દૂધ અને પંચામૃતનું સ્નાન માત્ર શિવ જ નહીં જીવ માટે પણ જરૂરી
મુકેશ પંડ્યા
શિવલિંગને દૂધનો અભિષેક કરવો કે દુગ્ધસ્નાન કરાવવું એ એક તેમને માન આપનારી પ્રતીકરૂપી ક્રિયા છે. તમારી અંદર વિરાજમાન શિવને પણ આ રીતની ટ્રિટમેન્ટ આપવી જોઇએ, મતલબ કે તમારે કે તમારાં બાળકોએ પણ દૂધથી નહાવું જોઇએ. આપણી દાદી-નાનીઓને દૂધના સ્નાનથી થતાં ફાયદાની ખબર હતી. ભૂતકાળમાં આપણે ત્યાં દૂધની રેલમછેલ હતી, પરંતુ આજે પણ તમે એક પાણી ભરેલી બાલદીમાં એક ગ્લાસ જેટલું દૂધ નાખશો તો ચહેરાથી માંડીને પગની પાની સુધીની ચામડી ચમકીલી બની જશે. ખીલ, ફોડલી કે ડાઘ જેવી સમસ્યા ઓછી થશે. બ્યુટી પાર્લરવાળા દૂધનો એક ક્લિન્ઝર તરીકે ઉપયોગ કરે છે. ક્લિન્ઝર મતલબ સાફ કરવું. દૂધને ચહેરા પર લગાડવાથી ચહેરા પર ખીલ-ફોડલી ઉત્પન્ન થવામાં જવાબદાર હોય બેક્ટેરિયાનો સફાયો થાય છે. ચામડી ચમકદાર બને છે. ઘણા લોકોની ચામડી એકદમ સૂકી અને બરછટ હોય છે. શિયાળામાં તો ખાસ આ સમસ્યા સહુને સતાવે છે. તેમને માટે તો દૂધથી ચહેરાને સાફ કરવો લાભકારક છે. દૂધ અને પાણી ભેગું કરીને સ્નાન કરી શકો તો બેસ્ટ. આનાથી તમારી ચામડી ભેજવાળી (મોઇસ્ચરાઇઝ્ડ) અને સુંવાળી બને છે. દૂધના સ્નાનથી ચામડી પરના મૃતકોષોને દૂર કરવામાં મદદ મળે છે. દવાના પૈસા બચતા હોય તો દુગ્ધસ્નાન સરવાળે સસ્તુ પડે છે.
પંચામૃતનો અભિષેક અને પ્રસાદ
શાસ્ત્રોક્ત રીતે કોઇ પણ દેવી દેવતાની પૂજા કરવાની હોય ત્યારે માત્ર કાચા દૂધ જ નહી,પણ દહીં, ઘી, મધ અને શેરડીના રસથી તેમના પર અભિષેક કરવામાં આવે છે. આ દરેક ક્રિયા વારાફરતી કરવામાં આવે છે એક દ્રવ્યથી સ્નાન કરાવીને ફરીથી જળસ્નાન કરાવીને પછી બીજા દ્રવ્યથી સ્નાન કરાવવામાં આવે છે. દરેક દ્રવ્યના સ્નાન વચ્ચે જળસ્નાન કરાવવામાં આવે છે. આ પાંચે દ્રવ્યો શરીર અને મન માટે અમૃત સમાન છે.
રોજેરોજ સંક્ષિપ્તમાં પૂજા કરનારા પહેલેથી જ આ દ્રવ્યોને ભેળવીને પંચામૃત તૈયાર કરી રાખે છે. આ દ્રવ્ય વડે શિવલિંગનો અભિષેક ભલે કરો પણ તેનો ઉપયોગ તમારા શરીર માટે પણ કરી લેશો તો અંદર બેઠેલા શિવ પણ જરૂર પ્રસન્ન થશે અર્થાત્ શરીર અને મનથી નીરોગી રહેશો.
પંચામૃતમાં રહેલું દૂધ પ્રોટીન આપે છે, પરંતુ દૂધ પચવામાં ભારે હોઇ દહીંમાંનો એસિડ અપચો થતો અટકાવે છે. દહીં પચવામાં હલકું પણ કફકારક હોઇ મધ કફનો નાશ કરે છે. મધ પ્રકૃતિમાં ગરમ હોઇ ઘી તેની પિત્તવૃત્તિને શમાવે છે અને શેરડીનો રસ ( સાકર) શરીરને જોઇતી ઊર્જા પૂરી પાડે છે. આના મિશ્રણથી પાંચે તત્ત્વોના ગુણો નિખરે છે અને અવગુણોની અસર હળવી થાય છે. આથી જ આ દ્રવ્યને પંચામૃત (પાંચ દ્રવ્યોથી બનતું અમૃત) કહેવામાં આવે છે. આજનું સંશોધન તો વળી કહે છે કે પંચામૃતથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. પંચામૃત શરીરની સાતે ધાતુઓ માટે લાભકારક છે. પંચામૃતથી ત્વચાનો રંગ સુધરે છે અને વાળ પણ સારા રહે છે. આમ શરીરનું સૌંદર્ય અને સ્વાસ્થ્ય જાળવવા માટે પંચામૃત અતિ ઉપયોગી સાબિત થાય છે.
હવે તમને સમજાયું હશે કે શા માટે આપણે ત્યાં પાણી, દૂધ અને પંચામૃતથી દેવીદેવતાને સ્નાન કરવાનો મહિમા કેમ છે. હા પણ એક વાત યાદ રાખવી કે મંદિરોમાં ગિરદી વધી જતાં અને દરેક ભક્તો શ્રદ્ધાભાવથી વધુને વધુ અભિષેક સામગ્રી લઇ જતાં આપણી દેવદેવીઓની મૂર્તિઓ પણ પ્રસન્ન થવાની બદલે મુંઝાઇ જતી હશે. આમ કરવાથી મંદિરના પરિસરમાં ગંદકી પણ વધે છે. પ્રખ્યાત મંદિરોમાં જઇ પૂજા કરીને સ્ટેટસમાં ફોટા મૂક્યા વગર તમે શ્રદ્ધાભાવથી ઘરે પણ અભિષેક કરી શકો છો. તમે કોઇ ખાસ મંદિરમાં પૂજા-દર્શન કરવા જઇને તમારા સ્ટેટસનું પ્રદર્શન તો નથી કરી રહ્યાને એ વાતનું પણ ધ્યાન રાખજો અને હા અગાઉ કહ્યું તેમ જે પણ સામગ્રીનો ભગવાનના અભિષેક માટે ઉપયોગ કરો છો તેમાંથી બચાવીને તેનો ઉપયોગ તમારી અંદર બિરાજમાન થયેલા શિવને રિઝવવા પણ કરજો. તમારે તનમનની અસ્વસ્થતા સિવાય બીજું કશું જ ગુમાવવું નહીં પડે (ક્રમશ:)