કોણ બનશે BJP ના નવા અધ્યક્ષ ? ભાજપ અને સંઘ પદાધિકારીઓનું મનોમંથન
નવી દિલ્હી : ભાજપ(BJP)અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દિલ્હીમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને કાર્યકારી અધ્યક્ષ અંગે ચર્ચા કરવામાં આવી હોવાની શક્યતા છે. આ બેઠકમાં ભાજપમાંથી જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહે હાજરી આપી હતી. જ્યારે આરએસએસના દત્તાત્રેય હોસાબલે અને અરુણ કુમારે બેઠકમાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હાલ ભાજપના અધ્યક્ષ તરીકે યથાવત રહી શકે છે. જો કે, જેપી નડ્ડા થોડા મહિનાઓ માટે જ પ્રમુખ રહેશે.
જેપી નડ્ડા પ્રમુખ પદની સાથે આ મંત્રાલયો સંભાળી રહ્યા છે
જેપી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે. 2024ની લોકસભા ચૂંટણી બાદ તેઓ મોદી કેબિનેટમાં આરોગ્ય, રસાયણ અને ખાતર મંત્રાલય સંભાળી રહ્યા છે. આવી સ્થિતિમાં પાર્ટી ફરી એકવાર જેપી નડ્ડાને થોડા મહિના માટે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે.
આ પણ વાંચો :Election 2024 : ભાજપે મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીને લઇને કવાયત તેજ કરી
ભાજપ અધ્યક્ષની પસંદગી કેવી રીતે થાય છે?
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પાર્ટીના બંધારણ હેઠળ થાય છે. પક્ષનું નિર્વાચન મંડળ પ્રમુખની પસંદગી કરે છે. નિર્વાચન મંડળમાં રાષ્ટ્રીય અને રાજ્ય પરિષદના સભ્યો હોય છે. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં ઓછામાં ઓછા 20 સભ્યો નામનો પ્રસ્તાવ મૂકે છે.
આ વર્ષે 4 રાજ્યોમાં ચૂંટણી
દેશમાં વર્ષ 2024માં 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આગામી કેટલાક મહિનામાં હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ આ વર્ષે ચૂંટણી યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં 2018થી કોઈ સરકાર નથી. આ 4 રાજ્યોની ચૂંટણીને લઈને ભાજપ અધ્યક્ષની ભૂમિકા પણ મહત્વની રહેશે.