ગાંધીનગર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: તહેવારોમાં અંત્યોદય અને BPL પરિવારોને મળશે વધુ સાકર અને ખાદ્યતેલ

ગાંધીનગરઃ રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી અમારી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તેમ,અન્ન,નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇએ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે N.F.S.A.-2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ – સિંગતેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ 1 લિટર પાઉચ રૂ. 100 પ્રતિ લિટરના રાહત દરે તથા બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1કિ.ગ્રા.ખાંડ એટલે કે બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ. 22 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ.15 ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થીઓને મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે ચેક અર્પણ કર્યા

મંત્રીએ કહ્યું હતું કે, અન્ન,નાગરિક પુરવઠા વિભાગ દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013″ (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩.૬૦ કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ઓગસ્ટ-2024માસમાં ઘઉં, ચોખા અને “શ્રી અન્ન” -બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની 17,000 થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે તેમ,ઉમેર્યું હતું.

અન્ન,નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભિખુસિંહજી પરમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના 8 લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ 15 કિલો ઘઉં,15 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

એ જ રીતે રાજ્યના 66 લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો”ની (Priority House Hold – P.H.H.) 3.23 કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને 1 કિલો બાજરી મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા અને 5 કિલો બાજરી મળી કુલ 25 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: રેશન કાર્ડ પર મળશે મફત સાડી

રાજ્ય સરકારની યોજના હેઠળ અને N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને પ્રોટીનસભર આહાર મળી રહે તે માટે કાર્ડદીઠ 1 કિ.ગ્રા ચણા. રૂ. 30 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ1 કિ.ગ્રા. રૂ. 50 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

તેમજ રાજ્ય સરકારની યોજના હેઠળ N.F.S.A.-2013 હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને મીઠું કાર્ડદીઠ 1 કિ.ગ્રા. રૂ. 1 પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આમ, રાજ્ય સરકાર N.F.S.A 2013 હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે રાજ્ય સરકાર આ યોજનાઓ દ્વારા ગુજરાતના નાગરિકોના સર્વાંગી વિકાસ તરફ આગેકૂચ નિશ્ચિત કરી રહી છે,

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button