ કમિશનર, 16 હજાર 250 પોલીસ એન્ફોર્સર્સ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button