તરુણાવસ્થાએ ઈમોશનલ ઈજાઓનું ઈનસાઈડ આઉટ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
એક તરુણીની એકલતા, યાદો, પીડા, પ્રતિભા, આવડત, ઈર્ષ્યા અને ગંભીર ગીલ્ટના અવકાશમાં ગોથા ખાતી જાત અને લાગણીઓના અતિરેક થકી પહોંચાડાતી ઈમોશનલ ઈજાઓને દૂર કરવા શું કરી શકાય?? સ્નેહાએ ડિમ્પી-વિહા વચ્ચેના વર્ણવેલા આખા ઘટનાક્રમને ધ્યાનથી સાંભળ્યા બાદ સુરભી વિચારી રહી. કાશ! આ બાળકોને ઈનસાઈડ આઉટ જેવી વાત કહેવામાં આવી હોત કે મુવીઝ બતાવવામાં આવ્યા હોત!! એને થયું ચાલો જાગ્યા ત્યારથી સવાર, બીજા જ દિવસે વિહાને મુવી નાઈટ માટે આમંત્રણ આપી સુરભીએ તેની સાથે બેસી એ ફિલ્મ જોવાનું નક્કી કર્યું કારણકે ઈનસાઈડ આઉટ એ ટીનએઈજ દિમાગમાં ચાલતું એકશન, રીએકશન અને ઈમોશન્સનું મિકેનિઝમ બતાવતી વાત છે.
એક અગિયાર વર્ષની બાળકીના મગજમાં ચાલી રહેલી લાગણીઓની ધીંગામસ્તીની એ વાર્તાએ ફિલ્મ પૂરી થયા બાદ પણ વિહાના મનને એવું તો જકડી રાખ્યું કે કોઈ કોમ્પ્યુટર એનીમેશન તેને આટલું બધું ગમી જશે એવો ખ્યાલ જ ના રહ્યો. વિહાને રસ પડતો જોઈને સુરભીએ આગળ ચલાવ્યું કે વર્ષ ૨૦૦૯ આસપાસ પીટ ડોક્ટેર નામના એક વ્યક્તિના મનમાં પોતાની નાનકડી દિકરીના વર્તન અને વ્યક્તિત્વમાં આવી રહેલા બદલાવો જોઈ આ વાર્તાએ આકાર લીધેલો. બસ, ખત્મ વિહાને થયું કે પોતાને જે જાણવા ને માણવા મળ્યું છે એ બધું જ તેના ફ્રેન્ડ્સને પણ મળવું જોઈએ. તેણીએ રીતસર સોસાયટીના ઑડિટોરિયમમાં લગભગ અડધી સ્કુલ માટે એક ખાસ શો ગોઠવી કાઢ્યો. સુરભી માટે ઈમોશનલ ઈજાઓને સમજાવવાનો આનાથી સરળ રસ્તો આમ પણ બીજો કોઈ નીકળી શકે એમ નહોતો. ડિમ્પી વિહા વચ્ચેના ઈમોશનલ આઉટબ્રેક જોયા પછી સ્નેહાએ સ્કુલમાં રજુઆત કરવાના બદલે વ્યવસાયે ચાઈલ્ડ એન્ડ વુમન કાઉન્સેલર એવી તેણીની ખાસ દોસ્ત સુરભીની મદદ લેવાનું નકકી કરેલું એ અંતે જાણે લેખે લાગ્યું.
સુરભીએ ફિલ્મ શરુ કરતાં પહેલા તેઓને તેની વાર્તાનો ટૂંકો પરિચય આપવો જરુરી સમજ્યો અને વાત શરુ કરી..”એક ટીનએજર છોકરી નામે રાયલીના દિમાગમાં અમુક બેઝિક ઈમોશન્સનો કાયમી વસવાટ છે જે તેણી દ્વારા કોઈપણ પરિસ્થિતિ સામે અપાતી પ્રતિક્રિયા એટલેકે, રીએકશન માટે જવાબદાર છે. જોય, સેડનેસ, ફીઅર, ડીસ્ગસ્ટ, એંગર એટલેકે, ખુશી, ઉદાસી, ડર, ઘૃણા તેમજ ક્રોધ. આ બધા રાયલીના અઠંગ મિત્રો, તેણીના દિમાગના ક્ધટ્રોલ રુમમાં પડ્યા પાથર્યા રહે છે. રાયલી જે કંઈ અનુભવે છે એ તેણીની યાદો બની જાય છે. અમુક કાયમી તો અમુક કામચલાઉ. કાયમી યાદોને રોજ રાત્રે ઉંઘ દરમિયાન લાંબાગાળાની યાદોના ખાનામાં વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવે છે અને કામચલાઉ યાદો ડમ્પિંગ યાર્ડમાં પધરાવી દેવાય છે. એટલું જ નહી તેણીના મગજમાં પાંચ મુખ્ય ટાપુઓ છે જે તેનું વ્યક્તિત્વ ઘડે છે. જોય આ બધા ઈમોશન્સની લીડર છે જે ઈચ્છે છે કે, રાયલી હંમેશા ખુશ રહે. જોકે, એવું થતુ નથી. પરિસ્થિતિ પ્રમાણે ઉદાસી, ધૃણા, ડર, ક્રોધ આ બધા રાયલીને તેઓ ઈચ્છે એ મુજબ વર્તવા મજબૂર કરે છે. આમ તો જોય સિવાયના બીજા ચારેચાર ઈમોશન અઘરા જ છે તેમ છતાં એ બધા પાછા ભેગા મળીને દરવખતે ઉદાસીને રોકવા મથતા રહે છે પણ તોય એમાં સફળતા મળતી હોતી નથી.
રાયલીનું જીવન હાઈવે પર વિના રુકાવટ સડસડાટ ચાલતું હોય છે એમાં અચાનક જ તેના પિતાની નોકરી અર્થે બદલી થતા જાણે તેમાં વણજોઈતી બ્રેક લાગી હોય એમ રાયલીથી એ બદલાવ સ્વીકાર થતો નથી. નવું ઘર બિલ્કુલ ગમે એવું નથી, પિતાને પોતાની સાથે રમવા સમય માંડ મળે છે. પિત્ઝા પર બ્રોકોલીનું ટોપીંગ મળે છે અને સામાન ભરેલો ટ્રક નવા શહેરમાં ગોટે ચડતા વસ્તુઓ વહેલી મળે એમ નથી, આ બધા વચ્ચે નવી સ્કુલના પ્રથમ દિવસે પોતાની જૂની સ્કૂલ યાદ કરી લેતી રાયલી આ ઈમોશનલ રોલરકોસ્ટરના ઝટકા એકસાથે સહન કરી શકતી નથી અને ક્લાસમાં રોઈ પડે છે.
તેના દિમાગી કંટ્રોલરુમમાં હેપ્પીનેસ ઉર્ફે જોય ઈચ્છે છે કે, રાયલી આ ઘટના ક્યારેય યાદ ના રાખે એટલે એ ફટાફટ કામે વળગે છે કે, જેમ બને એમ જલદી તેની મેમરીમાંથી આ પ્રસંગ ભૂંસી કાઢે પરંતુ ઉદાસી, સેડનેસ કહે કે, આ તો મારી ફરજ છે, આને તો હું સાચવી જ રાખીશ કે આજીવન રાયલી યાદ રાખશે કે એ કેવી રોઈ પડેલી. એ બન્ને વચ્ચે ચાલી રહેલી ખેંચમતાણીમાં જોય અને સેડનેસ રાયલીના મગજમાં ખોવાય જાય છે. આ બાજું ક્ધટ્રોલ રુમમાં અફરાતફરી મચી છે. ડર, ઘૃણા અને ક્રોધ આ ત્રણેયને હેપ્પીનેસની ગેરહાજરીમાં છુટ્ટો દોર મળી ગયો છે જે રાયલીને સતત ગુસ્સો કરતી, જીદ્દે ભરાતી, વાતેવાતે બરાડા પાડતી, લોકો સાથે બાખડી પડતી, કોઈનું કહ્યું ના માનનારી તરુણી બનાવી દે છે. રાયલીને કે તેણીના પેરેન્ટ્સને સમજ નથી પડતી કે શા માટે આવું થઈ રહ્યું છે. પરંતુ ધીમે ધીમે કઈ રીતે તેના મગજના આ બધા ઈમોશન્સ રાયલીનું વ્યક્તિત્વ ઘડે છે, તેની યાદો બનાવે છે, ટૂંકાગાળાની મેમરીને ભૂંસે અને લાંબાગાળાની મેમરીને સાચવી રાખે છે એ જોવામાં વિહા સહિત બધાજ ટીનએજર્સ ખૂબ રોમાંચિત થઈ ઊઠે છે.
રાયલી માફક દરેક તરુણી આ પ્રકારના ઉતાર ચડાવમાંથી પસાર થતી જ હોય છે. તેઓને સમજવા તેના ઈમોશન્સને સમજવા કેટલા જરુરી છે એવું હવે સમજાય. સ્નેહા ને થયું કે આ બધાની મમ્મીઓ પણ જો સાથે બેસીને જુએ તો તેઓને પણ ખ્યાલ આવે કે ક્યારેક તેઓ શા માટે ગુસ્સે થઈ જાય છે, ચિડાય જાય છે કે પછી અચાનક વ્હાલ કરવા લાગે છે.
સુરભીએ વાતનો દોર સાંધતા કહ્યું કે, આ કોન્સેપ્ટ થોડો અટપટો ચોક્કસ છે પરંતુ ધ્યાન આપીને જોઈશો તો માત્ર રાયલીજ નહી તમે તમારા મગજના મિકેનીક્સને પણ સમજી શકશો. પણ, એમાં આગળ શું થાય છે??? સ્વાભાવિક રીતે આવી સુફીયાણી સલાહો કરતા એ બધાને વાર્તા જાણવામાં વધુ રસ હતો.
અચ્છા તો તમે આખી વાત પૂરી કરાવીને જ જંપ લેશો એમ ને ?? હસતા હસતા સુરભીએ અંતમાં રાયલીના મગજમાં ગોથે ચડેલા જોય અને સેડનેસ ક્ધટ્રોલરુમ સુધી પંહોચવામાં સફળ રહે છે.
તેણીની મેમરીને સરખી કરે છે, તેણીના મગજમાં યાદોને કારણે પહોંચેલા નુકસાનની ભરપાઈ કરવા જતાં બધા ઈમોશન્સને ખ્યાલ આવે છેકે, ઉદાસી ભલે કોઈને ગમતી નથી, પરંતુ એના વગર અન્ય ઈમોશન્સનું કોઈ અસ્તિત્વ નથી.
તો ચાલો તૈયાર છો ને તમારું મગજ કઈ રીતે કામ કરે છે, કેવી કેવી યાદો બનાવે છે, તેને સંઘરે છે, લાગણીઓ તમારા નિર્ણયોને કઈ રીતે અસર કરે છે એ બધું એકદમ સરળતાથી સમજવા માટે??!!(ક્રમશ:)