પ્રથમ મહિલા આઈએએસ અધિકારી: અન્ના રાજમ મલ્હોત્રા
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
એક એવી આઈએએસ અધિકારી જેણે પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરેલી, એણે બે વડા પ્રધાન સાથે અને સાત મુખ્યમંત્રીઓ સાથે કામ કરેલું અને એને દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી પુરસ્કૃત પણ કરાયેલી….
એનું નામ અન્ના જ્યોર્જ. લગ્ન પછી અન્ના રાજમ મલ્હોત્રા…. ભારતની પહેલી મહિલા આઈએએસ અધિકારી. મહિલા સનદી અધિકારીઓની પ્રેરણામૂર્તિ. સનદી સેવાઓમાં મહિલાઓની મશાલચી. ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે અન્નાએ કામ કરેલું. ઉપરાંત મદ્રાસના મુખ્યમંત્રી સી. રાજગોપાલાચારી સહિત સાત મુખ્યમંત્રીઓ સાથે કામ કરેલું… જોકે અન્ના જ્યોર્જ સિવિલ સર્વિસમાં જોડાઈ ત્યારે એને નિયુક્તિ પત્રની સાથે જ, જો એ લગ્ન કરશે તો એને બરખાસ્ત કરવામાં આવશે, એવા નિયમ હેઠળ, નિલંબન પત્ર પણ અપાયેલો.
એથી અન્નાએ આ નિયમ બદલાય ત્યાં સુધી ધીરજ ધરી. ધીરજનાં મીઠાં ફળરૂપે આ નિયમ બદલાયો ત્યાર પછી ઠેઠ ૧૯૮૫માં, અડસઠ વર્ષની વયે અન્નાએ રિઝર્વ બેન્કના ગવર્નર આર.એન.
મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી એ અન્ના જ્યોર્જમાંથી અન્ના રાજમ મલ્હોત્રા થઈ.
આ અન્ના મૂળ કેરળની. એનો જન્મ કેરળના એર્નાકુલમ જિલ્લાના નિરાનામ ગામમાં ૧૭ જુલાઈ ૧૯૨૭ના થયો. એ મલયાલી લેખક પાલિયો પોલની પૌત્રી હતી. અન્ના કાલિકટ-કોઝિકોડેમાં ઉછરી. પ્રોવિડેન્સ વિમેન્સ કોલેજમાંથી ઈન્ટર કર્યું. કાલિકટની માલાબાર ક્રિશ્ર્ચિયન કોલેજમાંથી સ્નાતક થયા બાદ માસ્ટર્સ કરવા ચેન્નાઈ પહોંચી.
અન્ના જ્યોર્જે ૧૯૫૦માં સિવિલ સર્વિસની પરીક્ષા આપવાનું નક્કી કર્યું. આજની તારીખમાં સિવિલ સેવા ભારતના સામાન્ય માણસ માટે પણ કોઈ નવું નામ નથી. પરંતુ પંચોતેર વર્ષ પહેલાં સિવિલ સર્વિસ નવાઈ પમાડનારો શબ્દ જરૂર હતો. ભારતીયો તો સિવિલ સેવામાં જવાનું વિચારી પણ ન શકતાં. કારણ સિવિલ સેવા અંગ્રેજોની જાણે કે જાગીર હતી. જોકે કવિવર રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોરે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરીને પહેલા ભારતીય આઈએએસ અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કરેલું.
આ બાબત જાણતી અન્નાએ પણ આઈએએસ અધિકારી બનવાનું બીડું ઝડપ્યું. પહેલા પ્રયાસે જ ઉત્તીર્ણ થઈ. જોકે એક મહિલા વહીવટી ક્ષેત્રે સફળ ન થઈ શકે એવી સર્વસામાન્ય માન્યતા હતી.
પણ પોતાની યોગ્યતામાં વિશ્ર્વાસ ધરાવતી અન્ના ૧૯૫૧માં સિવિલ સેવામાં જોડાઈ. સંઘ લોકસેવા આયોગ દ્વારા સંચાલિત ઇન્ટરવ્યુ બોર્ડે અન્નાને ફોરેન સર્વિસ કે સેન્ટ્રલ સર્વિસમાં જોડાવાની ભલામણ કરી. આ ઇન્ટરવ્યુ પેનલમાં નામાંકિત આઈસીએસ અફસરોનો સમાવેશ કરાયેલો. યુપીએસસીના પ્રમુખ આર.એન. બેનરજી પેનલની અધ્યક્ષતા કરી રહેલા. આખી પેનલે અન્નાને વિદેશ સેવા કે કેન્દ્રીય સેવામાં જોડાવાની ભલામણ કરી. પણ અન્ના ટસની મસ ન થઈ.
પોતાના અધિકાર માટે અન્નાએ વકીલની માફક દલીલો કરવી પડી. એણે પોતાની વાત પોતે જ રજૂ કરી. એ દલીલો કરતી રહી, પણ હાર ન માની. અન્નાએ આઈએએસ અફસરની ખુરસીમાં બેસવા માટે વકીલનો કોટ પહેરવો પડ્યો એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય.
અન્નાએ મદ્રાસ કેડર પસંદ કરી. એને નિયુક્તિ પત્ર પણ મળ્યો, પરંતુ એમાં એવું લખાણ હતું કે, જો તમે લગ્ન કરશો તો તમારી સેવાઓ સમાપ્ત કરી દેવાશે.’ અન્નાએ શરત માન્ય રાખી. એની પહેલી નિયુક્તિ મદ્રાસમાં થઈ. અન્નાને મદ્રાસના પહેલાં મુખ્યમંત્રી સી. રાજગોપાલાચારી સાથે કામ કરવાનો મોકો મળ્યો. રાજગોપાલાચારી જાહેર સેવાઓમાં મહિલાઓના પ્રવેશના સખત વિરોધી હતા. મુખ્ય મંત્રીને એવું લાગતું કે જો શહેરમાં ક્યાંક હાલત બગડશે તો અન્ના કથળેલી પરિસ્થિતિને નિયંત્રિત નહીં કરી શકે. એથી અન્નાને સબ-કલેકટર નીમવાને બદલે એને સેક્રેટરિએટમાં જોડાવાનું કહેવામાં આવ્યું.
અન્ના જાણતી હતી કે પોતે પોતાના પુરુષ સાથીઓથી ક્ષમતા અને યોગ્યતામાં જરાય ઊણી ઊતરતી નહોતી. પણ ડગલે ને પગલે એણે સ્ત્રી હોવાને કારણે પક્ષપાતનો સામનો કરવો પડતો. પરંતુ અન્ના પીછેહઠ કરનારાઓમાંની નહોતી. એણે ઘોડેસવારી શીખેલી, રાયફલ અને રિવોલ્વર ચલાવતાં પણ એને આવડતું. મેજિસ્ટ્રેટની જવાબદારીઓથી સારી પેઠે પરિચિત હતી.
રાજગોપાલાચારી અન્નાની આવડતથી વાકેફ નહીં હોય. એમણે અન્નાને સેક્રેટરિએટમાં જોડાવા કહ્યું. ત્યારે અન્નાએ સવિનય એમના પ્રસ્તાવનો અસ્વીકાર કરીને કહ્યું, હું મારા પુરુષ સાથીઓની જેમ જ કોઈ પણ સંજોગોને પહોંચી વળવા સક્ષમ છું. મારી ક્ષમતા પુરવાર કરવા માટે મને એક મોકો આપો.’ રાજગોપાલાચારી અને એમના અધિકારીઓની રાજહઠે અન્નાની સ્ત્રીહઠ સામે ઝૂકવું પડ્યું.
અન્નાને હોસુર જિલ્લામાં સબ-કલેકટર તરીકે નિયુક્ત કરવામાં આવી.
એક વાર અન્ના ઘોડા પર બેસીને તાલુકાના એક ગામમાં પહોંચી. ગામની કેટલીયે મહિલાઓ અન્નાને જોવા પહોંચી. જોકે મહિલાઓ અન્નાને જોઈને નિરાશ થઈ કારણ કે અન્ના એમના જેવી જ દેખાતી હતી. ગામની મહિલાઓ બોલી કે, ‘આ તો અમારા જેવી જ દેખાય છે !’ મહિલાઓની નિરાશાનું કારણ એ હતું કે એમણે અન્ના વિશે ઘણી વાતો સાંભળેલી. અન્નાની બહાદુરીના કિસ્સાઓ સાંભળેલા.
એથી એમણે અન્નાનું ‘સુપરવુમન’ જેવું કાલ્પનિક
સ્વરૂપ મનોમન ચીતરેલું. જોકે પછી એમણે અન્નાને એનું જે સ્વરૂપ હતું એમાં સ્વીકારી લીધી.
અન્નાએ પોતાની સેવાઓ દરમિયાન લૈંગિક ભેદભાવ સામે જોરદાર લડત આપી. સ્ત્રી પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા લોકમાનસને બદલવા પ્રયાસો કર્યા. અન્નાની કાર્યનિષ્ઠા જોઈને મુખ્ય મંત્રી સી. રાજગોપાલાચારી પ્રભાવિત થયા. મહિલાઓને જાહેર સેવાઓમાં જોડાવા સામે વિરોધ કરતા રાજગોપાલાચારીએ અન્નાની પ્રશંસા કરી. એને પ્રગતિશીલ મહિલાનું ઉદાહરણ ગણાવી.
એક વાર દેશની આ પહેલી મહિલા સનદી અધિકારી સામે સમસ્યા ખડી થઈ. હોસુર જિલ્લાના એક ગામમાં છ હાથી ઘૂસી આવ્યા. અન્ના માસૂમ અને નિર્દોષ જીવોને પ્રેમ કરતી. હાથીઓને મારવાના પક્ષે નહોતી. પણ આ પરિસ્થિતિમાં શું કરવું એ તેને સમજાયું નહીં. એથી પોતાના વરિષ્ઠ અધિકારી સાથે ચર્ચા કરીને સહાય માગી. ત્યારે અધિકારીએ ઉપાલંભ કર્યો. એની તણખા ઝરતી નજર જાણે અન્નાને કહી રહેલી, આઈએએસ તો પુરુષનું ક્ષેત્ર કહેવાય, સ્ત્રીઓનું એમાં કામ નહીં ! પછી વેર વાળતો હોય એ રીતે જવાબ આપ્યો, આ સંકટને પહોંચી વળવા તમે તમારા દિમાગનો ઉપયોગ કરો, મિસ અન્ના….અન્નાએ પડકાર ઝીલી લીધો. એણે પોતાની સૂઝબૂઝ અને કોઠાસૂઝથી હાથીઓને ફરી જંગલમાં મોકલી દીધા. ન કોઈ ઘાયલ થયું, ન કોઈને ઈજા ન થઈ.
અન્ના ધીમે ધીમે સફળતાની સીડી ચડવા લાગી. એણે સાત મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું. રાજીવ ગાંધી સાથે ૧૯૮૨માં એશિયાડ પ્રોજેક્ટ પર કામ કર્યું. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે આઠ રાજ્યોનો પ્રવાસ કર્યો. પ્રવાસ દરમિયાન પગમાં ફ્રેકચર હતું, છતાં અન્નાએ રજા લીધા વિના નિષ્ઠા અને ધગશથી ફરજ બજાવેલી. એણે જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટમાં અભૂતપૂર્વ યોગદાન કર્યું.