બોલો, પાલઘરની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકોની જગ્યાએ જુગારના પત્તા જોવા મળ્યા
પાલઘર: સ્કૂલ એટલે વિદ્યાનું મંદિર. સ્કૂલ દરેકના જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સારા શિક્ષણને કારણે સારા સારા વિદ્યાર્થીનું ઘડતર થાય છે. આદર્શ શિક્ષક વિદ્યાર્થીનું જીવન ઘડતર કરી સાચા અર્થમાં રાષ્ટ્રનું ઘડતર કરે છે. પણ પાલઘરની સ્કૂલમાં જોવા મળેલ દ્રશ્ય આ તમામ વાતો પર પાણી ફેરવી દે તેવું છે. તલાસરી તાલુકામાં આવેલ સૂત્રકાર ડોંગરપાડા જિલ્લા પરિષદની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકોની જગ્યાએ જુગારના પત્તા હોવાની આઘાતજનક ઘટના બની છે. એટલું જ નહીં પણ આ વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષકે રોજીંદા વેતન પર એક નિવૃત્ત શિક્ષકને પણ રાખ્યો હોવાની વિગતો જાણવા મળી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્કૂલના ક્લાસમાં જ વિદ્યાર્થીઓ પત્તા રમતાં હોય એવો ફોટો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ આ સ્કૂલના મુખ્ય શિક્ષકે રોજીંદા વેતન પર શિક્ષક રાખ્યો હોવાની વિગતો પણ જાણવા મળી છે. ત્યારે આ શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ભણતર સાથે ચેડાં થતાં હોવાનું દેખાઇ રહ્યું છે. સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે સરકાર પાસેથી મોટો પગાર લેવાનો અને પોતે સ્કૂલમાં ન જતાં ઓછા પૈસે ડમી ટિચર રાખી લેવાની ઘટના તલાસરીમાં બની છે.
તલાસરીમાં જિલ્હા પરિષદની એક થી ચાર ધોરણની સ્કૂલ ચાલે છે. આ સ્કૂલમાં માત્ર એક ટિચર અને 14 વિદ્યાર્થીઓ છે. ત્યારે સરકાર પાસેથી મોટા પગારે શિક્ષક તરીકે ફરજ બજાવનારને ભણાવવાનો કંટાળો આવી રહ્યો છે અને તેણે 300 રુપિયા રોજ પર એક શિક્ષક એપોઇન્ટ કર્યો છે. અને આ શિક્ષક પણ આરામ કરતો બેસી રહે છે અને અહીં બાળકો પુસ્તકો છોડી જુગારનો દાવ લગાવી રહ્યાં છે.