તરોતાઝા

સાવધાન! એન્ટિબાયોટિક્સનો આડેધડ ઉપયોગસૂકા ભેગું લીલું પણ બાળી શકે છે

આવી દવાઓના સમજ્યા વગરના ઉપયોગથી ઉત્પન્ન થતી ‘ડિસબાયોસિસ’ નામની બીમારી શરીર માટે જોખમી સાબિત થઇ શકે છે

કવર સ્ટોરી -પ્રથમેશ મહેતા

એન્ટિબાયોટિક્સની ગણના એક સમયે ચમત્કારીક ઔષધિ તરીકે થતી હતી.જીવલેણ ચેપી રોગો સામે લડત આપતી આ દવાઓનો અસંખ્ય દર્દીઓને સાજા કરવામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે. જોકે, તેનો વધુ પડતો સમજ્યા વગરનો ઉપયોગ શરીરને ભારે પડી શકે છે.

ચેન્નઇની એપોલો હૉસ્પિટલના ચેપીરોગોના નિષ્ણાત અબ્દુલ ગફુરના મંતવ્ય મુજબ એન્ટિબાયોટિક્સ શરીરમાં રહેલા હાનિકારક ચેપી બૅક્ટેરિયાનો તો સફાયો કરે છે, સાથે સાથે આપણા શરીરને ઉપયોગી હોય તેવા બૅક્ટેરિયાનો પણ ખાતમો બોલાવી શકે છે. એન્ટિબાયોટિક્સના ઉપયોગથી સૂકાભેગું લીલું પણ બળી જાય એવો ઘાટ ઊભો થાય છે, કારણ કે એન્ટિબાયોટિક્સને સારા બૅક્ટેરિયા અને હાનિકારક બૅક્ટેરિયા વચ્ચેનો તફાવત સમજાતો નથી.

તેમના કહેવા મુજબ એન્ટિબાયોટિક્સ, ખાસ કરીને બ્રોડ સ્પેક્ટ્રમ પ્રકારના એન્ટિબાયોટિક્સ આંતરડામાં રહેલા લાભકારી બૅક્ટેરિયાનો પણ નાશ કરી શકે છે. જે શરીરમાં ભારે કબજિયાત પેદા કરી શકે છે. આપણી રોગપ્રતિકારક શક્તિને પણ ખોરવી શકે છે. વૈદકીય ભાષામાં આ બીમારી ડિસબાયોસિસના નામે ઓળખાય છે. આપણા શરીરમાં અનેક લાભકારક બૅક્ટેરિયા, ફૂગ અને વિષાણુઓનો શંભુમેળો હોય છે જેને માઇક્રોબાયોમ કહેવાય છે. આપણા શરીરના કોષોની સંખ્યા કરતાં પણ આ શંભુમેળાઓની સંખ્યા વધુ હોય છે. અનેક ઉપયોગી પોષકદ્રવ્યો અને વિટામિન્સ ધરાવતા આ સૂક્ષ્મ જીવાણુઓ શરીરમાંથી વિષદ્રવ્યોનો નાશ કરવા, પાચનક્રિયાને સુદઢ રાખવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે, પરંતુ જો તેનો જ સફાયો આપણે લીધેલા આડેધડ એન્ટિબાયોટિક્સ વડે થાય તો લેવાના દેવા પડી જાય છે.

આપણાં આંતરડા અને મગજ વચ્ચે સીધો સંબંધ છે એટલે ડિસબાયોસિસની ખરાબ અસરથી મગજની કામગીરી પણ ખોરવાઇ શકે છે, કારણ કે મગજમાં રહેલા ન્યૂરોટ્રાન્સમીટરના સ્તરને બદલીને નુકસાન પહોંચાડી શકે છે. મગજની કાર્યક્ષમતા, સમજણશક્તિ અને સ્મરણશક્તિ પર પણ ખરાબ અસર થઇ શકે છે. માણસ ચિંતા અને તણાવગ્રસ્ત થઇ શકે છે. આંતરડા અને મગજ સાથે જોડાયેલી ધરી બન્ને વચ્ચે સંદેશાઓની આપ લે કરે છે. એક અંગને અસર થાય તો તેની અસર બીજા અંગને પણ થાય છે. આ ધરી ચામડીની તંદુરસ્તી સાથે જોડાયેલી છે. ડિસબાયોસિસની બીમારી લાગુ પડે તો ચામડીને પણ અસર થાય છે. ખીલ, ફોડલી કે સોરાયસીસ પણ થઇ શકે છે. ચયાપચયની ક્રિયા પર પણ ખરાબ અસર થાય છે. જેને કારણે મેદસ્વીપણું અને ડાયાબિટીસ પણ થઇ શકે છે. માત્ર આંતરડા પર જ નહીં, શરીરનાં બીજાં અંગો પર પણ ઉપકારક જીવાણુઓ હોય છે. એન્ટિબાયોટિક્સના અણઘડ પ્રયોગથી એ અંગો પણ રોગગ્રસ્ત બની શકે છે. જેમ કે, આપણા શ્ર્વસન માર્ગ પર પણ આવા જીવાણુઓ (માઇક્રોબાયોમ્સ) હોય છે જે શ્ર્વસન તંત્રને સાબૂત રાખે છે, પણ એ જ જીવાણુઓના જીવ પર મંડરાય તો અસ્થમા તેમ જ શ્ર્વાસને લગતી અન્ય બીમારીઓનો આપણે ભોગ બની શકીએ છીએ. આ જ રીતે આપણા પ્રજનાંગોમાં હાજર મિત્ર જીવાણુઓની ખુવારી થાય તો મૂત્રમાર્ગ અનેક ચેપીબીમારીઓનો ભોગ બની શકે છે.

અનેક નિરુપદ્રવી જીવાણુઓ આપણા વિવિધ અંગો પર વસતા હોય છે જે, જે તે અંગોમાંથી પોષણ મેળવતા રહે છે અને જ્યારે કોઇ વિષકારક જ્ંતુઓ આવે તો તેમનો સામનો કરી અંગો પર ચોંંટી જતા અટકાવે છે. પણ આ જ એન્ટિબાયોટિક્સના વિવેકરહિત ઉપયોગથી આ નિરુપદ્રવી લાભકારક જીવાણુઓનો નાશ થાય છે અને હાનિકારક જીવાણુઓ જે -તે અંગ સાથે જોડાઇને તેની ક્રિયાઓને ખોરવી નાખે છે અને આપણે વિવિધ બીમારીઓનો ભોગ બનીએ છીએ. લાભકારી જીવાણુઓને હટાવી તેમની જગ્યા પર વિષકારક જીવાણુઓ કબજો જમાવે તેને વૈદકીય ટર્મમાં કોલોનિસેશન કહેવાય છે. એન્ટિબાયોટિક્સના અતિરેકથી ઉપયોગી જીવાણુઓનો કોલોનિસેશનની પ્રતિરોધક શક્તિ (રેઝિસ્ટન્સ પૉવર) ઘટી જાય છે.

જોકે, એન્ટિબાયોટિકના અતિરેકને ટાળવા વૈકલ્પિક સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય જેમ કે, શરીરમાં ચોખ્ખાઇ, રસીકરણ અને નિષ્ણાતની સલાહ લઇ બૅક્ટેરિયોફેજીસનો ઉપયોગ કરી શકાય જેથી ફક્ત એન્ટિબાયોટિક્સ પર જ આધાર રાખવા ન પડે.

એન્ટિબાયોટિક્સની શોધ થઇ ત્યારે બીમારી દૂર કરવાની દિશામાં એક ક્રાંતિકારક પગલું હતું, પરંતુ એનો દુરુપયોગ ઘણા ગંભીર પરિણામ પેદા કરે છે. દવાનો દુરુપયોગ વિષ બની જાય છે તેનો આ જીવતો જાગતો દાખલો છે. એક બાજુ તે ચેપી રોગોને દૂર કરી માણસનું જીવન બચાવે છે તો બીજી બાજુ તેનો દુરુપયોગ માણસની તબિયત બગાડી મૂકે છે. આથી નિષ્ણાતની સલાહ લીધા વગર મનફાવે એમ આવી ગોળીઓ લેવાથી ગંભીર સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

આપણી અંદરના લાભકારક જીવાણુઓને જાળવી રાખી, હાનિકારક જીવાણુઓનો નાશ કરે તેવી સમતુલા જાળવતી એન્ટિબાયોટિક્સનો ડૉક્ટરની સલાહ મુજબ જ ઉપયોગ કરવો. ઇન્ટરનેટ પર જોઇને પોતે જ પોતાના ડૉક્ટર બની જઇને આડેધડ ઔષધિ લેવાનું ટાળવું જોઇએ. દરેક એન્ટિબાયોટિક લેતા પહેલાં તેની ઉપયોગિતા અને આડઅસર વિશે ડૉક્ટર્સ પાસેથી જાણી લેવું જોઇએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ