આમચી મુંબઈમહારાષ્ટ્ર

હું મુખ્ય પ્રધાન બન્યો એ જ વિપક્ષની પીડા છેઃ શિંદે શા માટે બોલ્યા?

મુંબઈ: રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની જાહેરાતના વાતાવરણમાં રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં તમામ નેતાઓ રાજ્યનો પ્રવાસ, મતવિસ્તારની સમીક્ષા, પદાધિકારીઓની બેઠકો વગેરે બાબતોમાં પ્રવૃત્ત જોવા મળે છે. જોકે આ પરિસ્થિતિમાં રાજ્યમાં મરાઠા અને ઓબીસી અનામતના મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે ત્યારે તાજેતરમાં એકનાથ શિંદેએ વિપક્ષ પર મોટો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે હું સીએમ બન્યો જ વિપક્ષની મોટી પીડા છે.

શિવસેનાના સંસદ સભ્ય સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરી હતી. હવે ઠાકરે જૂથની ટીકાનો જવાબ આપતા શિંદેએ મહાવિકાસ આઘાડી (MVA) પર આકરા પ્રહારો કરી શિંદેએ જણાવ્યું છે કે ‘હું મુખ્ય પ્રધાન બન્યો એ વિપક્ષને પેટમાં દુખે છે. ઉઠતા, બેસતા અને સપનામાં પણ તેમને હું જ દેખાઉં છું.’

એકનાથ શિંદેએ વિશેષમાં શું કહ્યું?
ઠાકરે જૂથ પર તોપ તાકી શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે ‘જે રીતે મોગલોના ઘોડાઓને પાણીમાં પણ સંતાજી – ધનાજી દેખાતા હતા તેવી જ રીતે વિપક્ષને હું દેખાઈ રહ્યો છું. મહા યુતિની સરકાર બની એ તેમનાથી સહન નથી થતું. હું (એકનાથ શિંદે) મુખ્ય પ્રધાન બની ગયો એ તેમના પેટમાં દુખે છે. આજે સરકાર પડી જશે, કાલે પડી જશે એવું સતત તેઓ કહેતા રહ્યા, પરંતુ બે વર્ષમાં સરકારને ઊની આંચ નથી આવી.

આ પણ વાંચો : લાડકી બહેન માટે અફવાઓ ફેલાવનારા સાવકા ભાઈથી સાવધાન: એકનાથ શિંદે

અમારી યોજનાના બેનર કેમ લગાવો છો?
અમારી સરકારને ગેરબંધારણીય સરકાર અને મને ગેરબંધારણીય મુખ્ય પ્રધાન કહેનારા અમારી યોજનાના ફોર્મ શું કામ ભરે છે? અમે દાખલ કરેલી યોજનાઓના બેનર કેમ લગાવે છે? આ બેવડા ધોરણ છે. વિપક્ષને મારી બહેનો અને વહાલા ભાઈઓ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ ફક્ત લઈ જાણે છે, દઈ નથી જાણતા.’

પૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહે આરોપ મૂક્યો છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન હતા ત્યારે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને મુશ્કેલીમાં મુકવા દબાણ કર્યું હતું. એ વિશે શિંદેએ કહ્યું હતું કે ‘આ હકીકત છે. દેવેન્દ્ર ફડણવીસ અને ગિરીશ મહાજન વિરોધ પક્ષમાં હતા. વિરોધ પક્ષોને મુશ્કેલીમાં મુકવા એ સમજી શકાય એવી વાત છે. જોકે હું તેમની સરકારમાં સહયોગી હોવા છતાં પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો એ હકીકત છે. એ વિશે હું યોગ્ય સમયે વાત કરીશ.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button