બ્રેકડાન્સિંગમાં ભારત નહીં, પણ ‘ઇન્ડિયા’ને જરાક માટે બ્રૉન્ઝ ન મળ્યો!
હિન્દુસ્તાનનો એકેય બ્રેકડાન્સર કેમ ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય નહોતો થયો?
પૅરિસ: ભારતમાં વર્ષોથી બૉલીવૂડ, ટેલિવૂડ અને બીજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમ જ ટેલિવિઝનના રિયાલિટી શોમાં અનેક ટૅલન્ટેડ ડાન્સર્સ અને એમાં પણ ખાસ કરીને બ્રેકડાન્સર્સ જોવા મળ્યા છે, પરંતુ આ વખતની પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૅકડાન્સિંગની સ્પર્ધામાં ભારતનો એકેય બ્રેકડાન્સર ન જોવા મળ્યો એ મોટું આશ્ર્ચર્ય છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય મૂળની ‘ઇન્ડિયા સારદૉ’ નામની બ્રેકડાન્સર આ સ્પર્ધામાં જરાક માટે બ્રૉન્ઝ મેડલ ચૂકી ગઈ હતી.
બ્રેકડાન્સિંગ (બ્રેકિંગ)ને હવે સ્પોર્ટ ગણવામાં આવે છે અને એ રમતે 2024ની પૅરિસ ઑલિમ્પિક ગેમ્સમાં સ્પર્ધા તરીકે ડેબ્યૂ કર્યું હતું. એની ઇવેન્ટ 9-10 ઑગસ્ટ દરમ્યાન ફ્રાન્સના પ્લેસ દ લા કૉન્કર્ડમાં રખાઈ હતી. એમાં જાપાને ગોલ્ડ, કોલમ્બિયાએ સિલ્વર અને ચીને બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.
વાત એવી છે કે નેધરલૅન્ડ્સની ઇન્ડિયા સારદૉ નામની બ્રેકડાન્સર ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થઈ હતી, પરંતુ બ્રૉન્ઝ મેડલ માટેના મુકાબલામાં તે ચીનની ઍથ્લીટ સામે જરાક માટે હારી જતાં કાંસ્યચંદ્રક ચૂકી ગઈ હતી.
આ પણ વાંચો: પૅરિસ ઑલિમ્પિક્સમાં ગોલ્ડની આશા છે? નહીં, ભારત માટે હવે ‘ધી એન્ડ’
બૉલીવૂડ સહિત ભારતના કેટલાક જાણીતા ભારતીય ડાન્સર્સ અને બ્રેકડાન્સર્સમાં ઋતિક રોશન, ટાઇગર શ્રોફ, પ્રભુ દેવા, ટેરેન્સ લુઇસ, રેમો ફર્નાન્ડિઝ, ધર્મેશ યેલાન્ડે, શાહિદ કપૂર, રાઘવ જુયલ, શક્તિ મોહન અને નોરા ફતેહીનો સમાવેશ છે.
પૅરિસ ઑલિમ્પિક્સથી બ્રેકડાન્સિંગે આ મહા રમતોત્સવમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ એમાં એકેય ભારતીય સ્પધર્કનો સમાવેશ નહોતો, કારણકે ભારતના એકેય પુરુષ કે મહિલા બ્રેકડાન્સરે ક્વૉલિફિકેશન નહોતું મેળવ્યું. રમતોત્સવ માટેના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં એકેય ભારતીય બ્રેકડાન્સરને એમાંથી પાર ઊતરવામાં સફળતા નહોતી મળી.
2023ની એશિયન ગેમ્સથી બ્રેકડાન્સિંગને પહેલી વાર સ્પોર્ટ તરીકે મોટી સ્પર્ધામાં પ્રવેશ મળ્યો હતો, પરંતુ એમાં ભારતે ભાગ નહોતો લીધો, કારણકે બ્રેકડાન્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (બીએફઆઇ)એ જે ચાર બ્રેકડાન્સરની એન્ટ્રી મોકલી હતી એ માપદંડ માટે પર્યાપ્ત ન હોવાથી સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ એ ચારેય એન્ટ્રી રદ કરી હતી.