નવી દિલ્હી: દેશમાં રમત ગમતને લઈને ફાળવવામાં આવેલા ફંડને લઈને વિવાદ ઊભો થયો છે. ટીએમસી સાંસદ કીર્તિ આઝાદે ગુજરાત અને ઉત્તર પ્રદેશને રમતગમતના વિકાસના તળે સૌથી વધુ ફાળવવામાં આવેલ ગ્રાન્ટને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે સૌથી વધુ મેડલ હરિયાણા અને મણિપુર લઈ આવે છે પરંતુ સરકાર રમતગમતના વિકાસ માટે સૌથી વધુ ફંડ ગુજરાતને આપે છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કીર્તિ આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોરમ “X” પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને સ્પોર્ટ ડેવલોપમેન્ટ માટે આપવામાં આવેલી રકમના આંકડાઓ શેર કર્યા હતા. તેમણે પોસ્ટમાં કટાક્ષ કરતાં કહ્યું હતું કે “મણિપુર અને હરિયાણા ભારતને સૌથી વધુ ઓલિમ્પિક મેડલ આપે છે.
પરંતુ શું તમે જાણો છો કે રમતગમતના વિકાસના નામે કયા રાજ્યને સૌથી વધુ ભંડોળ મળે છે? ગુજરાત. એક રાજ્ય કે જેને રમતગમત અથવા ભારતીય સશસ્ત્ર દળો સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ મોટાભાગના બજેટ ફાળવણી તેને મળે છે.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકમાં Vinesh Phogatને ગેરલાયક ઠેરવવાને લઈને લોકસભામાં હંગામો, રમત ગમત પ્રધાન આપશે જવાબ
કીર્તિ આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેન્દ્ર સરકાર દ્વારા સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ માટે કરવામાં આવેલ ફંડની ફાળવણીના આંકડા શેર કર્યા હતા. તેમાં સૌથી વધુ ફાળવણી ઉત્તર પ્રદેશ અને ગુજરાતને આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશને 438.27 કરોડ રૂપિયા તથા ગુજરાતને 426 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આમ કેન્દ્ર સરકારે સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ માટે તમામ રાજ્યોને માટે કુલ 2168.78 કરોડની ફળવાની કરવામાં આવી છે. જો કે તેમાંથી 40 ટકા ફાળવણી તો માત્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશ બે ભાજપ શાષિત રાજ્યોને કરવામાં આવી છે.
ગુજરાતને 426 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જ્યારે તેની સામે મણિપુરને માત્ર તેના દસમ ભાગ જેટલી 46 કરોડની જ ફાળવણી કરવામાં આવી છે. ઓલિમ્પિક્સમાં સૌથી વધારે 24 એથ્લેટ આપનાર હરિયાણાને માત્ર 66.59 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાંથી અનુક્રમે 6 અને 9 ખેલાડીઓ ઓલોમપિકમાં ભાગ લેવા માટે ગયા હતા જો કે કોઈપણ ખેલાડી મેડલ જીતીને લાવ્યો નથી. આટલી મોટી રકમની ફાળવણી સાથે કોઇપણ એવોર્ડ નહિ મળનાર રાજ્યની સ્પોર્ટસ પ્રગતિ પર પ્રશ્નો ઊભા થયા છે.