બેંગલોરમાં whats app DP એક નોકરાણીને પડી ગયું ભારે, સીધી જેલની હવા ખાવાનો આવ્યો વારો
બેંગલોરઃ પોતાના ઘરમાં ચા પીતા હોય કે અમેરિકા ફરવા ગયા હોય, લોકોને સેલ્ફી કે ફોટો ખેંચતા 30 સેકન્ડ પણ નથી લાગતી અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા 20 સેક્ન્ડ પણ નથી લાગતી. રોજ રોજ ડીપી ચેન્જ કરવા, સ્ટેટ્સ રાખવા વગેરે યુવાનો જ નહીં તમામ ઉંમર અને વર્ગના લોકોનું જાણે રૂટિન બની ગયું છે. આવી જ ટેવ રાખતી એક નોકરાણીને વૉટ્સ એપ ડીપી રાખવાનું ભારે પડી ગયું છે.
ઘટના કંઈક એવી છે કે દક્ષિણ બેંગલોરમાં રહેતા બ્રિજેશ નામના એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે તેની પત્નીનાં ઘરેણા ગાયબ થઈ ગયા છે, અને તે લાખોની કિંમતના છે. તે સમયે તેણે નોકરાણી સામે શંકા સેવી હતી અને નોકરાણી સહિત ઘણાની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ પોલીસને કોઈ કડી ન મળતા કેસ આગળ વધ્યો ન હતો.
બ્રિજેશ અને તેનો પરિવાર ઘરેણા પાછા મળશે કે કેમ તેની મુંઝવણમાં હતો અને લગભગ આશા ખોઈ ચૂક્યો હતો. તેવામાં બ્રિજેશની નજરમાં એકવાર તેની તે સમયની નોકરાણીના વૉટ્સ ડીપી પર પડી, જેમાં તેણે તે ઘરેણા પહેરેલો ફોટો પોસ્ટ કર્યો હતો. બ્રિજેશ પોલીસ પાસે ગયો અને પોલીસને ડીપી બતાવ્યું અને આ ઘરેણા તેની પત્નીનાં જ છે તે સાબિત કર્યું. પોલીસે નોકરાણીને પકડી તેની પૂછપરછ કરી ત્યારે નોકરાણીએ આ ચોરીનો ગુનો કબૂલ્યો અને આ સાથે અગાઉ જ્યાં કામ કરતી હતી ત્યાં પણ ચોરી કર્યાનો ગુનો કબૂલ્યો હતો. પોલીસે હવે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.