મથુરામાં ટ્રેન અકસ્માતમાં મોટા ખુલાસા, ટ્રેનના લોકો પાઇલટે કર્યું હતું આ પરાક્રમ
મથુરા: ઉત્તર પ્રદેશના મથુરા જંક્શન ખાતે બુધવારે વહેલી સવારે એક ખતરનાક ટ્રેન અકસ્માતનું નિર્માણ થયું હતું, જે પ્રાથમિક તબક્કે માનવસર્જિત હોવાનું પુરવાર થઈ રહ્યું છે. આ અકસ્માતમાં ટ્રેનના લોકો પાઇલટે દારૂના નશામાં ભાન ભૂલીને ટ્રેન પ્લેટફોર્મ પર ચઢાવી દીધી હતી. આ બાબતમાં તાકીદની વિભાગીય તપાસમાં ચોંકાવનારા ખુલાસા કરાયા છે.
ટ્રેનના મોટરમેનની કેબિનમાં અન્ય લોકો પણ હતા અને દારૂના નશામાં હોવાની સાથે મોબાઈલ (વીડિયો કોલ)માં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું હતું. આ મુદ્દે લોકો પાઇલટ અને અન્ય સામે કાર્યવાહી કરતા તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બનાવ મથુરા જંક્શન ખાતે લોકલ ટ્રેન (ઈએમયુ)ના પાઇલટે સ્ટોપર તોડીને પ્લેટફોર્મ-2 પર ચઢાવી દીધી હતી. આ ઘટનાની સંયુક્ત તપાસમાં રેલવે કર્મચારીની ગંભીર બેદરકારી બહાર આવ્યા બાદ લોકો પાઈલટ સહિત પાંચ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ટ્રેનના આગમન પછી જ્યારે કર્મચારી એન્જિન કેબિનમાં પ્રવેશ્યો ત્યારે તે દારૂના નશામાં હતો અને તેણે તેની બેગ થ્રોટલ (થ્રોટલ એન્જિનમાં એક્સિલરેટર તરીકે કામ કરે છે, જે ટ્રેન ઝડપ વધારવા કે ઘટાડવા) પર મૂકી દીધી હતી.
ક્રૂ વોઈસ એન્ડ વિડિયો રેકોર્ડિંગ સિસ્ટમ (CVVRS) મારફત અનેક બાબત જાણવા મળી હતી. આ ઉપરાંત, વિભાગીય તપાસ રિપોર્ટ અનુસાર જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે કર્મચારી સતીશ એન્જિન કેબિનમાં પ્રવેશ્યો અને પોતાના મોબાઈલ ફોનને જોઈ રહ્યો હતો. તેણે પોતાની બેગ થ્રોટલ પર મૂકી અને ફરી મોબાઈલ ફોનમાં વ્યસ્ત થઈ ગયો હતો. જોકે, થ્રોટલ પર દબાણ લાગુ પડતાં જ લોકલ ટ્રેન (EMU) આગળ દોડી અને OHE વાયર પોલ તોડીને પ્લેટફોર્મ-2 પર ચઢી ગઈ હતી.
આ દુર્ઘટના માટે જવાબદાર માનતા કર્મચારી પૈકી લોકો પાઈલટ ગોવિંદ હરિ શર્મા, સહાયક સચિન, ટેકનિશિયન III કુલજીત, ટેકનિશિયન I બ્રજેશ અને હરભજન કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બનાવની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.