લાડકી

પરમ જ્ઞાની, પરમ વિદ્વાન, કવિતા-સમ્રાટશ્રી શ્રી સ્વ. કેસરિયાજી કવિને શ્રદ્ધાંજલિ

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

મારે આમ તો, ઘણાંની શ્રદ્ધાંજલિ લખવાની આવે છે. પણ એક કવિ મહાશયની શ્રદ્ધાંજલિ લખવાનું કામ જરા કપરું કહેવાય. કારણ કે ‘જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ’ એવાં પહોંચ બહારનાં કવિની શ્રદ્ધાંજલિ લખું તો ક્યાંથી શરૂ કરું ને ક્યાં પૂરી કરું તે જ મને સમજાતું નહોતું ! વળી, મારા ઉપર અનેક માંધાતાઓનું દબાણ પણ હતું કે ખૂબ જ વ્યવસ્થિત, ખૂબ જ કલાત્મક, ખૂબ જ ચીવટ તેમજ ખૂબ જ દુ:ખભરી કારુણ્યસભર તેમજ લાલિત્યસભર ભાષામાં શ્રદ્ધાંજલિ લખવી. માંધાતાઓ કામ સોંપીને છટકી ગયા, પણ હું તો અમસ્તી જ હા’ કહીને ફસાઈ ગઈ હતી. શ્રદ્ધાંજલિ લખતી વખતે મને ખ્યાલ આવ્યો કે સાહિત્યજગતમાં ‘ના’ જેવો પણ એક શબ્દ છે અને એ વારંવાર પ્રયોજવાથી ઘણાં બધાં કષ્ટોનું નિવારણ સરળતાથી થઈ જતું હોય છે.

મને કહેવામાં આવ્યું હતું કે મૃત કવિને સ્હેજ પેગ લગાવવાની ટેવ હતી. જેમ જેમ સાંજ ઢળતી જાય, આત્માને તૃપ્તિ મળતી જાય તેમ તેમ એ કવિ પૂરબહારમાં ખીલતા જાય. માટે તમે પણ… કંઈ નહીં તો જરા ‘ચા’-‘બા’ની ચુસ્કી લગાવીને જ શ્રદ્ધાંજલિ લખવા બેસજો તો કદાચ લાલિત્યસભર જેવું કંઈક લખાશે. મોટો મગ ભરીને ચા’ લઈને અમે બેઠાં… ચુસ્કી પર ચુસ્કી લગાવતાં ગયાં, પણ પેલા કવિ વિશે સમ ખાવા જેવું એક વાક્ય પણ જો બહાર આવતું હોય ! મને થયું, નક્કી પેલા કવિઓ ડંફાસ જ માર્યા કરે છે કે કવિતા તો એક વાર શરૂ થાય તો ધડાધડ નીકળી જ આવે… ઘણી વાર તો એક ચુસ્કીમાં જ નીકળી આવે… મને થયું, કદાચ મારી ચુસ્કી મારવામાં પણ ભૂલ થઈ હોય તો ? મેં બીજો મગ પણ અલગ અલગ પ્રકારની ચુસ્કી મારી મારીને પૂરો કર્યો. પછી… કંઈક આ પ્રમાણે અંદરથી વલોવાતું વલોવાતું બહાર આવ્યું… સ્વર્ગસ્થ કવિ કેસરિયાજી ! તમે કેસરિયાં કર્યાં કે, તમારી કવિતાએ કેસરિયાં કર્યાં છે તે વિશે ઘણા મત-મતાંતરો પ્રગટે છે. પણ હું એટલું તો ચોક્કસ કહી શકીશ કે તમારાં કેસરિયાં કર્યા બાદ હવે કોઈ પણ શ્રોતા કેસરિયાં કરવા તરફ વળશે નહીં અને ભૂલમાં વળ્યો હશે તે પણ આપના નિધનના સુખદ સમાચાર સાંભળી ગઝલમાં હઝલ અને હઝલમાં ગઝલ ભેળવવાથી પ્રગટતું હાસ્ય જેટલું ફન્ની હોય તેટલી જ ફન્ની રીતે એ સાંગોપાંગ ઘરે આવીને નિરાંતે જીવી શકશે. આમ તો હું પણ તમને ઘણી વાર સાંભળવા આવી હતી. એક વાર તો મા મને સાંભરે રે… નામનો કાવ્યોત્સવ રાખેલો ને તેમાં તમને જરા મિસ-અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયેલી. એટલે તમે ‘મા મને સાંભરે રે…’ની જગ્યાએ મા મને સાંભળે રે…’વાળું ત્રણસો લીટીનું અગદ્યાપદ્ય કાવ્ય સતત ત્રણ કલાક સુધી ચાલુ રાખી બીજા કવિઓને માત્ર શ્રોતા બનાવીને જ સત્વરે પોતપોતાની મા ભેગા કરી દીધા હતા, અને આમ તમે એકલે હાથે કાવ્યોત્સવને હાસ્યોત્સવમાં ફેરવી દેનાર એકમાત્ર રસોત્સવના જાંબાઝ કવિ પુરવાર થયા હતા. પણ જોકે, એ દિવસે જે જે વ્યક્તિ કવિતા સાંભળવા આવી હતી તે વ્યક્તિ હવે કવિ-સંમેલનમાં કયા કયા કવિ આવવાના છે, એ લિસ્ટ જોવાનું કદીય ચૂકતા નથી !

શરૂઆતમાં તમે ‘બા’ની સર્વગ્રાહી વ્યાખ્યા કરી તો મને થયું કે હમણાં હવે રિયલ બા’ આવશે જ, પણ તમે તો ગૌમાતા’વાળી માને પેશ કરી ! મને, મારી બાજુવાળાએ આંસુ લૂછતાં કહ્યું પણ ખરું કે, હવે તો એઓ રિયલ બા’ ઉપર આવશે ને ? મેં કહ્યું, ભાઈ! આ તો પેલા સંગીતકારો ને ગાયકો જેવું છે ! ક્યારે સમ પર આવશે તે કંઈ કરતાં કંઈ કહેવાય નહિ ! પણ જરા બરાબર ધ્યાન આપજો.

આપણો સમ (દમ?) છૂટી ના જાય ! પછી તો અમે બરાબર કાન માંડ્યા, તો આપ બીજી, લીલી, લીલપભીની, ભીની, હરીભરી, પાલવવાળી વાત લાવ્યા, તો મને થયું કે, કવિની મા’ની સાડીનો પાલવ રંગીન હશે… પણ હવે ધીરે ધીરે મા’ આવશે જ આવશે… પણ ત્યાં તો તમે ધરતીમાતાવાળી મા’ લઈને આવ્યા…! હવે ખરેખરનો, મને પણ, છાતીમાં ડૂમો ભરાઈ આવ્યો.. એટલે બાજુવાળા ભાઈ બોલ્યા, હિંમત રાખો, બહેન ! અત્યાર સુધી તમે મને આશ્વાસન આપતાં આવ્યાં છો ! આમ તમારા જેવાં ખમતીધર કવેળા મઝધારે ડૂબવા માંડશે તો અમારા જેવા હાર્ટના પેશન્ટનું તો શુંનું શુંય થશે ! બાજુમાં હાર્ટ-પેશન્ટ છે, એમ જાણીને તો મને ત્યાંથી પપડી મૂકવાનું જ મન થયું. કારણ કે, જો એને કવિતા સાંભળીને કંઈ થયું તો લોકો તો મારી સામે જ શંકાશીલ નજરે જોવાનાં ને ?! એ હાર્ટપેશન્ટે મારો જોરમાં હાથ પકડી લીધો અને બોલ્યા, આપણે બન્ને સમદુ:ખિયાં છીએ. સહારે સહારે કિનારે પહોંચી જશું ! મને ક્યાંય સુધી એ જ ન સમજાયું કે હાથ પકડી રાખું કે છોડી દઉં !! ત્યાં તો તમે ફરી એક નવા સમ પર આવ્યા, એટલે અમને હાશ થઈ પણ ત્યાં વળી તમે એક નવી મા’ પર સમ લાવીને છોડી દીધો…પછી તો એકદમ કવિતામય બોલ્યા: કેટલું ઔચિત્ય હતું એ બા’ શબ્દમાં… કહેનાર પણ હતો વીર ને (એ પછીની પંક્તિ મેં મનમાં જ પૂરી કરી – સહેનાર પણ હતા વીર !’)

ક્યાં સુધી અમે બન્ને સમદુ:ખિયાંઓએ એકબીજા સામે જોયાં કર્યું. પછી મેં હિંમત કરીને એને પૂછ્યું, તમને કંઈ સમજાય છે ? તો, બાજુવાળાએ કહ્યું, તમને કંઈ સમજાય તો મને કહેજો. કારણ કે, હમણાં સુધી તો હાર્ટ જ વીક હતું, પણ હવે તો મગજ પણ કસોટીએ ચડી ચડીને વીક થવા માંડ્યું છે! એટલે હાર્ટ ઍટેકથી બચી જવાય તો બ્રેઇન સ્ટ્રોક તો જરૂર આવશે જ આવશે ! મેં એમને આશ્વાસન આપતાં કહ્યું, આમ આટલી જલદી ભારતની વસ્તી ઓછી કરવાની પહેલ તમારે નથી કરવાની.. સમજ્યા ? ચાલો, જરા હિંમત અને વિશ્વાસને મજબૂત કરી સાંભળો, કંઈક નવનીત જેવું તો નીકળશે જ ! (આખરે એઓ પાણી વલોવી રહ્યા છે.) પણ ત્યાં તો બીજી બા’ આવી, પણ એ તો ગાંધીજીની બા, કસ્તૂરબાને લઈને કવિ સમ પર પહોંચ્યા. મેં કહ્યું, કવિતાનો વ્યાપ વધારતાં વધારતાં કવિએ મા’નો વ્યાપ ઠેઠ ગાંધીજીનાં ધર્મપત્ની સુધી લઈ જવો પડ્યો !! કદાચ… મહાકાવ્યો પણ આ રીતે જ લખાતાં હશે…! બાજુવાળો બોલ્યો, તમારે કવિ તેમજ કવિતાના વ્યાપ વિશે જ મીમાંસા કરવી હોય તે કરો, કારણ કે, મેં તો બન્ને કાનમાં રેડિયોનાં ભૂંગળાં નાખી દીધાં છે… મેં કહ્યું, આમ કવિતાની ભવાટવીમાં મને એકલી છોડી તમે પીઠ ફેરવો એ બરાબર નથી.. ત્યાં જ એણે ભૂંગળાં કાનમાંથી બહાર ખેંચી કાઢીને પોક મૂકી, એથી હું ગભરાઈ.. કે, આને વળી શું થયું કે પોક મૂકી… મેં કહ્યું, હજી મહાકાવ્યની શરૂઆત જ થઈ છે ત્યાં આમ પોક કાં મૂકી ? તો કહે, કવિની કવિતા ન જીરવાણી તો રેડિયોનાં ભૂંગળાં કાનમાં નાખ્યાં… તો તેમાં પણ કવિસંમેલન જ ચાલતું હતું… ઈધર કૂઆ, ઉધર ખાઈ ! કરેં તો ભી ક્યા કરેં ? મેં કહ્યું, હવે કેસરિયાં કર્યાં જ છે તો રંગાયા વગર થોડું જવાશે ? બસ, હવે જરાક જ.. બસ, હમણાં કવિ રિયલ બા’ને લાવશે…

એટલામાં કસ્તૂરબા પરની પિન ખસી અને મધર શબ્દ ઉજાગર થયો. મને થયું, હાશ ! હવે મધર પરથી મા’ના સમ ઉપર ચોક્કસ ગાડી અટકશે.. પણ ના, કવિ તો મધર ટેરેસા’ પર આવીને અટક્યા. પછી તો ટેરેસ એટલે શું, ટેરેસા એટલે શું,

અપદ્યાગદ્ય મહાકાવ્યને, ખબર નથી, એ ક્યાંથી ક્યાં લઈ જઈ રહ્યા હતા… પછી તો મધર મેરી’ પણ આવ્યાં. ધીરે ધીરે અમારી જેમ અન્ય શ્રોતા પણ… કાપો તો લોહી ન નીકળે એવા સૂકાભઠ્ઠ થઈને, કેટલાક માથે હાથ મૂકીને, કેટલાક કાને હાથ મૂકીને, કેટલાક હૃદય પર હાથ દાબીને, નિસાસા નાખતા નજરે ચડ્યા. પછી તો સ્ટેજ ઉપરના કવિઓમાં પણ ગણગણાટ શરૂ થયો… કારણ કે, એઓને ડર હતો કે કવિ કેસરિયાજી જ ત્રણ-ચાર કલાક ઓહિયા કરી જશે તો પછી પોતે તૈયાર કરીને લાવેલા પ્રલંબ મા’-વિષયક કાવ્યનું શું ? એમની વિદ્વત્તાનું શું ? એમના વન્સ-મોર, દુબારા દુબારાનું શું ?, એમના ચાહકોનું શું ? અને એ બધાંથી ઉપર કવિતાના પેલા લાલ લાલ કવરનું શું – કે જે કવર તો કવિસંમેલનને અંતે જ મળવાનું હતું ! એક દીર્ઘદૃષ્ટા કવિએ તો હમણાં સુધી વારંવાર વાહ.. વાહ.. કર્યા કરી હતી કે જ્યારે એનો વારો આવશે ત્યારે અન્ય કવિ પણ વાહ… વાહ… કરશે એ આશાએ. પણ હવે એમની સર્વે આશા ઠગારી નીવડે એમ લાગી રહ્યું હતું. અને વાહ વાહ કરીને ગળાનો અવાજ પણ ખાસ્સો ઘોઘરો થઈ ગયો હતો. એટલે એઓ પણ ધીરેધીરે જીભને લોચો વાળીને મુખમાં આરામ કરવા મૂકી દે છે. એક કવિએ વારંવાર ઘડિયાળ આમતેમ કરી જોઈ, એકે વારંવાર ખોંખારો, ખાંસી, છીંકમછીંક સુધ્ધાં કરી જોયાં, પણ કેસરિયાજી તમે તો બેલગામ ઘોડાની જેમ કવિતાના ઘોડાપૂરને તબડક તબડક તબડક હાંકતા જ રહ્યા…

અંતે મારાથી ન રહેવાયું અને હું મોટેથી બોલી પડી, ‘હે મા, મને ઉગાર !’ પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે, મારી આગળ બેઠેલ બહેન ખુદ એ કવિની ‘મા’ જ હતી, કે જે છેલ્લા ત્રણ કલાકથી રાહ જોતી હતી કે એનો દીકરો હમણાં એના વિશે કવિતામાં ગુણગાન કરશે. હમણાં એનો દીકરો ‘મા’ની કવિતા કરશે…. પણ ના, ગામ આખાની મા’ની વંદના કરતો દીકરો રામ જાણે અત્યારે એની રિયલ માની વંદના કરશે અને જ્યારે એ વંદના કરશે ત્યારે એ જીવતી હશે કે કેમ ? એવો નિ:શ્રવાસ સાથે એક કડક નજર ફેંકી કવિની માતા ઊભાં થયાં અને ચાલવા માંડ્યાં અને એ સાથે જ જાણે અમને પણ બહાર નીકળવાનો પરવાનો મળી ગયો હોય, એમ બાજુવાળાને ખરેખરનો ઍટેક આવે, તે પહેલાં જ હોલ છોડીને નીકળી ગયાં હતાં.

હે કેસરિયાજી ! એ ઘડી ને આજનો દિ’, ફરી ક્યારેય કવિસંમેલનમાં જવાની હિંમત બતાવી નથી ! બસ, આ શ્રદ્ધાંજલિ લખતી વેળા મને તમારા કરતાં તમારી માતાનો ચહેરો વારંવાર યાદ આવ્યા કરે છે. કારણ કે, તમારા આ મહાકાવ્ય બાદ તમારી માતા’ ખાસ જીવવા પામ્યાં નહોતાં, એવું ઘણા વિવેચકો, તમારી કવિતાની જગ્યાએ તમારું ખુદનું વિવેચન કરતાં કરતાં હંમેશાં કહેતા રહે છે. ખાસ તો હવે તમને જતાં જતાં એટલું જ કહેવાનું કે, સ્વર્ગલોકમાં તમારી માતા તમારી રાહ જોઈને બેઠી છે, જે ભૂલ તમે પૃથ્વીલોકમાં કરીને માતા’ને ગુમાવી છે એ જ ભૂલ સ્વર્ગલોકમાં કરીને તમે માતા’ને બીજી વાર ગુમાવશો નહીં…! હા, કદાચ એવું પણ બને કે તમારી ઉપર આવવાની વાત સાંભળીને તમારી માતા’એ ઇન્દ્રને અરજી પણ કરી દીધી હોય કે જો તમે કવિઓને ભૂલેચૂકે સ્વર્ગમાં રાખવાના હો તો મને વહેલામાં વહેલી તકે નર્કમાં ખસેડી દો, કારણ કે હું આમ બીજાનાં પાપે બે બે વાર મરવા ઇચ્છતી નથી…!

(તા.ક. અને અંતે, ખેદ સાથે વિશેષ નોંધ –
પ્રભુ આપને, આપની માતાને તેમજ મારી બોલપેનના આત્માને પણ શાંતિ અર્પે, કારણ કે, તમારી શ્રદ્ધાંજલિ લખ્યા બાદ મારી બોલપેને પણ કેસરિયાં કર્યાં છે એ જાણશો!!)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button