ટોપ ન્યૂઝનેશનલ

‘અનિશ્ચિતતા વધશે…’, સુપ્રીમ કોર્ટે UGC-NET પરીક્ષા અંગે અપ્યો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ(UGC-NET) પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે (Supreme Court) મહત્વનો નિર્ણય આપ્યો છે, પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી કેટલાક ઉમેદવારોની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ સમયે આ અરજીઓ સાંભળવાથી “અરાજકતા” સર્જાશે. આ અરજી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ મૂકવામાં આવી હતી.

ત્રણ સભ્યોની બેન્ચે આ મામલે કહ્યું કે સરકાર 21 ઓગસ્ટે નવી પરીક્ષાઓ યોજી રહી છે અને આ સમયે વિદ્યાર્થીઓના મનમાં “શાંતિ”ની લાગણી હોવી જોઈએ. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 9 લાખ છે. પ્રવીણ દબાસ અને અન્યો દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, “સુપ્રીમ કોર્ટ અરજી સાંભળશે તો ગંભીર અસર થશે અને મોટા પાયે અરાજકતા સર્જાશે.”

યુજીસી નેટની પરીક્ષા 18 જૂને યોજાઈ હતી અને તેના એક દિવસ પછી રદ કરવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “હાલના તબક્કે અરજી પર વિચાર કરવાથી માત્ર અનિશ્ચિતતા વધશે અને એકંદર અરાજકતા સર્જાશે. કેન્દ્ર સરકારે NEET-UG વિવાદ પછી સરકારે બે ગણી સાવધાની રાખવી જોઈએ અને તેથી જ અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. હવે પ્રક્રિયાને ચાલવા દેવી જોઈએ.”

આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે એક PIL ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે પીડિત વિદ્યાર્થીઓ દ્વારા નહીં પરંતુ વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસે આ મામલે વકીલને કહ્યું હતું કે, “તમે (વકીલ) શા માટે આવ્યા છો? વિદ્યાર્થીઓને જાતે જ અહીં આવવા દો.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button