કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘લાપતા લેડીઝ‘ માર્ચ મહિનામાં જ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયાના 5 મહિના પછી સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અભિનેતા આમિર ખાને પણ નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં લાપતા લેડીઝની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને ત્યાં હાજર લોકો સાથે વાતચીત કરી હતી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે તેમનો પરિચય બધા સાથે કરાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ કોર્ટમાં નાસભાગ થાય એમ ઇચ્છતા નથી. તેમનો કહેવાનો મતલબ એમ હતો કે આમિર ખાન એક ફેમસ બોલિવૂડ એક્ટર છે, જે સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ સ્ક્રિનીંગમાં આવ્યો છે. તેનું ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છએ, તેથઈ એની સાથે હાથ મેળવવા અને તેના ઑટોગ્રાફ લેવા માટે લોકો પડાપડી કરવા માંડશે અને સુપ્રીમ કોર્ટમાં નાસભાગ થઇ જશે.
હકીકતમાં CJI ડીવાય ચંદ્રચુડે જ સુપ્રીમ કોર્ટમાં ‘લાપતા લેડીઝ’ની સ્ક્રીનિંગની પહેલ કરી હતી. CJI ચંદ્રચુડની પત્નીની વિનંતી પર સુપ્રીમ કોર્ટના 75માં સ્થાપના દિવસના અવસર પર તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે 9 ઑગસ્ટે સુપ્રીમ કોર્ટમાં આ ફિલ્મની સ્ક્રિનીંગ રાખી હતી, જેમાં સુપ્રીમ કોર્ટના તમામ જજોએ તેમની પત્નીઓ સાથે હાજરી આપી હતી. ફિલ્મ નિર્દેશક કિરણ રાવ અને ફિલ્મ નિર્માતા આમિર ખાન પણ આ સ્ક્રીનિંગનો ભાગ બન્યા હતા.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયધીશ આજે લાપતા લેડીઝ ફિલ્મ જોશે, આમિર ખાન પણ હાજર રહેશે
સ્ક્રીનિંગમાં હાજરી આપ્યા બાદ કિરણ રાવે તેની ખુશી અને આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, “ભારતની સર્વોચ્ચ અદાલતમાં ‘લાપતા લેડીઝ’ને ઈતિહાસ રચતા જોઈને મારું હૃદય અત્યંત ગર્વથી ભરાઈ જાય છે. આવા કિંમતી સન્માન માટે હું માનનીય ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડનો હૃદયપૂર્વક આભાર માનું છું.”
નોંધનીય છે કે ‘લાપતા લેડીઝ’ એ બે યુવાન દુલ્હનોની વાર્તા છે જેમાં તેઓ પોતાના પતિથી અલગ થઈ જાય છે. ત્યાર પછી તેમની સાથે શું થાય છે અને કેવી રીતે તેઓ તેમના પતિ પાસે પહોંચે છે, તેની સ્ટોરી ધરાવતી સાદી, સરળ પણ તન, મનને તાજગી આપતી ફિલ્મ છે.