ઘરકંકાસથી કંટાળીને પતિ અને દિયરે પત્નીનું ઢીમ ઢાળી દીધું: ખોપરી મળતા ઉકેલાયો હત્યાનો ભેદ
ધોરાજી: આજથી પાંચ દિવસ પહેલાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ પાસે એક સાંકળી ગામ જવાના રસ્તે બંધ કારખાનામાંથી માનવ કંકાલની ખોપરી મળી આવતા ભારે ચકચાર મચ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી. સૌપ્રથમ પોલીસે હત્યાની શંકા વ્યક્ત કરી હતી જો કે અંતે પોલીસને આ મામલે તપાસમાં હત્યા થઈ હોવાના પુરાવા મળી આવ્યા હતા. ઉત્તર પ્રદેશ સુધી આંબેલ કેસની કડીઓને જોડીને પોલીસે મામલે ભેદ ઉકેલ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસ પહેલાં ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે આવેલા એક કારખાનામાંથી દાટેલી હાલતમાં માનવ ખોપડી મળી આવવી હતી. જેને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ આ મામલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં આ ખોપડી એક મહિલાની હોવાનું અને તે મહિલાને નવ મહિના પહેલાં પતિ અને દિયરે સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધાનું ખૂલ્યું હતું. પોલીસે કેસનું પગેરું કાઢીને બંને આરોપીને ઉત્તરપ્રદેશના ઈટાવાથી પકડી લઈ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
આ પણ વાંચો : હીરાની ચમક પાછળ અંધકાર, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇનના ફોન સતત રણકી રહ્યા છે….
પોસ્ટ માર્ટમ રિપોર્ટ અનુસાર ખોપરી કોઇ મહિલાની હોવાનુ અને તેની હત્યા થઈ હોવાનું ખૂલ્યું હતું. ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શંકાના દાયરામાં રહેલા બે આરોપી વિપિન યાદવ અને સૌરભસિંઘની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરીને પૂછપરછ આદરી હતી. પૂછપરછ દરમિયાન મહિલાની હત્યા થી હોવાની વાત ખૂલી હતી. મૃતક મહિલા સંચા પર કામ કરી રહી હોય ત્યારે બંને આરોપીએ તેને ગળેટૂંપો આપ્યો હતો અને બીજાએ તેનું મોઢું દબાવી રાખ્યું હોવાની હોવાની કબૂલાત આપી હતી. ઘરકંકાસથી કંટાળી ખુદ પતિએ જ તેના ભાઈ સાથે મળી હત્યા નિપજાવી લાશ દાટી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ ઘટના તારીખ 6 ઓગષ્ટના રોજ ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે આવેલા બંધ કારખાનામા સાફસફાઇ દરમિયાન કારખાના અંદર કુંડીમાં માનવ ખોપરી દાટેલી હોવાની હકીકત મળતા ધોરાજી તાલુકા પોલીસે તપાસ કરી હતી. રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, પીઆઈ ડી.જી.બડવા, એસઓજી પીઆઈ એફ.એ.પારઘી, ધોરાજી પીઆઈ આર.જે.ગોધમ, પીએસઆઈ બી.સી.મિયાત્રા સહિતની ટીમે ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લાના નગલાદયા ગામેથી વિપીન દિવાનસિંઘ યાદવ અને તેના ભાઈ સૌરભસિંઘ દિવાનસિંઘ યાદવને પકડી પાડ્યા હતા.