iPhone 15 મેળવો ફ્રીમાં… તમને પણ આવ્યો છે આવો મેસેજ?
નવી દિલ્હીઃ હાલમાં જ એપલે પોતાનો બહુ લાંબા સમયથી લોકો જેની રાહ જોઈ રહ્યા હતા એવો iPhone 15 લોન્ચ કર્યો છે અને ભારત સહિત દુનિયામાં આ ફોનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. iPhone 15ને લઈને ફેન્સમાં ખુબ જ ક્રેઝ જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે, એપલ સ્ટોરની સામે લાંબી ગ્રાહકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી છે. પણ આજે આપણે અહી વાત કરી રહ્યા છીએ iPhone 15ના નામે કરવામાં આવી રહેલી છેતરપિંડીની. iPhone 15ને લઈને લોકોના આ પાગલપનનો ફાયદો સાયબર ફ્રોડ કરનારાઓ ઊંચકી રહ્યા છે. સાઈબર ક્રિમિનલ્સે લોકોને છેતરવા માટે જાળ બિછાવ્યો છે.
સ્કેમર્સ ઈન્ડિયન પોસ્ટના નામે મેસેજ મોકલીને લોકોને ફ્રીમાં iPhone15 આપવાની લાલચ આપવામાં આવી રહી છે. પરંતુ હવે ઈન્ડિયન પોસ્ટે હવે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી એક પોસ્ટ કરીને યુઝર્સને આવા પ્રકારના સ્કેમ્સથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.
જો તમને પણ કોઈ ફ્રીમાં આઈફોન 15 જીતવાની લાલચ આપતો મેસેજ કે ફોન આવી રહ્યો છે તો તમારે સાવધ થઈ જવાની જરૂર છે, કારણ કે આ એક પ્રકારનો ટ્રેપ છે તમને ફસાવવા માટેનો.
ઈન્ડિયા પોસ્ટના નામથી જે મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોને મોકલવામાં આવી રહ્યો છે, તેમાં એવું જણાવવામાં આવ્યું છે કે, આ લકી વિનર મેસેજ પોસ્ટને 5 ગ્રુપ અને 20 મિત્રો સાથે શેર કરીને તમે એક નવો નક્કોર iPhone15 જીતી શકો છો.
જોકે ઈન્ડિયા પોસ્ટ દ્વારા એક પોસ્ટ કરીને આ મેસેજ એકદમ ફેક હોવાનું જણાવવામાં આવ્યું છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા લોકોને આવા કૌભાંડથી સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટના ઓફિશિયાલ ટ્વીટર હેન્ડલ પર, મૂકવામાં આવેલી પોસ્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે “કૃપા કરીને સાવધ રહો! ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ અનઑફિશિયલ પોર્ટલ કે પછી લિંક પર કોઈપણ પ્રકારની ગિફ્ટ નથી ઑફર કરી રહ્યું. ઈન્ડિયા પોસ્ટ સંબંધિત કોઈપણ માહિતી મેળવવા કે જાણવા માટે, માત્ર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
સ્કેમર્સ લોકોને લિંક મોકલીને તેમના બેંક એકાઉન્ટ્સ ખાલી કરી રહ્યા છે. આ લિંક્સની સાથે માલવેર પણ હોઈ શકે છે. લિંક પર ક્લિક કરતાં જ આ માલવેર ફોન કે કમ્પ્યુટરમાં એન્ટર થઈ જાય છે અને ત્યાર બાદ તે યૂઝર્સની તમામ મહત્વપૂર્ણ જાણકારીઓ સ્કેમર્સને પહોંચાડતા રહે છે કે પછી અમુક કિસ્સામાં તો તમને આ લિંક સીધુ જ એ વેબસાઇટ પર રીડાયરેક્ટ કરી શકે છે જે તમારી વ્યક્તિગત માહિતી ચોરવા માટે સક્ષમ હોય છે. એટલે આવા કોઈ પર પ્રકારના લલચાવનારા મેસેજથી સાવધ રહો નહીં તો તમારું બેંકનું ખાતું ખાલી થઈ શકે છે.