આમચી મુંબઈ

નવી મુંબઈ એરપોર્ટ પર પહેલું વિમાન એરફોર્સનું ઉતરશે

ઇન્ડિયન એર ફોર્સ દ્વારા આવતા મહિને ટ્રાયલ રન યોજાશે

મુંબઈ: આવતા વર્ષે માર્ચ મહિનામાં નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ(એનએમઆઇએ) શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે ત્યારે આવતા મહિને આ એરપોર્ટ પર વિમાન ઉતરાણ(લેન્ડીંગ) માટે ટ્રાયલ યોજવામાં આવશે. ટ્રાયલના ભાગરૂપે ઇન્ડિયન એર ફોર્સ તેનું ટ્રાયલ એરક્રાફ્ટ અહીં લેન્ડ કરશે.

આ એરક્રાફ્ટનું લેન્ડીંગ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડીંગ સિસ્ટમ(આઇએલએસ) કમિશન થયા બાદ એરફોર્સનું એરક્રાફ્ટ પોતાની યાત્રા આરંભશે. એરપોર્ટ ઉપયોગમાં લેવા માટે તૈયાર છે કે નહીં તે જાણવા અને આ એરપોર્ટ માટે ફ્લાઇટનો રૂટ યોગ્ય છે કે નહીં તેની ખાતરી કરવાના ભાગરૂપે આ ટ્રાયલ યોજવામાં આવશે. આઇએલએસ દ્વારા બે રેડિયો બીમની મદદથી પાઇલટને ચોક્કસપણે લેન્ડીંગ કરવાની સહાય પૂરી પાડવામાં આવે છે. ગયા મહિને એરપોટર્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા(એએઆઇ) દ્વારા આઇએલએસ ટેસ્ટીંગ(ચકાસણી) કરવામાં આવી હતી, પરંતુ અહીં ભારે વરસાદના કારણે આ ટેસ્ટ પૂરી થઇ શકી નહોતી.

જેને પગલે બારમી ઓગસ્ટથી ફરીથી ટેસ્ટીંગ શરૂ કરવાની યોજના છે, જેના કારણએ છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી વિમાનસેવા પર સોમવારે અને મંગળવારે સવારે અગિયાર વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી અસર થઇ શકે છે.

આ પણ વાંચો : AAI નવી મુંબઈ એરપોર્ટ માટે લેન્ડિંગ સિસ્ટમનું પરીક્ષણ શરૂ કરશે

સામાન્ય રીતે અહીં બાવીસથી પચ્ચીસ વિમાનોનું ઉતરાણ થાય છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ફક્ત 18 વિમાન લેન્ડ થશે . જોકે, અહીંથી ઉપડતા વિમાનોની સેવા પર કોઇ અસર થશે નહીં, તેમ એએઆઇના અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 2021માં અદાણી ગ્રુપ દ્વારા સિડકો(સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) પાસેથી એરપોર્ટનો ક્ધટ્રોલિંગ સ્ટેક(એરપોર્ટ ચલાવવાની સત્તા) હાંસલ કરવામાં આવ્યો હતો. હાલ અદાણી ગ્રુપ દ્વારા જ એરપોર્ટના ક્ધસ્ટ્રક્શન પ્રોજેક્ટ અને તેનું મેનેજમેન્ટ સંભાળવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 16,700 કરોડ રૂપિયાનો હોવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને રન-વેનું બાંધકામ લગભગ પૂરું થઇ ગયું હોવાનું પણ એક અધિકારીએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આ એરપોર્ટ સંપૂર્ણપણે તૈયાર કરવાની કામગિરી પાર પાડવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે. જેથી ચૂંટણી પહેલા લોકોને રાજ્યમાં વિકાસ થયો હોવાનું જણાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button