લાડકી

નિષ્ફળતાને પચાવી જાણવી એ જ ખરી સફળતા છે…

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

તમારા મતે સફળતાનો માપદંડ શું? સફળતાને શેના આધારે માપી શકાય? તમે પોતે સફળ છો કે નિષ્ફળ એ શેના આધારે કહી શકો? વ્યક્તિ સફળ છે કે નિષ્ફળ એ સમાજ નક્કી કરે કે વ્યક્તિ પોતે?

આવા પ્રશ્ર્નો મને હમણાં પૂછવામાં આવ્યાં. સ્વાભાવિક છે કે સફળતાને લઈને જનરલી જે માપદંડ પ્રવર્તે છે એ મુજબ સફળ વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જે સોસાયટીમાં ઊંચું સ્ટેટસ ધરાવતી હોય.

પૈસા, પાવર અને પોઝિશનમાં અવ્વલ હોય. પબ્લિક એવી વ્યક્તિઓને ફોલો કરતી હોય. જેની એક ઝલક જોવા માટે લોકો કલાકો સુધી રાહ જોતા હોય. જેના શબ્દો પબ્લિક ઉપર હિપ્નોટીઝમ જેવી અસર ઉપજાવતા હોય. સાત પેઢી ખાય તોય ન ખૂટે એવી પરિસ્થિતિ હોય. સફળતાને આપણે બીજાના આધારે મુલવીએ છીએ. સામેવાળાની દ્રષ્ટિએ જો આપણે સફળતાની વ્યાખ્યામાં આવતા હોઈએ તો જ આપણે સફળ છીએ એવું માની લેવામાં આવે છે. પરંતુ પોતાની જાતને ક્યારેય પૂછ્યું કે એને પોતાના જીવનથી કેટલો સંતોષ છે?

પ્રશ્ર્ન એ થાય કે ખરેખર માણસની સફળતા આ છે? પૈસા, પાવર અને પોઝિશન જ જો ખરી સફળતા હોય તો એ લોકો ઊંઘની ગોળીઓ ન લેતાં હોત. ડિપ્રેશન કે અન્ય રોગનો શિકાર ન બનતાં હોત. એમની વર્તણૂકમાં અમીરીનો પાવર ન છલકાતો હોત. માન્યું કે કેટલાક અંશે વ્યક્તિનું સોશ્યલ સ્ટેટસ એની સફળતા પ્રદર્શિત કરે છે. પરંતુ એનાથી અંજાઈને આપણે સામાન્ય માણસની કેટલીક બાબતોને ઇગ્નોર ન કરી શકીએ જે સફળતાને સૂચિત કરે છે.

આપણું બૅંકબેલેન્સ નહીં, પણ એ બેંકબેલેન્સનો યોગ્ય માણસ માટે કરેલો વપરાશ એ આપણી સફળતા છે. આપણું સ્ટેટસ જોઈને અહોભાવ વ્યક્ત કરનારો માણસ નહીં, પણ આપણું સ્ટેટસ જાણ્યા વગર છૂટથી વર્તન કરી શકતો માણસ એ આપણી સફળતા છે. આપણી પાસે રહેલો પાવર નહીં, પણ એ પાવરનો જરૂરિયાતમંદ માટે કરેલો ઉપયોગ એ આપણી સફળતા છે. આપણને ફોલો કરતી ઓડિયન્સ નહીં, પણ અડધી રાતે જરૂર પડ્યે ઉપસ્થિત રહેતાં મિત્રો એ આપણી ખરી સફળતા છે. રસ્તે મળતાં દરેક જણ સાથે ખડખડાટ હસી શકવું એ સફળતા છે. નાનામાં નાના માણસ સાથે જમીન પર પલાંઠી વાળીને બેસી એના ટિફિનનું જમી શકવું એ ખરી સફળતા છે. આપણાથી બુદ્ધિમાન લોકોની પ્રશંસા કરી શકવી એ સફળતા છે. કુદરતનો ભરપૂર લ્હાવો માણી શકતાં હોય તો એ સફળતા છે. અરે પથારીમાં પડતાની સાથે જ ઘસઘસાટ ઊંઘ આવી જવી એ ખરી સફળતા છે. ભીખ માંગતા ભિખારી કે અશક્ત વ્યક્તિ સાથે સહાનુભૂતિથી વર્તવું એ સફળતા છે.

વૃદ્ધજન સાથે અડધો કલાક મસ્ત ગપ્પા મારવા અને બાળક સાથે મન ભરીને રમી શકવું એ સફળતા છે. પથ્થરના ટેકે માથું ટેકવીને ભવિષ્યની ચિંતા વગર સૂઈ શકાતું હોય તો એ સફળતા છે.

આપણા મિત્રો કે સ્નેહીજનોની પ્રગતિ જોઈને હૈયે ટાઢક પ્રસરતી હોય તો એ સફળતા છે. ભૂખ્યા માણસને પેટભરી જમાડીને એનો આનંદ લઈ શકાતો હોય તો એ સફળતા છે. અરે હૈયે બાજેલ ડૂમાંને પ્રિયજનના ખભે વહેતો મૂકી દેવો એ સફળતા છે. આપણી ગેરહાજરીમાં આપણી ખોટ વર્તાય તો એ સફળતા છે. કોઈના મોઢેથી નીકળતા અપ્રિય શબ્દો સાંભળીને પચાવી લેવા એ સફળતા છે. તકલીફના સમયે આપણી બાજુ લંબાતા હાથ એ આપણી સફળતા છે.

કશુંક ન મળ્યું તો મનને ‘ઇટ્સ ઓકે’ કહી દઈને રાજી રહેનાર વ્યક્તિ ખરા અર્થમાં સફળ વ્યક્તિ છે. પ્રિયજનનું ન ગમતું વર્તન હોય કે પછી એનું જોરથી હગ કરવું, બંનેને સ્વીકારી શકનાર વ્યક્તિ સફળ વ્યક્તિ છે. હાજરીમાં થતાં વખાણ હોય કે પછી ગેરહાજરીમાં થતી નિંદા, વીતેલા ભૂતકાળની કડવી યાદો હોય કે પછી રોમાંચિત કરી મૂકતી યાદો, સ્નેહીજનોનો સ્નેહ હોય કે પછી અણગમો, બોસે કરેલી ટીકા હોય કે પછી પ્રશંસા, ગમતી વ્યક્તિનો અપાર પ્રેમ હોય કે પછી નફરત, કોઈને કરેલી મદદ હોય કે પછી એ જ વ્યક્તિ તરફથી મળેલ અપજશ, આ બધું જ સ્વીકારી શકનાર માણસ ખરાં અર્થમાં સફળ વ્યક્તિ કહેવાય.

સફળતાની કોઈ પરફેક્ટ વ્યાખ્યા હોય જ ન શકે. એને ક્યારેય કોઈ એકાદ ક્રાઈટેરિયામાં બાંધી જ ન શકીએ. વ્યક્તિએ વ્યક્તિએ એના માપદંડ જૂદા હોય શકે. પરંતુ સર્વસામાન્ય માપદંડ મુજબ જોઈએ તો આપણી નિષ્ફળતામાંથી શીખ લઈને આગળ વધવું એ સફળતા હોય શકે. નિષ્ફળતાના ડર વગર સપના તરફનું પ્રયાણ કરવું એ પણ સફળતાની પહેલી સીડી છે. નિષ્ફળ થઈએ તો પણ નાસીપાસ કે નિરાશ ન થવું એ ગુણ કુદરતી બક્ષિસ સમાન છે.

આપણા બધાની તકલીફ એ છે કે આપણને સફળ કેમ થવું એ જ શીખવાડવામાં આવે છે. પણ જો સફળ ન થયા તો નિષ્ફળતાને કેમ પચાવવી એ તો કોઈ શીખવાડતું જ નથી. એના કોઈ વર્ગો જ નથી હોતાં. દરેક જગ્યાએ અવ્વલ આવવા માટેની સ્પર્ધાઓ થતી હોય છે. યુવાન છોકરાને સારી નોકરી મળી જાય અને પછી સારી છોકરી મળી જાય એ જ જાણે જીવનની ખરી સફળતા છે એવું પીરસવામાં આવે છે. એ માટે શહેરોમાં ઠેરઠેર સ્પર્ધાત્મક પરીક્ષાઓના કલાસીસ ચાલતાં હોય છે. એમાં એડમિશન લઈ લેવાથી જ જાણે આપણને નોકરી મળી જવાની હોય એવું ઠસાવી દેવાય છે.

પ્રથમ કેમ આવવું, પાસ કેમ થવું એ જ શીખવાડાય છે. પણ ક્યાંય એવું નથી શીખવવામાં આવતું કે નપાસ થયાં પછી શું? જીવન આ બધી પરીક્ષાઓથી ક્યાંય વિશેષ છે.

વ્યક્તિ વારંવારની મહેનત કર્યા પછીય
નિષ્ફળ જતો હોય તો પોતાની બુદ્ધિ પ્રતિભાના આધાર પર કોઈ જુદો જ વ્યવસાય શરૂ કરી દે એવા કિસ્સા કેટલાં? આ બધા લોકોને જ ખરાં અર્થમાં સફળ કહી શકાય. જે પરિસ્થિતિ, સમય અને સંજોગોમાંથી શીખીને ફરી બેઠાં થાય છે.

એ નિષ્ફળતામાંથી ફરી બેઠાં થઈને સોનેરી ભવિષ્ય તરફના મંડાણ માંડવા જોઈએ. આપણા ગોલ સુધી પહોંચી ન શક્યાનો વસવસો કરવા કરતાં એની પાછળ કરેલી અથાગ મહેનતને યાદ કરવી જોઈએ. સફળ બનવા દોટ મૂકવા કરતાં મહેનત કર્યા પછી જે મળે એમાં સંતોષ માની લેવો જોઈએ. હકીકતમાં જોઈએ તો સફળતા માપવાનું કોઈ સાધન કે માપપટ્ટી નથી. કે એના આંકડાના આધારે માણસની સફળતાની ટકાવારી કાઢી શકાય. એ તો વ્યક્તિના મનની અંદર રહેલો ખ્યાલ છે. વ્યક્તિ પોતાની નિષ્ફળતામાંથી કેટલું શીખી છે, એણે સફળ બનવા માટે કેટલાં પ્રયાસ કર્યા છે, વ્યક્તિ પોતે પોતાના કાર્યથી કેટલી સંતુષ્ટ છે, વ્યક્તિ પોતાની જાતને કેટલી વફાદાર છે, વ્યક્તિમાં પોતાના અવગુણોને સ્વીકારી શકવાની કેટલી ક્ષમતા છે, વ્યક્તિ પોતાની આસપાસના લોકોને કેટલો પ્રેમ આપી શકે છે, વ્યક્તિ પોતાના પ્રિયજનની ખુશી માટે કેટલું ત્યાગી શકે છે, વ્યક્તિ પોતાની નબળાઈઓ અને મર્યાદામાંથી કેટલું શીખી શકે છે, વ્યક્તિ પોતાના સાહજિક વર્તનથી કેટલાં લોકોને અભિભૂત કરી શકે છે, વ્યક્તિના મુખેથી નીકળતાં વેણ પીડા આપે છે કે પ્રેમ, વ્યક્તિ પોતાની જાત સાથે ખુશ રહી શકે છે કે કેમ, એને પોતાના જીવનથી સંતોષ છે કે કેમ, દ્વેષભાવ, ઈર્ષ્યા, તિરસ્કાર, નિંદા વગેરે અવગુણોથી પર રહીને દરેકને સ્વીકારી શકે છે કે કેમ- આ બધાં જ લક્ષણો વ્યક્તિની સફળતાનાં માપદંડો છે. એટલે સમાજે નહીં, પણ નક્કી આપણે પોતે કરવાનું છે કે આપણે ખરાં અર્થમાં સફળ છીએ કે કેમ…!

ક્લાઈમેક્સ: પીડાને એ હદે પોતીકી કરી લીધી છે કે હોઠ પરના લાગલગાટ હાસ્યના લીધે રસ્તા પરનો અજાણ્યો માણસ પણ હસીને સામે મળે છે…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત