ઉત્સવ

હવે કુદરતી ખેતી એ જ માત્ર આધાર

જાણવા જેવું -નિધી ભટ્ટ

ભારતમાં હરિયાળી ક્રાંતિ આવવાથી નવા હાઈબ્રિડ બિયારણ આવતા ગયા અને વધુ ઉત્પાદનની જરૂરિયાત ઊભી થતી ગઈ તેમ તેમ રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો ગયો. પરંતુ હવે રાસાયણિક ખાતરની વિપરીત અસરો સામે આવી રહી છે. વધુ પડતા રાસાયણિક ખાતર અને ઝેરી કીટનાશક દવાઓનો ઉપયોગ કરીને જમીનમાં અનંત કરોડ જીવજંતુઓનો, પક્ષીઓનો વિનાશ અને કેન્સર, ડાયાબીટીસ, હૃદયરોગ જેવી માનવ બિમારીઓ થવા લાગી. શું ૫૦ વર્ષ પહેલા ડાયાબિટીસ, હાર્ટએટેક, કેન્સર જેવી બિમારીઓની ખાસ ચર્ચા થતી? બહુ જ અલ્પ સંખ્યામાં દર્દીઓ જોવા મળતા હતા. આજે આ બિમારીઓ એટલી ઝડપથી વધી રહી છે કે માનવી વિનાશના કિનારા ઉપર ઊભો રહ્યો છે. આ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાને કારણે માત્ર માનવી પર જ નહીં, ખેતીલાયક જમીન પર પણ માઠી અસરો થઈ રહી છે. વર્તમાન સમયમાં દેશમાં અંદાજે ૧૪૦ મિલિયન હેક્ટર ખેતીલાયક જમીનમાંથી લગભગ ૫૬ ટકા એટલે કે ૮૦ મિલિયન હેક્ટર જેટલી જમીન ખરાબ થઈ રહી છે. આ સમસ્યાઓને પહોંચી વળવા અને ખેડૂત માટે વરદાન રૂપ એવી કુદરતના નિયમ આધિન ’કુદરતી ખેતી’ (નેચરલ ફાર્મિંગ)ને સરકાર પ્રાધાન્યતા આપી રહી છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ૨૦૨૪-૨૫ના બજેટમાં જાહેરાત કરી હતી કે, આગામી બે વર્ષમાં, સમગ્ર દેશમાં એક કરોડ ખેડૂતો દ્વારા કુદરતી ખેતીની શરૂઆત કરવામાં આવશે. તેનું અમલીકરણ વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે અને ૧૦,૦૦૦ જરૂરિયાત આધારિત બાયો-ઇનપુટ સંસાધન કેન્દ્રો પણ સ્થાપિત કરવામાં આવશે.

તો ચાલો પહેલા જાણીએ કે, કુદરતી ખેતી શું છે? આ ખેતી ખેતરમાં ઊગતા લીલા કે સૂકા કાર્બનિક કચરા પર નિર્ભર છે. કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફક્ત દેશી ગાયના છાણ અને મૂત્ર ઉદ્દીપક તરીકે વાપરવામાં આવે છે જે અળસિયાની વસ્તી અને સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ કરી જમીનની ઉત્પાદકતા અને પાકના ઉત્પાદનમાં સુધારો કરે છે. આ ખેતી પરંપરાગત રાસાયણિક ખેતી કરતાં વધુ ઉપજ આપે છે તથા ફળપાકો અને શાકભાજી પૌષ્ટિક અને સારી ગુણવત્તાવાળા હોય છે. આ ઉપરાંત કુદરતી ખેતી ૭૦ ટકા પાણી બચાવી શકે છે. આ પદ્ધતિમાં વાપ્સાનું મહત્વ છે. આનો અર્થ એ છે કે પાકને ચોક્કસ માત્રામાં પાણીની નહીં, પરંતુ પૂરતા પ્રમાણમાં ભેજની જરૂર છે. આ પદ્ધતિમાં ભેજ જાળવી રાખવા પૂરતા પાણીની જરૂર પડે છે. આ ખેતી અપનાવવી ખૂબ જ સરળ છે. આ ખેતી ગ્રીનહાઉસ વાયુઓ અને આબોહવા પરિવર્તન (કલાઈમેટ ચેઈન્જ) ની સમસ્યાઓ ઘટાડવામાં અસરકારક જોવા મળી છે. આ ખેતીનો ઉદ્દેશ કુદરતી પરિસ્થિતિઓ પુન: પ્રાપ્ત કરી જમીનની ઉત્પાદકતા અને વૃદ્ધિમાં સુધારો કરવાનો છે.

જોકે કૃષિ અને ખાદ્ય નિષ્ણાતો માને છે કે, વિશાળ વસ્તી ધરાવતા ભારત જેવા દેશની ખાદ્ય જરૂરિયાતો પૂરી કરવા
રાસાયણિક ખેતીમાંથી કુદરતી ખેતી તરફના મોટા પાયે સંક્રમણ એ સરળ કાર્ય નથી. આપણા દેશમાં હવે વસ્તી વધારો થતા ખેતરો નાના થઈ ગયા છે અને ખેડૂતો નાના થઈ ગયા છે. ખેતીમાંથી એક બે વર્ષ જો નુકસાન થયું હોય તો આવા ખેડૂતો આર્થિક દેવાદાર બની જાય છે. નાના ખેડૂતો ખેતીની ઉપજમાંથી પોતાનું ગુજરાત ચલાવતા હોય છે. કુદરતી ખેતીમાં ઘણીવાર બે ત્રણ વર્ષ પછી તેનો ફાયદો થતો હોય છે. આથી કુદરતી ખેતીને મોટા પાયે લોંચ કરતા પહેલા રાસાયણિકમાંથી કુદરતી ખેતીમાં સંક્રમણ, વ્યાપક અભ્યાસ અને મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે. થોડાં વર્ષો પહેલાં, પડોશી શ્રીલંકાએ સંપૂર્ણ કાર્બનિક બનવાનું નક્કી કર્યા પછી અને રાસાયણિક ખાતરોની આયાત પર પ્રતિબંધ મૂક્યા પછી આર્થિક અને રાજકીય ઉથલપાથલમાંથી પસાર થવું પડ્યું હતું. કુદરતી ખાતરો મેળવવા માટે સંઘર્ષ કરતા ખેડૂતો સાથે સરકારની નીતિમાં ફેરફારના ગંભીર પરિણામો આવ્યા. તેઓએ દેશની ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકતા ચોખા સહિતના મુખ્ય પાકોની ઉપજમાં ઘટાડાનો સામનો કરવો પડ્યો. દેશમાં ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો, જેના પરિણામે ભારે વિરોધ અને અશાંતિ જોવા મળી હતી. જાણીતા અર્થશાસ્ત્રી અને લુધિયાણા સ્થિત પંજાબ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર એમ.એસ. સિદ્ધુ, ભારપૂર્વક જણાવે છે કે પ્રાકૃતિક ખેતી સ્થાનિક સ્તરે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ ભારત જેવા વસ્તીવાળા દેશમાં, મોટા પાયે કુદરતી ખેતી અપનાવવી એ સફળ મોડલ ન હોઈ શકે. “ખાદ્ય સુરક્ષા એ એક મોટી ચિંતા છે. જો આપણે અનાજ માટે કુદરતી ખેતી અપનાવીશું, તો આપણે આપણી વસ્તીના માત્ર એક તૃતીયાંશ ભાગને જ ખવડાવી શકીશું. ઘઉં અને ચોખા આપણા મુખ્ય ખોરાક છે, આ પાકોને કુદરતી ખેતી દ્વારા ઉગાડવામાં આવે તો નીચી ઉપજમાં પરિણમી શકે છે. પૂરક ખોરાક કુદરતી ખેતી દ્વારા ઉગાડી શકાય, એમ પ્રો. સિદ્ધુ કહે છે.

કુદરતી ખેતીને વધુ લાભદાયી બનાવવા માટે ઇનોવેટિવ અભિગમ સાથે નવા સંશોધનો થાય તે જરૂરી છે. કૃષિ વૈજ્ઞાનિકો ’સર્વજન હિતાય, સર્વજન સુખાય’ ના મંત્ર સાથે કુદરતી ખેતી ક્ષેત્રે નવા સંશોધનો માટે પ્રેરિત થાય તે આજના સમયની માંગ છે. કુદરતી ખેતી પાણી, જમીન અને પર્યાવરણનું જતન કરે છે. તેનાથી દેશી ગાયનું જતન થાય છે, પાણીનો વપરાશ ઓછો થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે, ખેતીનો ખર્ચ નહિવત થાય છે અને કૃષિ પેદાશોનો ભાવ મળે છે. આ એક પદ્ધતિના ઘણા ફાયદા છે. ગુજરાતના વધુને વધુ ખેડૂતો કુદરતી ખેતી પદ્ધતિ સાથે જોડાઈ રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી… આ ફિલ્મોએ સેલિબ્રેટ કર્યા છે ઑલિમ્પિક વિનર્સને ફેન્સ બોલીવૂડની જે હસીનાઓના દિવાના છે, એ છે આમની દિવાની, ફોટો જોઈને જ… શું તમને પણ વાળ ખરવાની સમસ્યા છે તો આ ફળોનું સેવન કરો, જે વાળને ફરીથી ઉગવામાં મદદ કરે છે