અજિત પવારે ક્યારેય જાતિનું રાજકારણ ન કર્યું
રાજ ઠાકરેએ કરી અજિત પવારની પ્રશંસા
મુંબઈ: મરાઠા અનામત અને જાતિના રાજકારણ મુદ્દે શરદ પવારની ટીકા કરનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ અજિત પવારની પ્રશંસા કરી હતી. શરદ પવારે જ જાતિનું રાજકારણ શરૂ કર્યું હોવાની ટીકા કરનારા રાજ ઠાકરેએ અજિત પવારના વખાણ કરતા જણાવ્યું હતું કે હું અજિત પવાર વિશે તમને એક વાત જણાવું છું કે તે આ પહેલા શરદ પવાર સાથે હતા.
શરદ પવારનું જાતિનું રાજકારણ ચાલુ હતું અને જેમ્સ લેન વગેરે પ્રકરણ પણ ચાલુ હતું. જોકે, હું તમને ખાત્રીપૂર્વક કહું છું કે અજિત પવાર ક્યારેય પણ જાતિના રાજકારણમાં પડ્યા નથી અને આ વાત નિશ્ર્ચિત છે.
જોકે પોતે અજિત પવાર સાથે થોડો મતભેદ ધરાવતા હોવાની વાત જણાવતા રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે મારા અજિત પવાર સાથે ઘણા મતભેદ છે અને અન્યોના પણ છે, પરંતુ જે વસ્તુ યોગ્ય છે તે યોગ્ય જ છે. હું સ્પષ્ટ રીતે જણાવું છું કે અતિ પવાર ક્યારેય જાતિના રાજકારણમાં પડ્યા નથી. જાતિ વિષયમાં મેં તેમનું એકપણ નિવેદન સાંભળ્યું નથી. તે આ ભાંગજડમાં ક્યારેય પડ્યા જ નથી.
આ પણ વાંચો: જાતીવાદ અને આરક્ષણ મુદ્દે રાજ ઠાકરેએ કોના પર કર્યા પ્રહાર?
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ અનામત વિશે આપેલા નિવેદન બાદ બીડમાં તેમના કાફલા પર સોપારી ફેંકવામાં આવી હતી અને તેમને સોપારીબાજ કહીને નારાઓ લગાવવામાં આવ્યા હતા. જ્યાર બાદ છત્રપતિ સંભાજીનગરમાં પત્રકાર પરિષદ યોજીને રાજ ઠાકરેએ અનામત અને જાતિના મુદ્દે રાજકારણ રમવા બદલ શરદ પવાર તેમ જ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી.
આ ઉપરાંત પોતાના કાફલા પર હુમલા કરવા જેવી ઘટના બની તો તેમના વિરોધીઓ માટે પ્રચારસભા યોજવું મુશ્કેલ થઇ જશે તેવી ચીમકી પણ રાજ ઠાકરેએ પત્રકાર પરિષદ દરમિયાન આપી હતી. પોતાના રસ્તે આડે ન ઉતરવાની ચેતવણી આપી રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં શરદ પવારે જાતિનું રાજકારણ રમવાનું શરૂ કર્યું હોવાની ટીકા પણ કરી હતી.