ઓટાવાઃ કેનેડાએ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું છે. આ પછી, કેનેડાની સંસદે હિટલરની નાઝી આર્મીમાં રહેલા યારોસ્લાવ હુન્કાને સન્માનિત કર્યા હતા. આ બંને ઘટનાઓ બાદ ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થ વચ્ચે વિવાદ વધી ગયો છે. કેનેડાના સાથી દેશો શરૂઆતમાં પ્રતિક્રિયા આપવામાં ધીમા હતા, પરંતુ હવે તેમણે કેનેડા માટે સમર્થન આપવાનું શરૂ કર્યું છે.
અમેરિકાએ પણ આ મામલે કેનેડાને સાથ આપ્યો છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને હાલમાં જ મીડિયાને જણાવ્યું હતું કે અમે કોઈપણ દેશને અન્ય દેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાની છૂટ નહીં આપીએ. આ પછી ઓસ્ટ્રેલિયાએ પણ કહ્યું છે કે તે આ અંગે ચિંતિત છે. પરંતુ જો કેનેડાને સમર્થન મળી રહ્યું છે, તેનાથી ભારત એકલું નથી પડી ગયું. એશિયાના અન્ય બે દેશો કેનેડા પર શાબ્દિક હુમલો કરી રહ્યા છે. શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ કેનેડા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કેનેડા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન રહ્યું છે. કેનેડા આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ‘કેટલાક આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત આશ્રય મળ્યો છે. કેનેડાના વડા પ્રધાને કોઈપણ પુરાવા વિના ભડકાઉ આક્ષેપો કર્યા છે. આ તેમનો માર્ગ છે. કેનેડાએ શ્રીલંકા વિશે પણ આવી જ ખોટી વાત કહી હતી. કેનેડાએ કહ્યું હતું કે શ્રીલંકામાં નરસંહાર થયો હતો જે હળાહળ જુઠ્ઠું હતું. સાબરીએ વધુમાં કહ્યું હતું કે બધા જાણે છે કે શ્રીલંકામાં કોઈ નરસંહાર થયો નથી.
બાંગલાદેશના અગ્રણી અખબાર પણ ભારતના સમર્થનમાં સામે આવ્યા છે, કારણ કે બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનનો મુખ્ય હત્યારો નૂર ચૌધરી કેનેડામાં શરણ લઈ રહ્યો છે. બાંગલાદેશના રાષ્ટ્રપતિના હત્યારાને કેનેડાનું સમર્થન પણ મળ્યું છે. બાંગલાદેશે અનેક વખત કેનેડા પાસે તેના પ્રત્યાર્પણની માંગણી કરી છે, પરંતુ દર વખતે કેનેડા આ મુદ્દે ચૂપ રહે છે. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક સૈયદ બદરુલ અહસાને ઢાકા ટ્રિબ્યુનમાં એક લેખ લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘કેનેડા હંમેશા બાંગલાદેશની માંગને એમ કહીને ફગાવી દે છે કે ત્યાં મોતની સજા આપવામાં આવે છે, પરંતુ જ્યારે કેનેડાએ આ વ્યક્તિને આશ્રય આપ્યો ત્યારે તેઓ જાણતા ન હતા કે તે રાષ્ટ્રપતિની હત્યામાં સામેલ હતો. તેમ છતાં કેનેડાએ કોઈ કાયદેસરની કાર્યવાહી કરી ન હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને