હિંડનબર્ગનો નવો ધડાકો, માધવી બૂચને દૂર કરવાં જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
લગભગ દોઢ વર્ષ પહેલાં એટલે કે ૨૦૨૩ના જાન્યુઆરીમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં મોટા પાયે નાણાંકીય ગેરરીતિઓનો આક્ષેપ કરીને ખળભળાટ મચાવનારી યુએસની હિંડનબર્ગ રીસર્ચ એલએલસીએ ફરી મેદાનમાં આવી છે અને મોટો ધડાકો કર્યો છે. હિંડનબર્ગ રિસર્ચનું ટાર્ગેટ આ વખતે પણ અદાણી જ છે પણ સાથે સાથે સેબીનાં ચેરમેન માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચને પણ લપેટી લીધાં છે. ફર્મે દાવો કર્યો છે કે, માધવી બૂચ અને તેમના પતિ ધવલ બૂચ અદાણી દ્વારા કરાયેલી ગોલમાલમાં ભાગીદાર છે.
ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ મોરીશિયસના આઈપીઈ પ્લાસ ફંડ અને બરમુડાના ગ્લોબલ ઓપર્ચ્યુનિટીઝ ફંડનો ઉપયોગ નાણાંકીય ગરબડો કરવા માટે અને કંપનીનાં નાણાં સગેવગે કરવા માટે કર્યો હોવાનો આક્ષેપ હિંડનબર્ગે મૂક્યો હતો. વિદેશનાં આ બંને ફંડમાં માધવી અને ધવલ બૂચ હિસ્સો ધરાવે છે. હિંડનબર્ગે આડતકતરી રીતે અદાણી ગ્રૂપ દ્વારા કરાયેલી નાણાંકીય ગરબડોમાં સેબીનાં ચેરમેન ભાગીદાર હોવાનો આરોપ મૂકી દીધો છે.
હિંડનબર્ગના અહેવાલ મુજબ, માધવી અને ધવલ બૂચે બર્મુડા અને મોરેશિયસમાં ફાયનાન્સિયલ ફંડ્સમાં રોકાણ કર્યું તેની વિગતો જાહેર કરી નહોતી. માધવી અને ધવલ બૂચે આ વિગતો કેમ છૂપાવી એ સવાલ હિંડનબર્ગે ઉઠાવ્યો છે. અદાણી સાથેના કનેક્શનના કારણે જ દોઢ વર્ષ પહેલાં હિંડનબર્ગનો રીપોર્ટ બહાર આવ્યો પછી પણ સેબીએ અદાણી ગ્રૂપને કંઈ ના કર્યું એવો પણ હિંડનબર્ગનો દાવો છે.
આ નવા રીપોર્ટ દ્વારા હિંડનબર્ગે મોદી સરકારને પણ શંકાના દાયરામાં લાવી દીધી છે કેમ કે સેબી નાણાં મંત્રાલયના તાબામાં કામ કરે છે અને સેબી ચેરમેનની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે. સેબીના ચેરમેનપદે માધવી બૂચની નિમણૂક ૨૦૨૨માં કરાઈ હતી. હિંડનબર્ગના રિપોર્ટમાં સંકેત અપાયો છે કે, માધવી બૂચની નિમણૂક અદાણી ગ્રુપના કહેવાથી કરાઈ હતી.
હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગભગ બે વર્ષની તપાસના અંતે ૨૦૨૩ના જાન્યુઆરીમાં અદાણી ગ્રુપ સામેનો રિપોર્ટ બહાર પડાયો હતો. અદાણી ગ્રૂપ પાસેથી સ્પષ્ટતાઓ માંગવામાં આવી હતી તેથી હિંડનબર્ગ પોતાની સામે તપાસ ચલાવી રહ્યું હોવાની ખબર અદાણી ગ્રૂપને પડી ગઈ હતી. આ કારણે રિપોર્ટ બહાર આવે ત્યારે સેબી કોઈ પગલાં ના ભરે એ માટે અદાણી ગ્રૂપે આગોતરા ચેતી જઈને માધવી પુરીને સેબીને ચેરમેનપદે બેસાડી દીધાં હોવાની શંકા વ્યક્ત કરાઈ છે.
મોદી સરકાર અને ખાસ તો નરેન્દ્ર મોદી પોતે અદાણી સાથેના અંગત સંબંધોના કારણે ટીકાઓનો ભોગ બની ચૂક્યા છે. હિંડનબર્ગના નવા રિપોર્ટના કારણે આ ટીકાઓ વધશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ સ્પષ્ટ બહુમતી ના મેળવી શક્યો પછી નરેન્દ્ર મોદી રાજકીય રીતે નબળા પડી ગયા છે. વિપક્ષો આ મુદ્દાનો ઉપયોગ મોદી પર પ્રહાર કરવા માટે કરશે તેથી રાજકીય રીતે મોદી વધારે નબળા પડશે એ કહેવાની જરૂર નથી.
હિંડનબર્ગના રીપોર્ટમાં કેટલું તથ્ય છે એ રામ જાણે પણ આજે એટલે કે સોમવારે ભારતીય શેરબજાર ખૂલશે ત્યારે તેની અસર ચોક્કસ વર્તાશે. હિંડનબર્ગ રિસર્ચે પચીસ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ અદાણી ગ્રૂપ અંગે રિપોર્ટ બહાર પાડ્યો પછી શેરોમાં રમખાણ મચી ગયેલું. અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેરની કિંમત એ પહેલાં ૩૪૪૨ રૂપિયા હતી. પચીસ જાન્યુઆરીએ ભાવ ૧.૫૪ ટકા ઘટીને રૂ. ૩૩૮૮ પર બંધ થયો અને ૨૭ જાન્યુઆરીએ શેરના ભાવમાં ૧૮ ટકાનો કડાકો બોલીને ૨૭૬૧ થઈ ગયો હતો.
બાવીસ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં તો અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ ૫૯ ટકા ઘટીને ૧૪૦૪ રૂપિયા થઈ ગયો હતો. અદાણી ગ્રૂપની બીજી કંપનીના શેરના ભાવ પણ સાવ તૂટી ગયા હતા. મહિના પછી અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં રિકવરી જોવા મળી હતી અને છેલ્લે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર ૩,૧૮૬ પર બંધ થયો હતો એ જોતાં લગભગ જૂના ભાવે શેર પાછો આવી ગયો છે પણ હવે પાછો તૂટે એવી શક્યતા ખરી.
હિંડનબર્ગ શોર્ટ સેલર છે એટલે પોતાના ફાયદા માટે કંપનીઓને ટાર્ગેટ કરે છે એ જગજાહેર છે. શોર્ટ સેલિંગ એટલે ઉધાર લઈને પહેલાં ઊંચા ભાવે શેર વેચી દેવા અને પછી ખરીદીને આ શેર પાછા આપી દેવા. શોર્ટ સેલિંગ એટલે એવા શેર વેચવા કે જે ડીલ વખતે ઈન્વેસ્ટર પાસે હોય જ નહીં. પછીથી આ શેરો ખરીદીને જેની પાસેથી શેર ઉધાર લીધા હોય તેને પાછા આપી દેવા પડે. શોર્ટ સેલિંગમાં નફો રળવો હોય તો જે ભાવે શેર વેચ્યા હોય તેનાથી નીચા ભાવે શેર ખરીદવા પડે અને એ માટે શેરના ભાવ તોડવા પડે.
હિંડનબર્ગ એ જ કરે છે તેથી તેની વાતને શંકાની નજરે જોઈ શકાય પણ હિંડનબર્ગ ખાલી વાતો કરતું નથી. એ તથ્યોના આધારે રિપોર્ટ પણ પ્રસિદ્ધ કરે છે. આ તથ્યોને નજરઅંદાજ ના કરી શકાય. કમ સે કમ તેની તપાસ તો થવી જ જોઈએ. કંપનીએ નિયમો તોડીને નાણાકીય ગેરરીતિ કરી હોય ને હિંડનબર્ગ તેની પોલ ખોલીને રૂપિયા રળે તો તેમાં કશું ખોટું નથી. કંપનીના લાખો રોકાણકારો સુધી સાચી વાત પહોંચાડીને હિંડનબર્ગ કમાણી કરે તો તેને અનૈતિક ના ગણી શકાય.
બૂચ દંપતીએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને તેમાં કોઈ સત્ય નથી એવો દાવો કર્યો છે. બંનેનું કહેવું છે કે, તેમનું જીવન અને આર્થિક બાબતો ખુલ્લી કિતાબ સમાન છે. સેબીને તમામ માહિતી પૂરી પાડી હોવાનો પણ તેમનો દાવો છે પણ આ દાવો શંકાસ્પદ છે કેમ કે મોરેશિયસની ઓફશોર કંપની ‘ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટી ફંડ’માં પોતે હિસ્સો ધરાવે છે એવું કદી તેમણે જાહેર કર્યું નથી.
હિંડનબર્ગનો રિપોર્ટ દોઢ વર્ષ પહેલાં બહાર આવ્યો ત્યારે પણ તેમાં દાવો કરાયેલો કે, ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણીએ ‘ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટી ફંડ’માં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને આ નાણાનો ઉપયોગ શેરના ભાવ વધારવા માટે કરવામાં આવ્યો હતો. બૂચ દંપતી એ વખતે ચૂપ હતું જ્યારે વાસ્તવમાં ‘ગ્લોબલ ડાયનેમિક ઓપોર્ચ્યુનિટી ફંડ’માં ૨૦૧૫થી તેમનું રોકાણ હતું.
હિંડનબર્ગના નવા ધડાકા પછી બજાર તૂટશે કે નહીં એ અટકળનો વિષય નથી પણ મોદી સરકાર શું કરે છે એ જોવાનું છે. મોદી સરકાર ખરેખર પારદર્શક હોય તો તેણે માધવી બૂચને સેબીના ચેરમેનપદેથી દૂર કરીને હિંડનબર્ગના રિપોર્ટમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ.