નેશનલ

કોચી એરપોર્ટ પર બોમ્બની અફવાથી અફરાતફરી, CISF જવાને મુસાફરને પોલીસ હવાલે કર્યો

કોચી : કેરળના કોચી એરપોર્ટ પર આજે સવારે અચાનક અફરાતફરી મચી ગઈ હતી. જેમાં મુંબઈ જઈ રહેલા એક મુસાફરે બોમ્બનો(Bomb Threat)ઉલ્લેખ કરીને સુરક્ષા કર્મચારીઓને ચિંતામાં મૂકી દીધા હતા. આ પછી ઘટના સ્થળે હાજર સીઆઈએસએફ (CISF) જવાનોએ કાર્યવાહી કરી અને મુસાફરની ધરપકડ કરી તપાસ બાદ તેને પોલીસને સોંપવામાં આવ્યો હતો.

મુસાફરની ઓળખ 42 વર્ષીય મનોજ કુમાર તરીકે થઈ
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 682ના ટેકઓફ પહેલા બની હતી. આ ફ્લાઈટ કોચીથી મુંબઈ જઈ રહી હતી. બોમ્બનો ઉલ્લેખ કરનાર મુસાફરની ઓળખ 42 વર્ષીય મનોજ કુમાર તરીકે થઈ છે. તેણે એરપોર્ટ પર એક્સ-રે બેગેજ ઈન્સ્પેક્શન સિસ્ટમ ચેકપોઈન્ટ પર CISFના જવાનોને પૂછ્યું, ‘શું મારી બેગમાં બોમ્બ છે’. આ સાંભળતા જ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

સુરક્ષા ટીમ એક્શનમાં આવી
કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટે એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું હતું કે પ્રી-એમ્બર્કેશન સિક્યોરિટી ચેક દરમિયાન પેસેન્જર મનોજ કુમારે સીઆઈએસએફને પૂછ્યું કે શું તેની બેગમાં કોઈ બોમ્બ છે. આ નિવેદને ચિંતા પેદા કરી અને એરપોર્ટ સુરક્ષા ટીમ તરત જ એક્શનમાં આવી ગઈ. બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડે પેસેન્જર કેબિનની સઘન તપાસ કરી અને બેગ ચેક કરી. આ જરૂરી તપાસ પૂર્ણ કર્યા બાદ ફ્લાઈટ સમયસર રવાના થઈ. અધિકારીઓએ જણાવ્યું કે મુસાફર મનોજ કુમારને વધુ તપાસ માટે પોલીસને સોંપવામાં આવ્યો છે.

બેગમાં ખરેખર બોમ્બ હતો કે નહીં ?
જો કે હજુ સુધી એ માહિતી સામે આવી નથી કે પેસેન્જરની બેગમાં ખરેખર બોમ્બ હતો કે નહીં. સામાન્ય રીતે, આવા કિસ્સાઓમાં બોમ્બ નકલી હોવાનું બહાર આવે છે. ભૂતકાળમાં પણ ફ્લાઈટ અને ચેકિંગ દરમિયાન ઘણા મુસાફરોએ આવી ધમકીઓ આપી છે. પરંતુ તપાસ દરમિયાન તેમની બેગમાંથી કશું મળ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button